દેસાઈ, રાસબિહારી રમણલાલ (જ. 23 જૂન 1935, પાટણ; અ. 6 ઑક્ટોબર 2012, અમદાવાદ) : સુગમ સંગીતના વિખ્યાત ગુજરાતી ગાયક અને સ્વરકાર. જમીનદાર કુટુંબમાં જન્મ. પિતા સુરેન્દ્રનગરના ખાનગી ઔદ્યોગિક એકમના મૅનેજરપદેથી નિવૃત્ત થયા. માતાનું નામ દુર્ગાબા. માત્ર ચાર વર્ષની ઉંમરે માતાનું અવસાન (1939) થતાં ફોઈ નિર્મળાબહેન દેસાઈ પાસે ઊછર્યા. પ્રાથમિક શિક્ષણ કપડવણજમાં, માધ્યમિક શિક્ષણ મુંબઈમાં અને ઉચ્ચ શિક્ષણ વિસનગર તથા અમદાવાદની સરકારી કૉલેજોમાં લીધું હતુ. ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસસી. (1956) થયા પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાં 1956–66 દરમિયાન અને ત્યારપછી ભવન્સ આર. એ. સાયન્સ કૉલેજમાં પ્રાધ્યાપક (1966–1991) હતા. ભવન્સ કૉલેજમાંથી વિભાગીય વડા (1989–91) તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી (1991). સંગીતનો વારસો નાગર જ્ઞાતિ તથા પરિવારમાંથી મળ્યો હતો. દાદીમા મહાલક્ષ્મીબહેન સુરીલા કંઠથી ભક્તિસંગીત ગાતાં તો પિતા સ્વાધીનતા ચળવળ દરમિયાન પ્રભાતફેરીઓમાં રાષ્ટ્રભક્તિનાં ગીતો ગાતા. સંગીતની આ વારસાગત મૂડીને રાસબિહારીએ લગન, સૂઝ અને રિયાઝથી, કોઈ પણ પ્રકારની ઔપચારિક તાલીમ વિના, ઘાટ આપ્યો હતો. કંઠ જન્મજાત ભરાવદાર અને સુરીલો; પરંતુ પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું તે સૂર્યકાન્ત દવે, સુરેશ જાની અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા પંકાયેલા કલાકારો અને સ્વરકારો પાસેથી. નવેમ્બર, 1954માં આકાશવાણી, અમદાવાદ પરથી સંગીતનો પ્રથમ કાર્યક્રમ પ્રસારિત થયો ત્યારથી આકાશવાણી અને દૂરદર્શન ઉપરાંત દેશવિદેશમાં અનેક જાહેર કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા જેમાં અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કૉલકાતા અને દિલ્હી જેવા દેશનાં નગરો અને મહાનગરો ઉપરાંત 1981–90ના દાયકા દરમિયાન અમેરિકામાં ડેટ્રૉઇટ, ક્લીવલૅન્ડ, લૉસ ઍન્જેલિસ, શિકાગો અને ન્યૂયૉર્ક તથા ઇંગ્લડમાં લંડન, લેસ્ટર અને બર્મિંગહેમ જેવાં શહેરોમાં 150થી પણ વધુ કાર્યક્રમો રજૂ કર્યા હતા. યુગલગીતના કાર્યક્રમો ઉપરાંત વિદેશમાં તેમણે બે સંગીતશિબિરોનું પણ આયોજન કર્યું હતું.
રાસબિહારી વ્યક્તિગત સંગીતપ્રવૃત્તિ કરતાં સાંઘિક સંગીતપ્રવૃત્તિને વધુ મહત્ત્વ આપતા જેના અનુસંધાનમાં અમદાવાદ શહેરના ઊગતા સંગીત કલાકારોને તાલીમ આપવા માટે તેમણે 1961માં ‘શ્રુતિ’ સંસ્થાની સ્થાપના કરી. 1967માં તેમના સંચાલન હેઠળ શહેરની ભવન્સ કૉલેજમાં ‘ભવન સંગીતના વિભાગ’ની શરૂઆત થઈ. આ બંને ઘટકોએ ગુજરાતના સુગમ સંગીતના ક્ષેત્રને ઘણા સારા ગાયક કલાકારો આપ્યા છે. વળી રાજ્યની યુનિવર્સિટીઓ અને રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી આયોજિત સંગીતશિબિરોમાંથી આશરે 25 જેટલી સઘન સંગીતશિબિરોનું તથા 1971થી ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત સુગમ સંગીત સંમેલનોનું તેમણે સંચાલન કર્યું હતુ.
તેમનાં પત્ની વિભા દેસાઈ પણ સુગમ સંગીત ક્ષેત્રનાં પ્રથમ કક્ષાનાં કલાકાર છે, જેમની સાથે રાસબિહારીએ ગાયેલાં યુગલગીતોની એલ.પી. રેકર્ડો અને કૅસેટો તૈયાર થઈ છે.
રાસબિહારીએ વ્યાખ્યાનો, નિદર્શનો અને પરિસંવાદો દ્વારા દેશવિદેશમાં સુગમ સંગીતનો પ્રચાર અને પ્રસાર કર્યો; જેમાંથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા ખાતે 1978માં ‘કાવ્યસંગીત’ પરનું નિદર્શન-વ્યાખ્યાન, અમેરિકાની ટૅક્સાસ ખાતેની યુનિવર્સિટી ઑવ્ ઑસ્ટિનમાંનું ‘ભારતીય સંગીતનાં લક્ષણો’ પરનું વ્યાખ્યાન-નિદર્શન, કેન્દ્રીય સંગીત નાટક અકાદમી દ્વારા મદ્રાસ યુનિવર્સિટી ખાતે આયોજિત ‘મ્યુઝિકલ સ્કેલ્સ’ પરના પરિસંવાદની એક બેઠકનું સંચાલન (1979), મધ્યપ્રદેશની ખૈરાગઢ ખાતેની સંગીત યુનિવર્સિટી દ્વારા ભોપાલમાં 1984માં આયોજિત ‘ઇન્ટરનેશનલ સેમિનાર ઑન મ્યુઝિકલ ઇન્સાઇટ્સ’માં સક્રિય હિસ્સો સવિશેષ ઉલ્લેખનીય ગણી શકાય.
1981થી આકાશવાણી અને દૂરદર્શનના ‘એ’ ગ્રેડ કલાકાર અને માન્ય સ્વરકાર તરીકે તથા 1995થી ‘ટૉપ ગ્રેડ’ કલાકાર તરીકે માન્યતા ધરાવતા હતા. ગુજરાત સંગીત અકાદમીના તેઓ 1981–89 દરમિયાન સભ્ય હતા અને 1990 પછી અકાદમી સ્વાયત્ત થતાં તેના સભ્ય-પદે ચાલુ રહ્યા હતા.
‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ અને ‘ગુજરાત સમાચાર’ જેવાં દૈનિકોમાં તથા ‘કુમાર’ જેવાં સામયિકોમાં તેમના સંગીતને લગતા લેખો પ્રકાશિત થયા છે.
તેમને ગુજરાતી ચલચિત્રોના શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકેનો ઍવૉર્ડ 1980માં (ચલચિત્ર : ‘કાશીનો દીકરો’), સંગીતક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે 1985નો ‘ત્રિવેણી’ ઍવૉર્ડ (વડોદરા), 1995નો ‘આનર્ત ઍવૉર્ડ’ તથા તે જ વર્ષ માટેનો રાજ્ય ગૌરવ પુરસ્કાર મળ્યા હતા.
ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રની ટોચ પર પહોંચેલા રાસભાઈએ બિનધંધાદારી કલાકાર (amateur artist) રહેવાનું પસંદ કર્યું હતુ.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે