દેસાઈ, રમાકાન્ત ભીખાજી (જ. 2૦ જૂન 1939, મુંબઈ; અ. 28 એપ્રિલ 1998, મુંબઈ) : ભારતના શક્તિશાળી મધ્યમ ઝડપી ગોલંદાજ, જમોડી બૅટ્સમૅન અને ભારતીય ક્રિકેટ બોર્ડની સિલેક્શન કમિટીના ચૅરમૅન. સાવ સામાન્ય બાંધાના રમાકાન્ત દેસાઈની ગોલંદાજી અત્યંત જલદ હતી.
એમના નાના બાંધાને કારણે ‘ટાઇની’ તરીકે તે જાણીતા બન્યા. દડાની લાઇન અને લેંગ્થ જાળવીને અત્યંત ઝડપી ગોલંદાજી કરતા રમાકાન્ત દેસાઈએ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડની વિકેટો પર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. ભારતના ભૂતપૂર્વ ખેલાડી માધવ મંત્રી પાસેથી ક્રિકેટ ખેલવાની પ્રેરણા મેળવનાર રમાકાન્ત દેસાઈ રણજી ટ્રૉફી મૅચ પણ રમ્યા નહોતા ત્યારે 1958–59માં વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે ખેલવા મળ્યું. એ પછી રમાકાન્ત દેસાઈ 1958–59ની સીઝનમાં રણજી ટ્રૉફી રમ્યા; એટલું જ નહિ, પણ વેસ્ટ ઇન્ડીઝની વિરુદ્ધ પોતાની પહેલી ટેસ્ટ મૅચ ખેલ્યા. તેઓ ભારત તરફથી કુલ 28 ટેસ્ટ મૅચ રમ્યા; જેમાં 5,597 દડા નાખીને 2,761 રન આપીને 74 ટેસ્ટવિકેટ ઝડપી.
1964–65માં મુંબઈમાં ન્યૂઝીલૅન્ડ સામે 56 રનમાં 6 વિકેટ મેળવવાનો એમનો સૌથી ઉત્કૃષ્ટ દેખાવ ગણાય. 196૦–61માં મુંબઈમાં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં દસમા ક્રમે આવીને કરેલા 85 રન એ એમની કારકિર્દીના સૌથી વધુ રન છે અને નવમી વિકેટની ભાગીદારીમાં એમણે પી. જી. જોશી સાથે 149નો વિક્રમ નોંધાવ્યો હતો. 196૦–61ની પાકિસ્તાન વિરુદ્ધની શ્રેણીમાં 29 રનની સરેરાશથી 21 વિકેટ લીધી. તે રમાકાન્ત દેસાઈની સૌથી સફળ ટેસ્ટ શ્રેણી છે. એ સમયે પાકિસ્તાનના મજબૂત ઓપનિંગ બૅટ્સમૅન હનીફ મોહમ્મદને આઉટ કરવા માટે રમાકાન્ત દેસાઈ જાણીતા થયેલા. રમાકાન્ત દેસાઈએ 28 ટેસ્ટમાં 74 વિકેટ, 53 રણજી ટ્રૉફી મૅચમાં 239 વિકેટ, 9 દુલિપ ટ્રૉફી મૅચમાં 3૦ વિકેટ અને 5 ઈરાની ટ્રૉફી મૅચમાં 13 વિકેટો ઝડપી હતી.
નરેન્દ્ર દુર્ગાશંકર ભટ્ટ