દેસાઈ, ઈશ્વરલાલ પ્રાગજીભાઈ (જ. 31 જુલાઈ 1911, પરુજણ, નવસારી; અ. 26 જાન્યુઆરી 1985) : ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રી. પ્રોફેસર જી. એ. ઘુર્યેના માર્ગદર્શન હેઠળ તેમણે 1942માં ‘ગુનાનાં સામાજિક પરિબળો’ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે (1952 થી 1966) એમણે શિક્ષણકાર્ય કર્યું અને ત્યારપછી સૂરતમાં ‘સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝ’ની સ્થાપના કરી હતી, જેના 1977 સુધી તેઓ નિયામક તરીકે રહ્યા હતા. સમાજશાસ્ત્ર મૂલ્યનિરપેક્ષ હોઈ શકે તેવું તેઓ માનતા ન હતા. આપણે કેવા પ્રકારનો સમાજ રચવા ઇચ્છીએ છીએ તે અંગે સમાજશાસ્ત્રીઓએ વિચાર કરવો જોઈએ એવો તેમનો આગ્રહ હતો. તેઓ દશ પુસ્તકોના લેખક હતા. તેમનાં જાણીતાં પુસ્તકોમાં ‘સમ આસ્પેક્ટ્સ ઑવ્ ફૅમિલી ઇન મહુવા’ (1964), ‘અનટચેબિલિટી ઇન રૂરલ ગુજરાત’ (1976), ‘ધ ક્રાફ્ટ ઑવ્ સોશિયૉલૉજી ઍન્ડ એસેઝ’ (1982) નોંધપાત્ર છે.
ઘનશ્યામ શાહ