દેસાઈ, ઈશ્વરલાલ ઇચ્છારામ (જ. 18 જુલાઈ 1903, વાલોડ, સૂરત જિલ્લો; અ. 19 જાન્યુઆરી 1979, સૂરત) : લેખક, પીઢ પત્રકાર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમના પિતા વ્યારામાં તલાટી હોવાથી ત્યાં રહ્યા. પિતાનું અવસાન થતાં તેમણે ધરમપુર, મુંબઈ અને સૂરતમાં રહીને મૅટ્રિક સુધી અભ્યાસ કર્યો. 1921માં અસહકારની લડતમાં ભાગ લેવા સૂરતની મિશન હાઈસ્કૂલમાંથી અભ્યાસ છોડ્યો. એ પછી આઝાદી સુધીનાં બધાં વર્ષો પત્રકારત્વ અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ગાળ્યાં. તેમણે સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લઈને 1930, 1932 અને 1942 – એમ ત્રણ વખત મળીને આશરે પાંચ વર્ષની જેલની સજા ભોગવી. એ સમય દરમિયાન કુટુંબની આર્થિક સ્થિતિ સાધારણ હતી.

ઈશ્વરલાલ ઇચ્છારામ દેસાઈ
એમનું જીવન રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યું. એમણે સાબરમતી આશ્રમમાં છ મહિના રહીને કાંતણ-વણાટની તાલીમ લીધી અને સૂરતમાં રાષ્ટ્રીય વિનય મંદિરમાં શિક્ષક તરીકે કામ કર્યું. એમણે તે યુગનાં ‘નવયુગ’, ‘અસહકાર’, ‘દેશબંધુ’ વગેરે પત્રોમાં કામ કર્યું તથા 30 વર્ષ સુધી સૂરતના ‘પ્રતાપ’ દૈનિકના સહતંત્રી રહ્યા. સૂરતનું ‘લોકવાણી’ જે શરૂઆતમાં સાપ્તાહિક હતું અને પછી દૈનિક બન્યું હતું તેના તેઓ તંત્રી હતા. તેઓ સૂરત શહેર કૉંગ્રેસ સમિતિના મંત્રી હતા. રાષ્ટ્રભાષા હિંદીના પ્રચારમાં તેમનું મહત્વનું પ્રદાન હતું. તેઓ સૂરતની રાષ્ટ્રભાષા પ્રચારક સમિતિના 1963થી 1979 સુધી પ્રમુખ હતા. અસ્પૃશ્યતાનિવારણ, ખાદીપ્રવૃત્તિ અને મજૂરપ્રવૃત્તિમાં એમણે ઉત્સાહપૂર્વક કામ કર્યું. ધરમપુર રાજ્યના પ્રજામંડળમાં પણ તેમણે કામ કર્યું હતું. ઇતિહાસ, કાવ્ય, જીવનચરિત્ર, પ્રવાસ વગેરેને લગતાં લગભગ 25 પુસ્તકો એમણે લખ્યાં છે. સૂરત શહેર સુધરાઈના સભ્ય તરીકે અને સુધરાઈના સ્કૂલ બોર્ડના ઉપપ્રમુખ તરીકે એમણે સેવા આપી હતી.
1964માં અન્ય સંસ્થાઓમાંથી નિવૃત્તિ લઈને એમણે સૂરત જિલ્લા પંચાયતની સ્વાતંત્ર્ય ઇતિહાસ સમિતિ તરફથી ‘સ્વાતંત્ર્યસંગ્રામ સાહિત્યમાળા’નાં દસ પુસ્તકોનું સંપાદન કર્યું હતું. એમાં ‘બારડોલી સત્યાગ્રહ’, ‘સૂરત કૉંગ્રેસ–1907’, ‘હરિપુરા મહાસભા–1938’, ‘દાંડીયાત્રા’, ‘આઝાદીના ઘડવૈયા’, ‘ધરાસણાની શૌર્યગાથા’, ‘મુક્તિનું પરોઢ’, ‘સ્વાતંત્ર્યસંગ્રામ’ વગેરેનો સમાવેશ થાય છે. ‘સૂરત સોનાની મૂરત’ પુસ્તકનું સંપાદન એમણે કર્યું હતું અને ‘વ્યારા મારું બીજું વતન’ પણ એમણે લખ્યું હતું.
મુગટલાલ પોપટલાલ બાવીસી