દેસાઈ, આસિત (જ. 28 જુલાઈ 1951, વડોદરા) : માતા-પિતા તરફથી ગુજરાતી સંગીતનો વારસો મેળવી સુગમ સંગીતના ક્ષેત્રે નામના મેળવનાર અગ્રણી ગાયક તથા સ્વરનિયોજક. બી.કૉમ. સુધીનો અભ્યાસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા ખાતે. ત્યાર બાદ તે જ યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઇન વોકલ મ્યુઝિકનો અભ્યાસક્રમ પૂરો કર્યો. સંગીતક્ષેત્રે વધુ સિદ્ધિઓ મેળવવાના હેતુથી વડોદરાથી મુંબઈમાં સ્થળાંતર કર્યું. અઢાર વર્ષની યુવા-ઉંમરે 1969માં આકાશવાણીનો શ્રેષ્ઠ ગાયકનો પુરસ્કાર મેળવ્યો તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો બે વાર (1976 અને 1988માં) ઍવૉર્ડ મેળવ્યો. દૂરદર્શનની ‘ચાણક્ય’ શૃંખલાનું સંગીતનિયોજન કરી તેમણે લોકપ્રિયતા મેળવી. વિશ્વવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરના માર્ગદર્શન હેઠળ તેમણે સંગીતની તાલીમ લીધી. 1982માં દિલ્હી ખાતે આયોજિત એશિયાડ રમતોત્સવનું શીર્ષકગીત જે સ્વાગતગીતના સ્વરૂપમાં હતું તેને પંડિત રવિશંકરે સંગીતમાં ઢાળ્યું હતું; જેના ઉદઘાટન-પ્રસંગે સ્થળ પરનું સંચાલન આસિત દેસાઈએ સંભાળ્યું હતું. તે સંદર્ભમાં તેમને ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ સરદાર ઝૈલસિંગના હસ્તે સન્માન-ચંદ્રક એનાયત થયો હતો. એટનબરો દ્વારા નિર્દેશિત અને આઠ ઑસ્કાર પ્રાપ્ત કરનાર ઐતિહાસિક ‘ગાંધી’ ચલચિત્રમાં સામેલ કરવામાં આવેલ બે ભક્તિગીતોનું સ્વરાંકન અને પ્રસ્તુતીકરણ આસિત દેસાઈએ કર્યું હતું. મૉસ્કો ખાતે યોજાયેલ ‘ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’ સમારોહમાં પૂર્ણાહુતિ પ્રસંગે રજૂ થયેલ ‘સ્વરમિલન’ શીર્ષક હેઠળના સંગીતનું નિર્દેશન પણ તેમણે જ કર્યું હતું. તેમણે ભારતની વિવિધ શાસ્ત્રીય નૃત્યશૈલીઓ જેવી કે ઓડિસી, કથક અને ભરતનાટ્યમમાં સંગીતનિયોજન કર્યું છે. આ ઉપરાંત જયદેવલિખિત ‘ગીતગોવિંદ’ રચના પર આધારિત નૃત્યનાટિકાનું સંગીતનિર્દેશન પણ તેમણે જ કર્યું હતું. ઇંગ્લૅન્ડની ક્રૉનિક્સ આર્ટ્સ દ્વારા નિર્મિત ફિલ્મ ‘સિરાઝ’માં અન્ય આઠ સંગીતકારો સાથે સંગીતનું
જીવંત પ્રસ્તુતીકરણ તેમણે કર્યું હતું. આ ઉપરાંત, ‘મૂડઝ ઑવ્ મૉર્નિગ’ જેવી વિદેશી નૃત્યનાટિકાઓનું સંગીતનિયોજન પણ તેમણે જ કર્યું છે. વળી હિંદુત્વ પર આધારિત કૃતિભજનો ‘नमोडस्तु ते’ શીર્ષક હેઠળ, ભક્તકવિ નરસિંહ મહેતા રચિત ‘એકતારો’ શીર્ષક હેઠળ પસંદગીયુક્ત ભજનો, ‘કાવ્યગુંજન’ શીર્ષક હેઠળ કવિ ન્હાનાલાલ અને કવિ કલાપીની કેટલીક કૃતિઓ, ‘મીરાં પ્રેમદીવાની’ શીર્ષક હેઠળ સંતકવિ મીરાંબાઈની કેટલીક રચનાઓ, ‘મધુવન’ શીર્ષક હેઠળ ભગવાન શ્રીકૃષ્ણ પર રચિત ભજનો, ‘મેઘમલ્હાર’ શીર્ષક હેઠળ વર્ષાઋતુને અનુરૂપ ગીતો, ‘કસુંબીનો રંગ’ શીર્ષક હેઠળ રાષ્ટ્રકવિ ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ અને ‘ગીત અતીત’ શીર્ષક હેઠળ ગુજરાતી નાટ્યગીતો – આ બધી તેમણે નિર્માણ કરેલ અને ગાયેલ કૃતિઓ છે. તેમણે ગુજરાતી ચલચિત્ર ‘સમયની સંતાકૂકડી’નું સંગીતનિયોજન કર્યું છે અને તે માટે શ્રેષ્ઠ સંગીતનિર્દેશક અને શ્રેષ્ઠ પુરુષ ગાયકના ઍવૉર્ડ મેળવ્યા છે. તેમણે સાત ગુજરાતી દૂરદર્શનની શ્રેણીઓ (‘સાત પગલાં આકાશમાં’, ‘અમાસના તારા’, ‘સપ્તરંગી’ અને બીજી ચાર) તેમજ આઠ હિંદી શ્રેણીઓ(‘સંગીતસમ્રાટ તાનસેન’, ‘ચાણક્ય’, ‘મૃત્યુંજય’, ‘મંથન’, ‘કાલિદાસ’ અને બીજા ત્રણ)નું સંગીતનિર્દેશન કર્યું છે. 1986માં તેમણે પંડિત રવિશંકરને ‘અપના ઉત્સવ’ અને ‘ઉદય-ઉત્સવ’ના નિર્માણકાર્યમાં સહયોગ આપ્યો હતો. ઇંગ્લૅન્ડની બર્મિંગહામ ટૂરિંગ ઑપેરા દ્વારા પ્રસ્તુત થયેલ ‘ઘનશ્યામ’ નૃત્યનાટિકાનું સંગીતનિર્દેશન આસિત દેસાઈએ કર્યું હતું.
તેમનાં પત્ની હેમા દેસાઈ અને પુત્ર આલાપ પણ સારાં ગાયકો છે. પુત્ર આલાપ તો તબલાં પણ સારી રીતે વગાડે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે