દેસાઈ, અરુણાબહેન (જ. 13 મે 1924, જૂનાગઢ; અ. 16 ફેબ્રુઆરી 2007, વઢવાણ, જિ. સુરેન્દ્રનગર) : સ્ત્રીઓનાં રક્ષણ અને સ્વાતંત્ર્ય માટે જીવન સમર્પિત કરનાર સમાજસેવિકા. પિતા શંકરપ્રસાદ. માતા ઇન્દિરાબહેન. અરુણાબહેને પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1946માં માનસશાસ્ત્રના વિષય સાથે તેઓ ગ્રૅજ્યુએટ થયાં હતાં.
માત્ર ત્રણ જ વર્ષની કુમળી વયે માતૃછાયા ગુમાવી અને ફોઈબા પુષ્પાબહેનની છત્રછાયામાં તેમનો ઉછેર થવા લાગ્યો. ગુજરાતનાં સુપ્રસિદ્ધ સમાજસેવિકા પુષ્પાબહેન મહેતા પાસે તેમને બાળપણથી જ જીવનઘડતરના પાઠ શીખવા મળ્યા. પુષ્પાબહેનના સહવાસનો એવો તો રંગ લાગ્યો કે ફોઈબા જ તેમના જીવન-આદર્શ રૂપે સ્થપાઈ ગયાં અને આજીવન સમાજસેવાનો ભેખ તેમણે ધારણ કરી લીધો. સ્વાતંત્ર્ય-ચળવળમાં ગાંધીજીના આદેશ અનુસાર પુષ્પાબહેન જે પ્રવૃત્તિઓ કરતાં તેમાં પણ તેમનો સહકાર રહેતો હતો. વિકાસગૃહનું દફતર રાખવાનું, પત્રો લખવાનું જેવાં કેટલાંક કામો તેઓ અરુણાબહેનને સોંપતાં, તેથી જાણે-અજાણે તેમનું ઘડતર સમાજકાર્ય માટે થતું રહ્યું.
ઝાલાવાડની સૂકી ધરતી ઉપર, વઢવાણના પાદરમાં 1945માં પુષ્પાબહેને સ્ત્રીઓના પ્રશ્નો હલ કરવા અનાથ-નિરાધાર બાળકો, ત્યક્તાઓ, વિધવાઓ, તિરસ્કૃત સ્ત્રીઓને આશ્રય આપવા વિકાસ વિદ્યાલયમાં સમાજસેવાનું જે નાનકડું બીજ રોપ્યું તેનું સંવર્ધન કરવાની જવાબદારી અરુણાબહેને સંભાળી. અસામાજિક તત્વોનો ત્રાસ એવો કે સ્ત્રીને ઉપાડી જઈને વેચી દે, ત્યાં સ્ત્રીને રક્ષણ પૂરું પાડવાનું હતું. રાજકીય પરિસ્થિતિ પણ વિકટ હતી, ત્યારે અરુણાબહેને વઢવાણની ભૂમિ ઉપર સ્ત્રીરક્ષણ અને સ્ત્રીસ્વાતંત્ર્યની ધૂણી ધખાવી. એક વર્ષના બાળકથી લઈ, ભણી-ગણીને પોતાના પગ ઉપર સ્વતંત્ર રીતે પોતાનું જીવન સારી રીતે ગુજારી, સમાજમાં સ્થાન પ્રાપ્ત કરી શકે તેવી બાળાઓનું ઘડતર તેમના હાથે થતું. સમાજસેવા અને સ્ત્રી-ઉન્નતિ સાથે તેના પાયા સમી આર્થિક વિકાસની સમસ્યાને હલ કરવા તેમણે રીતસરની યજ્ઞક્રિયા જ આરંભી હતી. ફલત: અરુણાબહેનનો જ પર્યાય ગણી શકાય તેવું વિકાસ વિદ્યાલય એક સેવાશ્રમ બન્યું છે. અડીખમ વડલા સમા વિકાસ વિદ્યાલયની અનેક શાખાઓ હવે તો વડવાઈઓનું રૂપ ધારણ કરી ચૂકી છે.
વઢવાણના આંગણાથી ગુજરાત રાજ્ય અને કેન્દ્ર-સરકાર સુધી તો તેમની કીર્તિ પહોંચી, પણ તેથીયે આગળ વધી અને તેમને રોટરી ઇન્ટરનેશનલ જીન હૅરિસ ઍવૉર્ડ પણ એનાયત થયો હતો.
આશા ઉપેન્દ્ર રાવળ