દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણ

March, 2024

દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણ (જ. 8 નવેમ્બર 1919, મુંબઈ; અ. 12 જૂન 2000, પુણે) : મરાઠીના ઉત્કૃષ્ટ કોટિના હાસ્યલેખક, નાટ્યકાર, રંગભૂમિ તથા ચલચિત્ર જગત સાથે અભિનેતા, સંગીતકાર, પટકથાલેખક તથા દિગ્દર્શક તરીકે નજીકથી સંકળાયેલા કલાકાર. શાસ્ત્રીય સંગીતમાં તેઓ પારંગત હતા. પિતાના મૃત્યુને કારણે બી.એ. થયા પછી નોકરીએ લાગી ગયા. સાથે સાથે મહાન મરાઠી નાટ્યકાર ચિંતામણરાવ કોલ્હટકર પાસે નાટ્યકલાની તાલીમ લીધી. એમણે વ્યાવસાયિક જીવનની શરૂઆત નાટક તથા સિનેમાની સૃષ્ટિ દ્વારા કરી.

પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે

સિનેમાની પટકથાઓ લખી, અભિનય કર્યો, ગાયકનું કામ કર્યું તથા સંગીતનિર્દેશન પણ કર્યું. એમનું ‘ગુળાચા ગણપતિ’ ચિત્રપટ અત્યંત લોકપ્રિય બન્યું, પછી એ ક્ષેત્રમાંથી બહાર જઈ એમણે એમ.એ. તથા એલએલ.બી.નો અભ્યાસ કર્યો અને બેલગાંવની રાણી પાર્વતીદેવી કૉલેજમાં અને ત્યારપછી મુંબઈની કીર્તિ કૉલેજમાં મરાઠીનું અધ્યાપન કર્યું. ત્યારબાદ આકાશવાણીના મુંબઈ, પુણે તથા દિલ્હી કેન્દ્રમાં સેવાઓ આપી. ત્યાંથી યુનેસ્કોની શિષ્યવૃત્તિ મળતાં ટેલિવિઝન અને બ્રૉડકાસ્ટિંગના અભ્યાસ માટે એમને બી.બી.સી. લંડનમાં મોકલવામાં આવ્યા. ત્યાંનું પ્રશિક્ષણ પૂરું કર્યા પછી સ્વદેશ પાછા આવી આકાશવાણી, મુંબઈ કેન્દ્રના નાટ્યવિભાગના અધ્યક્ષ બન્યા તથા ત્યારબાદ દિલ્હીના દૂરદર્શનના વિવિધ કાર્યક્રમોનું સંચાલન કર્યું.

એમણે એમના લેખનની શરૂઆત વિનોદી લેખો દ્વારા 1943માં કરી. ‘ખોગીર ભરતી’ (1946) એ એમનો પહેલો વિનોદાત્મક નિબંધસંગ્રહ હતો, જેનાથી તે હાસ્યલેખક તરીકે સ્થાપિત થયા. તે પછી ‘તુકા મ્હણે આતા’ (1948) રશિયન નાટ્યકાર નિકોલાય ગોગોલના નાટકનું મરાઠી ભાષામાં તેમણે કરેલ રૂપાંતર ‘અમલદાર’ (1952) તથા ‘ભાગ્યવાન’ (1953) જેવાં હાસ્યપ્રધાન નાટકોએ એમનું સ્થાન દૃઢ કર્યું. એ પછી એમણે એકપાત્રી નાટકો લખ્યાં અને ભજવ્યાં. તેમાં ‘બટાટ્યાચી ચાળ’ (1958) નાટક વર્ષો સુધી એમણે મહારાષ્ટ્રમાં તથા ભારતના અન્ય ભાગોમાં ભજવ્યું. દોઢ હજાર વાર ભજવાતાં એણે નાટ્યરૂપની દૃષ્ટિએ એક વિક્રમ સ્થાપિત કર્યો, જેમાં એમણે માત્ર હાસ્યપ્રધાન નાટકકાર તરીકે જ નહિ, પણ કુશળ નટ તરીકે પણ અક્ષયકીર્તિ પ્રાપ્ત કરી.

એમનાં ‘અસા મી અસામી’ (1964); ‘વાર્યાવરચી વરાત’ (1970) તથા ‘વટવટ’ (1972) નાટકો પણ યશોદાયી બન્યાં. એમણે વ્યંગપ્રધાન નાટકલેખક તરીકે ‘તુઝે આહે તુજપાશી’ (1957) નાટકમાં આદર્શજડતાની ઠેકડી ઉડાવી છે. એમનાં નાટકો મરાઠી રંગભૂમિને પ્રગતિને પંથે લઈ ગયાં. એમણે કેટલાંક વિદેશી નાટકોનાં પણ રૂપાંતર કરેલાં છે, તેમાં ‘સુંદર મી હોણાર’ (1958), ‘ફૂલરાણી’ (1965), સ્વાતંત્ર્યોત્તર મરાઠી નાટકોની આગેકૂચનાં માર્ગદર્શક ચિહ્નો છે. એમનાં નાટકોનાં ભારતની અનેક ભાષાઓમાં ભાષાન્તર થયાં છે.

એમણે કાલ્પનિક તથા વાસ્તવિક રેખાચિત્રો તથા પ્રવાસ દરમિયાન જોયેલાં સૌંદર્યસ્થાનોનું ચિત્રણ કર્યું છે. તેમનું ‘વ્યક્તિ આણિ વલ્લી’ (1962) પુસ્તક 1965ના સાહિત્ય અકાદમીના શ્રેષ્ઠ મરાઠી પુસ્તક માટેના પારિતોષિક માટે પસંદ કરાયું હતું. જીવનમાં તેમને મળેલી કેટલીક વિચક્ષણ વ્યક્તિઓના જીવનવ્યવહારની ખૂબીઓને શબ્દોમાં કંડારેલાં વિવરણો ‘ગણગોત’ (1966), ‘ગુણ ગાઈન આવડી’ (1975) તથા ‘મૈત્ર’ (1982)માં જોવા મળે છે. એમનાં ત્રણ પ્રવાસ-પુસ્તકો પણ પ્રગટ થયાં છે. ‘અપૂર્વાઈ’ (1960), ‘પૂર્વરંગ’ (1965) તથા ‘જાવે ત્યાચ્યા દેશા’ (1974) એ ત્રણે પ્રકાશનો પ્રવાસસાહિત્યના લેખક તરીકે એમને માનભર્યું સ્થાન અપાવે છે. તેમના અન્ય હાસ્યપ્રધાન લેખસંગ્રહોમાં ‘નસ્તી ઉઠાઠેવ’ (1952), ‘ગોળાબેરીજ’ (1960) અને ‘ફસવણૂક’(1968)નો સમાવેશ થાય છે.

1965માં નાંદેડ ખાતે ભરાયેલ અખિલ ભારતીય મરાઠી નાટ્ય સંમેલનના પ્રમુખપદે તથા 1974માં ઇચલકરંજી ખાતે ભરાયેલ અખિલ ભારતીય સુવર્ણ મહોત્સવી મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે પણ તેમની વરણી થઈ હતી.

એમની સાહિત્યસેવા માટે એમને ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ તથા ‘પદ્મભૂષણ’ ખિતાબોથી સન્માનિત કરાયા છે. મધ્યપ્રદેશ સરકારે એમને ‘કાલિદાસ સન્માન’ (1988) આપ્યું છે. તે ઉપરાંત ‘રામ ગણેશ ગડકરી પુરસ્કાર’ (1989), ‘બાળગંધર્વ સ્મૃતિ માનચિહ્ન’ (1988), ‘મહારાષ્ટ્ર ગૌરવ સન્માન’ (1990), ‘ગરિમા પુરસ્કાર’ (1993) તથા ‘મહારાષ્ટ્ર ભૂષણ’ (1996) ઉપાધિ પ્રાપ્ત થયાં છે. એમના ત્રણ સન્માનગ્રંથો પ્રગટ થયા છે – ‘પુ. લ. એક આઠવણ’ (1980); ‘અમૃતસિદ્ધિ’ (ખંડ 1 તથા 2) (1996); તથા ‘ચિત્રમય સ્વગત’ (1996).

એમના પુસ્તકોનાં અનુવાદ ગુજરાતીમાં પણ થયાં છે.

અરુંધતી દેવસ્થળે