દેશપાંડે, કુસુમાવતી આત્મારામ (જ.10 નવેમ્બર 1904, નાગપુર; અ. 17 નવેમ્બર 1961, દિલ્હી) : મરાઠી વાર્તાકાર અને વિવેચક. અંગ્રેજી વિષય લઈને બી.એ. નાગપુર વિશ્વવિદ્યાલયમાંથી પ્રથમ ક્રમે પાસ થયાં. પછી અંગ્રેજી સાહિત્યના વિશેષ અધ્યયન માટે લંડન ગયાં. ત્યાં અંગ્રેજીમાં પ્રથમ વર્ગમાં બી.એ. કર્યા પછી નાગપુરની મૉરિસ કૉલેજમાં 1931–55 દરમિયાન અંગ્રેજીનાં અધ્યાપિકા રહ્યાં. તે પછી આકાશવાણી-નિર્દેશક તરીકે જોડાયાં. 1929માં મરાઠી કવિ આત્મારામ દેશપાંડે ‘અનિલ’ જોડે એમનાં લગ્ન થયાં. બંનેના સુખી દાંપત્યજીવનની ઝાંખી કરાવતો તેમનો પત્રસંગ્રહરૂપી ગ્રંથ 1972માં પ્રકાશિત થયો હતો.
એમણે કાવ્યો, નિબંધો, ટૂંકી વાર્તા, રેખાચિત્રો – એમ વિવિધ ક્ષેત્રોમાં યશસ્વી પ્રદાન કર્યું છે. પણ એમનું વિશિષ્ટ પ્રદાન તો મરાઠી વાર્તાઓને આધુનિકતા તરફ વાળી તે છે. મરાઠી નવી વાર્તાનાં પ્રવર્તક કુસુમાવતી છે. ‘દીપકળી’ (1935); ‘દીપદાન’ (1941); ‘મોળી’ (1946); ‘દીપમાળ’ (1958) – આ ચાર તેમના વાર્તાસંગ્રહો છે. એમના વાર્તાસંગ્રહોમાં એક તરફ જેમ કથોપકથનની ર્દષ્ટિએ નવા પ્રયોગો કર્યા છે તો બીજી તરફ વિષયવસ્તુમાં પ્રગતિવાદનો પ્રભાવ છે. એક રીતે કહીએ તો મરાઠી કથાસાહિત્યમાં પ્રગતિવાદનાં પગરણ તેમણે માંડ્યાં. એમણે એમની વાર્તાઓમાં નારી પર થતા અત્યાચારોનું તથા એમની દયનીય સ્થિતિનું હૃદયસ્પર્શી ચિત્રણ કર્યું છે. તેમાં ખાસ કરીને નિમ્નવર્ગની દલિતપીડિત સ્ત્રીઓનું નિરૂપણ એમની વિશેષતા રહી છે. આમ છતાં, સમાજના બધા વર્ગોનું પ્રતિનિધિત્વ એમની વાર્તાઓમાં છે. રેખાચિત્રોના સાહિત્યપ્રકારને એમણે કલાત્મક રૂપ આપ્યું છે. વિવેચનસાહિત્યમાં પણ એમનું મહત્વનું પ્રદાન છે. 1961માં મરાઠી સાહિત્ય પરિષદનાં પ્રમુખ તરીકે એમની વરણી થઈ હતી. 1970માં મરાઠી નવલકથાસાહિત્યની શતાબ્દી પ્રસંગે એમણે લખેલા ‘મરાઠી કાદંબરી : પહિલે શતક’માં સો વર્ષમાં મરાઠી નવલકથાસાહિત્યના વિકાસનો વિવેચનાત્મક ઇતિહાસ બે વિભાગ (1953 તથા 1954)માં પ્રકાશિત થયો હતો, જેને માટે પુણે વિશ્વવિદ્યાલય તથા મરાઠી સાહિત્ય પરિષદના સુવર્ણચંદ્રકો એમને મળ્યા હતા. તેમણે સર્જેલું બાલસાહિત્ય ‘થેંબાચી ગોષ્ટ’ આ શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થયું છે. રમાબાઈ રાનડેનાં સંસ્મરણો અંગેના ગ્રંથનું તેમણે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. તેઓ સાહિત્ય અકાદમીનાં સભ્ય હતાં.
અરુંધતી દેવસ્થળે
અનુ. ચન્દ્રકાન્ત મહેતા