દેવ (જ. 1947, જગરાંવ, જિ. લુધિયાણા, પંજાબ) : પંજાબી કવિ અને ચિત્રકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘શબ્દાંત’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમને અંગ્રેજી, સ્વાહિલી, જર્મન અને સ્પેન ભાષાની જાણકારી છે. આખા યુરોપમાં તેમણે તેમનાં પ્રદર્શનો યોજ્યાં છે. તેમને પર્યટન, સંગીત અને ફોટોગ્રાફીનો શોખ છે.
તેમણે નાની વયે લેખનપ્રવૃત્તિ શરૂ કરેલી અને તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વિદ્રોહ’ 1969માં પ્રગટ થયો. તેમની અન્ય કૃતિઓમાં ‘દૂસરે કિનારે દી તલાશ’, ‘માતાબી મિટી’, ‘પ્રશન તે પરવાઝ’, ‘હુન તોં પહચાન’ વગેરેનો સમાવેશ થાય છે. તેઓ પ્રો. પૂરણસિંહ, દેવેન્દ્ર સત્યાર્થી જેવા લેખકો અને અતિયથાર્થવાદ જેવા આંદોલન તથા ફ્રાંસ, સ્પેન અને અમેરિકન કવિતાથી પ્રભાવિત રહેલા.
તેમની પુરસ્કૃત કૃતિ ‘શબ્દાંત’ તેમનો છઠ્ઠો કાવ્યસંગ્રહ છે. તેમાંનાં કાવ્યોનું વિષયવસ્તુ ભારતીય પ્રવાસીઓ પર કેન્દ્રિત છે. તેમની અભિનવ કાવ્યાત્મક શૈલી વિશિષ્ટ અને ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વની હોવાથી આ કૃતિ પંજાબીમાં લખાયેલ ભારતીય કવિતામાં મૂલ્યવાન પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા