દેવ, હૃદયનારાયણ

March, 2016

દેવ, હૃદયનારાયણ (જ. સત્તરમી સદી) : હિંદુસ્તાની સંગીતના વિખ્યાત શાસ્ત્રકાર. સત્તરમી સદીમાં થઈ ગયેલા આ શાસ્ત્રકાર મૂળ ગઢા રાજ્યના શાસક હતા, પરંતુ 1651માં યુદ્ધમાં પરાજિત થવાથી તેઓ મંડલા જતા રહ્યા હતા અને તેથી તે ‘ગઢામંડલા’ના રાજા તરીકે ઓળખાતા.

પ્રારંભથી જ તેમને સાહિત્ય અને અન્ય લલિતકલાઓમાં રુચિ હતી. તેમણે સંસ્કૃત ભાષામાં બે ગ્રંથો ‘હૃદયકૌતુક’ તથા ‘હૃદયપ્રકાશ’ લખ્યા છે, જે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં મૌલિક કૃતિઓ ગણાય છે. આ ગ્રંથોમાં રચનાકારે તત્કાલીન 12 સ્વરોનાં નિશ્ચિત સ્થાનનું વિવરણ કર્યું છે તથા સંગીતના જુદા જુદા રાગોનો ઉદભવ જેમાંથી થાય છે તે થાટની રચનાની શાસ્ત્રશુદ્ધ ચર્ચા કરી છે.

જયગોવિંદ નામક પંડિતે તેમના વંશનો ઇતિહાસ લખ્યો છે, જેમાંથી કેટલાક અંશો શિલાલેખમાં મૂકેલા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે