દેવિકારાણી (જ. 30 માર્ચ 1908, વિશાખાપટ્ટનમ્; અ. 9 માર્ચ 1994, બૅંગાલુરુ) : હિન્દી ચલચિત્રોનાં બંગાળી અભિનેત્રી અને નિર્માત્રી. પિતા : કર્નલ એમ. એન. ચૌધરી. માતા : લીલા ચૌધરી. શિક્ષણ : લંડન અને શાંતિનિકેતન ખાતે. ‘ભારતીય સિનેમાની પ્રથમ મહિલા’ તરીકે વિખ્યાત દેવિકારાણી કવિવર રવીન્દ્રનાથ ટાગોરનાં બહેન સુકુમારીદેવીનાં દૌહિત્રી હતાં. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ લંડન ખાતે કપડાંની ડિઝાઇનની વિશેષ તાલીમની સાથોસાથ સ્થાપત્યનો અભ્યાસ કરી રહ્યાં હતાં ત્યારે 1928માં હિમાંશુ રાય સાથે તેમની મુલાકાત થઈ. દેવિકારાણીએ ત્યારે લંડનમાં રૉયલ એકૅડેમી ઑવ્ ડ્રામૅટિક આર્ટ અને રૉયલ એકૅડેમી ઑવ્ મ્યુઝિકમાંથી શિષ્યવૃત્તિ મેળવી લીધી હતી. આ ક્ષેત્રે આગળ વધવાની તમન્ના હતી, જ્યારે હિમાંશુ રાયને પોતાના આગામી ચલચિત્ર ‘કર્મ’ માટે એક સુંદર ચહેરાની તલાશ હતી. એ દિવસોમાં હિમાંશુ રાય ‘થ્રો ઑવ્ ડાયસ’ ચલચિત્ર બનાવી રહ્યા હતા. દેવિકારાણી તેમની સાથે જોડાઈ ગયાં. એ ચલચિત્ર માટે તેમણે સેટ અને પોશાક તૈયાર કરવાની જવાબદારી ઉપાડી લીધી. ચલચિત્રનું નિર્માણ પૂરું થતાં જ 1929માં બંનેએ લગ્ન કરી લીધાં. હિમાંશુ રાયે હિંદી અને અંગ્રેજીમાં સવાક ચલચિત્ર ‘કર્મ’નું નિર્માણ હાથ ધર્યું, જેમાં દેવિકારાણી નાયિકા બન્યાં. એ દિવસોમાં હિમાંશુ રાય જર્મની ખાતે ‘ઉફા’ સ્ટુડિયોમાં ચલચિત્રો બનાવતા. તેઓ ઇચ્છતા હતા કે ચલચિત્ર-નિર્માણ માટે જરૂરી તમામ પ્રકારની તાલીમ દેવિકારાણીએ લેવી જોઈએ. તેથી દેવિકારાણી તેમની સાથે જર્મની ગયાં અને ત્યાં એરિક પામરના પ્રોડક્શન યુનિટમાં તેમણે તાલીમ લીધી. ‘કર્મ’ જ્યારે દેશ-વિદેશમાં પ્રદર્શિત થયું ત્યારે દેવિકારાણીનાં ભરપૂર વખાણ થયાં. યુરોપમાં ધૂમ મચાવીને બંને ભારત આવ્યાં.
1934માં હિમાંશુ રાયે મુંબઈમાં બૉમ્બે ટૉકીઝની સ્થાપના કરી. તેના નેજા હેઠળ દેવિકારાણીનું પ્રથમ ચલચિત્ર ‘જવાની કી હવા’ 1935માં બહાર આવ્યું. નાયક હતો નઝમુલ હુસેન.
1940માં હિમાંશુ રાયના નિધન બાદ બૉમ્બે ટૉકીઝનો કારભાર દેવિકારાણીના હાથમાં આવ્યો. પાંચ વર્ષ તેમણે એ જવાબદારી સંભાળી. દરમિયાન ‘બંધન’ અને ‘કિસ્મત’ જેવાં ચલચિત્રોની ભારે સફળતાને કારણે તેમની સંસ્થા માલામાલ થઈ ગઈ. બૉમ્બે ટૉકીઝમાં આંતરિક ઝઘડા શરૂ થયા. એ દિવસોમાં તેમની મુલાકાત રશિયન ચિત્રકાર ડૉ. સ્વેતોસ્લાવ રોરિક સાથે થઈ. બૉમ્બે ટૉકીઝ સાથેના સંબંધો તોડીને દેવિકારાણીએ 1944માં રોરિક સાથે લગ્ન કરી લીધાં. પહેલાં કુલુમનાલી અને પછી બૅંગાલુરુ જઈને તેઓ વસ્યાં. ત્યાં જ 9 માર્ચ, 1994ના રોજ તેમનું નિધન થયું. ચલચિત્રજગતમાં બહુમૂલ્ય યોગદાન માટે દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ શરૂ થયો ત્યારે 1970માં પ્રથમ ઍવૉર્ડ દેવિકારાણીને અપાયો હતો.
‘કર્મ’ અને ‘જવાની કી હવા’ ઉપરાંત દેવિકારાણીની યાદગાર ફિલ્મો છે — ‘અછૂત કન્યા’, ‘જન્મભૂમિ’, ‘જીવનનૈયા’, ‘મમતા’, ‘ઇજ્જત’, ‘જીવનપ્રભાત’, ‘દુર્ગા’, ‘અનજાના’, ‘હમારી બાત’ વગેરે.
હરસુખ થાનકી