દેવળાલી : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું આરોગ્યધામ. તે નાસિકથી 6.4 કિમી. અંતરે આવેલું છે. મુંબઈ–નાગપુર વચ્ચેના રેલમાર્ગ પરનું તે મહત્વનું સ્ટેશન છે. ભારતના લશ્કરનું તે કાયમી મથક છે, જ્યાં સૈનિકોને તોપખાનાનું પ્રશિક્ષણ અપાય છે. ત્યાંની સ્થાનિક પ્રશાસનવ્યવસ્થા લશ્કરની છાવણી હસ્તક છે.
ત્યાં મરાઠી તથા અંગ્રેજી માધ્યમની શાળાઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણની સગવડ પણ છે. ત્યાં વિનયન, વાણિજ્ય તથા વિજ્ઞાનની વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાય છે. નગરમાં અદ્યતન સુવિધા ધરાવતી હૉસ્પિટલ છે. હવા ખાવાના સ્થળ તરીકે તેની ખ્યાતિ હોવાથી ત્યાં અનેક આરાગ્યધામો ઊભાં કરવામાં આવ્યાં છે. તેની આસપાસના વિસ્તારમાં ઉત્તમ ગુણવત્તાની શાકભાજીનું વાવેતર થાય છે.
વીર સાવરકરનું જન્મસ્થાન ભગુર આ નગરની પડખે અડધા કિમી. અંતરે આવેલું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે