દેડકો : પાણીમાં તેમજ જમીન પર રહેવા અનુકૂલન પામેલ ઉભયજીવી વર્ગનું અપુચ્છ (anura) શ્રેણીનું પૂંછડી વગરનું પૃષ્ઠવંશી પ્રાણી. તેની આંખ પાર્શ્વ બાજુએથી ગોઠવાયેલી અને ઊપસેલી હોય છે. તેના પાછલા પગ લાંબા, માંસલ અને મજબૂત હોવા ઉપરાંત તેની આંગળીઓ વચ્ચે પડદાઓ આવેલા હોય છે. તેથી દેડકો પગોની મદદથી કૂદકો મારીને  લાંબું અંતર કાપવા ઉપરાંત સહેલાઈથી પાણીમાં તરી શકે છે. મોટા ભાગના દેડકાની ચામડી ભીની અને શ્લેષ્મલ અને વિષગ્રંથિ વડે સંધાયેલી હોય છે. તેની જીભ આગલા છેડેથી મુખની નીચલી સપાટીએ ચોંટેલી હોય છે. પાછલો છેડો મુક્ત હોય છે. પરિણામે તે જીભને ઝડપથી બહાર કાઢી ભક્ષ્યને ઘેરે છે અને તેને મોંમાં ધકેલે છે. કેટલાક દેડકા ઝાડ પર વસે છે. આ વૃક્ષનિવાસી દેડકાની આંગળીઓમાં શોષકો (suckers) આવેલા હોય છે. તેથી ઝાડ પર હલનચલન કરતી વખતે, લપસ્યા વગર, ઝાડને મજબૂતપણે પકડી રાખે છે.

દેડકો

દેડકાની આશરે 2,700 જેટલી જાતો નોંધાયેલી છે. સામાન્યપણે તે જળાશયોની આસપાસ જોવા મળે છે. અન્ય કેટલાક, મોટેભાગે સ્થળજીવી જીવન પસાર કરતા હોય છે અને માત્ર સંવનનકાળ દરમિયાન તે જળાશયોની આસપાસ દેખાતા હોય છે. જૂજ દેડકાઓ જમીન ખોદી ત્યાં વાસ કરતા હોય છે.

ભારતમાં સર્વત્ર મળતો રાના ટાઇગ્રિના દેડકો આશરે 12થી 18 સેમી. લાંબો હોય છે. સૌથી નાના કદના દેડકા ફ્રિંડાસ્ટ્રૅકસ દક્ષિણ આફ્રિકામાં વસે છે. તેની લંબાઈ 2થી 3 સેમી. હોય છે. પશ્ચિમ આફ્રિકાનો વતની રાના ગોલિઍથ 25થી 30 સેમી. લાંબો હોય છે.

દેડકાનો ખોરાક મુખ્યત્વે નાના કીટકો, કરોળિયા, અળસિયાં હોય છે. દેડકાના માત્ર ઉપલા જડબા પર દાંત આવેલા હોય છે. દેડકાના જેવા અને તેના અત્યંત સમીપના સંબંધી ટોડને દાંત હોતા નથી. ચીકાશવાળી જીભની મદદથી પકડેલ ભક્ષ્યને તે આખું ગળે છે. દેડકાની આંખનો ડોળો ચલિત હોય છે અને તે મુખની અંદરની બાજુએથી ઊપસીને ખોરાકને ગ્રસની (pharynx) તરફ ધકેલે છે. પરિણામે દેડકો સહેલાઈથી ખોરાક ગળી જાય છે.

દેડકાનું હૃદય ત્રણ ખંડનું હોય છે. તે માત્ર એક ક્ષેપક (ventricle) ધરાવતું હોવાથી ફેફસાંમાંથી આવતા પ્રાણવાયુયુક્ત (oxygenated) રુધિરનું મિશ્રણ શરીરમાંથી આવતા પ્રાણવાયુવિહીન રુધિર સાથે થવાની શક્યતા ખરી. દેડકો શ્વસનક્રિયા ફેફસાં તેમજ ચામડીની મદદથી કરે છે. દેડકાની ર્દષ્ટિ તીક્ષ્ણ હોય છે. એટલે ખોરાક પકડવાનું અને શત્રુથી બચવાનું તેને માટે સહેલું બને છે. દેડકાને પોપચાં (eyelids) હોય છે અને તેના નીચલા પોપચા સાથે અંદરની બાજુએથી નિમેષક પટલ (nictitating membrane) ચોંટેલો હોય છે. તેથી દેડકો આંખ ખુલ્લી રાખવા છતાં નિમેષક પટલથી ઢંકાયેલી હોવાથી તેને ઈજા પહોંચતી નથી. આંખના પાછલા ભાગમાં અને સહેજ નીચે, ચામડીની સપાટીએ કર્ણપટલ (ear drum) આવેલો છે. તેની સાથે ધ્વનિનાં મોજાં અથડાતાં તે કંપન પામે છે અને ધ્વનિ અંત:સ્થ કર્ણના સંપર્કમાં આવે છે. નરની મુખગુહા અને ફેફસાં વચ્ચે ધ્વનિયંત્ર આવેલું હોય છે. તે સમાંતર ગોઠવાયેલા સ્વરતંતુ(vocal cords)ની એક જોડ ધરાવે છે. કેટલાક નર દેડકામાં ધ્વનિયંત્ર સાથે ધ્વનિકોથળી (vocal sac) જોડાયેલી હોય છે. કોથળી ફૂલી જવાથી ધ્વનિની તીવ્રતા વધે છે. અવાજનો ઉપયોગ સાથીને આકર્ષવા અને ક્ષેત્રીય પ્રસ્થાપન (territorial establishment) કરવામાં થાય છે. અન્ય નર દેડકા માટે આ અવાજ ક્ષેત્રપ્રવેશપ્રતિબંધક ચેતવણીરૂપ હોય છે.

દેડકો અસ્થિર ઉષ્ણતાવાળું (poikilothermic) પ્રાણી છે અને તે વિષમ ઠંડી સહી શકતું નથી. શિયાળા દરમિયાન શીતનિદ્રા (hibernation) દ્વારા સુષુપ્ત બને છે. શીતનિદ્રા અવસ્થા દરમિયાન તે માત્ર સંગૃહીત ખોરાક પર નભે છે.

સંવનન : વર્ષાઋતુની શરૂઆત દેડકા માટે સંવનનકાળ છે. સંવનનકાળ દરમિયાન પોતાના અવાજથી નર દેડકો માદાને આકર્ષે છે. માદા સમીપ આવતાં નર તેની પીઠ પર ચઢીને તેને ઝીલે છે. અને પોતાની આંગળી પર આવેલ માંસલ મૃદુ ગાદી જેવા અંગ વડે હળવેથી દાબે છે. આ એક વિશિષ્ટ મૈથુની આલિંગનપ્રક્રિયા (amplexus) છે. કલાક બે કલાક પછી દેડકી ઉત્તેજિત થઈને પોતાના શરીરમાંથી ઈંડાંનો ત્યાગ કરે છે. તરત જ તેના પર નર દેડકો શુક્રકોષોનો ત્યાગ કરે છે. ત્યારબાદ તેઓ બંને વિખૂટાં પડે છે. દરમિયાન ઈંડાંનું ફલન થાય છે. ફલિતાંડનો વિકાસ થતાં તેનું રૂપાંતર પૂંછડીવાળા ડિમ્ભમાં થાય છે. ડિમ્ભને ટૅડપોલ કહે છે. તે પૂંછડીની મદદથી પાણીમાં તરે છે. ટૅડપોલ બાહ્ય ઝાલરોની મદદથી શ્વસનપ્રક્રિયા કરે છે. શરૂઆતમાં ડિમ્ભને એક શોષક હોય છે અને તેની મદદથી ડાળખા જેવી વસ્તુને ચીટકી રહી શકે છે. તે પાણીમાં તરી અને શાકાહાર પર નભે છે. વિકાસ દરમિયાન તેની પૂંછડી લાંબી બને છે. એમ અનુક્રમે પાછલા અને આગળના પગ વિકસે છે. દરમિયાન શરીરની અંદર શ્વસનાંગો તરીકે ફેફસાં વિકસે છે. બાહ્ય ઝાલરો ધીમે ધીમે છૂટી થાય છે. પચનાંગોમાં પણ ફેરફારો થવાથી તે માંસાહાર માટે અનુકૂળ બને છે. છેવટની અવસ્થામાં તેની પૂંછડી નાની બને છે અને ડિમ્ભ પુખ્ત પ્રાણીનું સ્વરૂપ ધારણ કરે છે. છેલ્લે પૂંછડી સંપૂર્ણપણે છૂટી થતાં પુખ્ત પ્રાણી તરીકે રૂપાંતર પામે છે. ટૅડપોલમાં થતા ફેરફારની પ્રક્રિયાને રૂપાંતરણ (metamorphosis) કહે છે.

દેડકાની ગતિ મર્યાદિત હોય છે અને તે સહેલાઈથી સાપ, બગલો, ચામાચીડિયું. જળબિલાડી (otter) જેવાનો શિકાર બને છે. પ્રયોગશાળાઓમાં સંશોધનાર્થે તેનો બહોળો ઉપયોગ થાય છે. ચીન, જાપાન, અને અનેક પાશ્ર્ચાત્ય દેશોમાં તેના પાછલા પગ ખોરાક તરીકે વપરાય છે.

દેડકા અને ટોડ પ્રાણીઓનો સમાવેશ અપુચ્છ શ્રેણીમાં થાય છે. આમ તો ટોડનો દેખાવ દેડકાને મળતો આવે છે; પરંતુ ટોડનું શરીર સહેજ પહોળું હોય છે. તેને દાંત હોતા નથી. ચામડી પ્રમાણમાં શુષ્ક અને ખરબચડી હોય છે.

દેડકાના પ્રકારો નીચે મુજબ છે :

રાના ટાઇગ્રિના : ભારતવાસી દેડકામાં વિશેષ પરિચિત.

ગોલિઍથ : કદમાં સૌથી મોટો. લંબાઈ 25–30 સેમી. પશ્ચિમ આફ્રિકાનો વતની.

ફ્રિંડાસ્ટ્રૅકસ : કદમાં સૌથી નાનો. લંબાઈ 2–3 સેમી. જેટલી. વતન : દક્ષિણ આફ્રિકા.

બ્યૂફો : સર્વત્ર મળતા ટોડની એક પ્રજાતિ. કદમાં રાના ટાઇગ્રિના કરતાં સહેજ નાનો.

હાઇલા : વૃક્ષનિવાસી દેડકો (tree frog). તેની પાછલી આંગળીએ શોષકો હોય છે. તેની મદદથી તે વૃક્ષને ચીટકી રહે છે અને લપસતો નથી.

સપુચ્છ દેડકો : ડુંગર પ્રદેશમાં જોવા મળતો ન્યૂઝીલૅન્ડનો દેડકો. તે વહેતાં પાણીમાં સંવનન કરે છે અને માદાના શરીરમાંથી ઈંડાં નીકળવાની સાથે તેને પૂંછડીની મદદથી નર માદાના શરીરમાં ઘુસાડે છે અને ફલનક્રિયા શરીરની અંદર થાય છે. તેના ટૅડપોલની પૂંછડી લાંબી હોય છે અને પગ પર શોષક હોય છે. શોષકની મદદથી તે પથ્થરને ચીટકી રહે છે અને પાણીનો પ્રવાહ તીવ્ર હોવા છતાં શોષકની પકડ ઘણી મજબૂત રહી ટૅડપોલ લપસતો નથી.

દિલીપ શુક્લ