દૂઆ, મનજિત (જ. 19 ઑક્ટોબર 1954) : ટેબલટેનિસનો ખ્યાતનામ ભારતીય ખેલાડી. શ્રી ગુરુ તેગબહાદુર ખાલસા સ્કૂલ, દિલ્હીમાં બૅડમિન્ટનની રમતમાં નિપુણતા ધરાવતા મનજિત પર દિલ્હીના બીજા ક્રમના ખેલાડી અને એના મોટા ભાઈ રાજીન્દર દૂઆની અસર થતાં બારમા વર્ષે એણે ટેબલટેનિસ ખેલવાનું શરૂ કર્યું. 1966માં દિલ્હીમાં ચૅકોસ્લોવૅકિયાની ટીમને રમતી જોઈને પ્રભાવિત થયેલા મનજિતે આ રમતમાં આગળ વધવાનું નક્કી કર્યું. પછીનાં ત્રણ વર્ષમાં ભારતનો બીજા ક્રમનો જુનિયર ખેલાડી બન્યો. 1967માં એણે ટેબલટેનિસની રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો.
1973માં મદ્રાસમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં મનજિત ચૅમ્પિયન થયો. સંયુક્ત રાષ્ટ્રસમૂહની બે સ્પર્ધામાં (કાર્ડિફ અને મેલબૉર્ન), ત્રણ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં અને બે એશિયાડમાં મનજિત દૂઆએ ભાગ લીધો. 1976નું વર્ષ મનજિત દૂઆનું સૌથી સફળ વર્ષ ગણાય છે, કારણ કે એ વર્ષે દરેક મૅચમાં અને દરેક ફાઇનલમાં તે જીત્યો હતો. 1974માં નેપાળમાં યોજાયેલી આઠ દેશો વચ્ચેની સ્પર્ધામાં જાપાન સામેની રમતને મનજિત એની શ્રેષ્ઠ રમત માને છે. રક્ષણાત્મક અને આક્રમક બંને રમત ખેલી જાણતા મનજિત દૂઆને 1980–81માં અર્જુન ઍવૉર્ડ એનાયત થયો. નવી દિલ્હી ખાતે સ્ટેટ બૅન્ક ઑવ્ ઇન્ડિયામાં કર્મચારી તરીકે મનજિત દૂઆ કાર્ય કરે છે.
પ્રભુદયાલ શર્મા