દુ:સંભોગ (dyspareunia) : પીડાકારક જાતીય સમાગમ. તે યોનિ(vagina)ના સ્થાનિક વિકારો કે કેટલાક માનસિક વિકારોમાં જોવા મળતો એક દોષ (symptom) છે. તેમાં મુખ્યત્વે યોનિની દીવાલના સ્નાયુઓનું સતત આકુંચન (spasm) થતું હોય છે. યોનિની દીવાલના સ્નાયુઓના પીડાકારક સતત આકુંચનને યોનિપીડ (vaginismus) કહે છે. જો દુ:સંભોગની સમયસર સારવાર ન થાય તો યોનિપીડનો વિકાર ઉદભવે છે. ક્યારેક કેટલીક સ્ત્રીઓમાં સંભોગ સમયે દુખાવો થતો નથી, પરંતુ જ્યારે પણ યોનિની દીવાલ સાથે જોડાયેલ ગુદા-ઉચ્ચાલક (levator ani) નામના સ્નાયુનું જોરદાર સંકોચન થાય ત્યારે દુખાવો થાય છે.
દુ:સંભોગનાં વિવિધ કારણો હોય છે. જ્યારે યોનિના નીચલા ભાગની રચનામાં કોઈ જન્મજાત ખામી રહી ગયેલી હોય, કૌમાર્યપટલ(hymen)નું વીંધણ ન થયેલું હોય, કૌમાર્યપટલના છિદ્રમાં ઈજાને કારણે શોથજન્ય (inflammatory) સોજો આવ્યો હોય, ભગશોથ (vulvitis) થયો હોય, પુરુષ અને સ્ત્રીની જનનેન્દ્રિયના કદમાં મોટો તફાવત હોય, ભગ(vulva)ના વિવિધ રોગો થયેલા હોય, મૂત્રાશયનલિકા(urethra)માં સોજો કે ગૂમડું થયેલું હોય, મૂત્રાશયમાં પરુ થયેલું હોય, પાછળ તરફ વળી ગયેલા ગર્ભાશયને કારણે અંડપિંડો નીચે ઊતરી આવ્યા હોય, અંડપિંડ-અંડપિંડનલિકામાં ચેપ લાગેલો હોય, ગુદામાં હરસ (ચીરા) પડેલા હોય, ગુદામાંના મસામાં લોહી જામી ગયું હોય કે ગર્ભાશયકલાનું સ્થાનાંતરણ (endometriosis) થયેલું હોય તો દુ:સંભોગ થાય છે. ક્યારેક આવા કોઈ જ વિકારો ન હોય ત્યારે પણ આ પ્રકારની પીડા થાય છે. તેને મનોવિકારી (neurotic) પીડા ગણવામાં આવે છે. તેનાં કારણોમાં ઘણી વખત દુ:ખદાયક કે અસ્વીકાર્ય બનેલું લગ્નજીવન હોય છે. મૂળ કારણોની જાણકારી મેળવીને તેની સારવાર કરવાથી દુ:સંભોગની પીડા શમે છે.
શિલીન નં. શુકલ