દુરેમાત, ફ્રેડરિચિ (જ. 5 જાન્યુઆરી 1921, બેર્ન; અ. 14 ડિસેમ્બર 1990) : જર્મન સાહિત્યકાર. જન્મે સ્વિસ. તેમનો જન્મ બેર્નના કોનોલ્ફિન્ગેનમાં થયો હતો. યુનિવર્સિટી ઑફ ઝુરિકમાં અભ્યાસ પ્રારંભ્યો અને 1941માં યુનિવર્સિટી ઑફ બેર્નમાં ગયા, પરંતુ 1943માં લેખક અને નાટ્યકાર થઈ અભ્યાસ છોડ્યો. વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં ખ્યાતનામ બનેલા નાટ્યકાર મૅક્સ ફ્રિસ્ચના સમકાલીન. જર્મન નાટ્યકાર બ્રેખ્ત પછી સ્વિટ્ઝર્લૅંડના આ બે નાટ્યકારો લોકપ્રિય રહ્યા. ચિત્રકાર તરીકે કારકિર્દી ઘડવા ઇચ્છતા દુરેમાતે શરૂઆતમાં લખેલાં બે નાટકો ‘ઇટ ઇઝ રિટન’ (1947) અને ‘ધ બ્લાઇન્ડ’ (1948) પાછાં ખેંચી લીધેલાં, જોકે બંને પ્રસિદ્ધ તો થયાં. ત્યારપછીનાં વર્ષોમાં લખેલાં નાટકો ‘રૉમ્યુલસ ધ ગ્રેટ’ (1949) અને ‘ધ મૅરેજ ઑવ્ મિસિસિપી’(1951)માં તેમની શૈલી જામી. બંને કૉમેડી નાટકો છે અને તેમાં બુઝર્વા મૂલ્યોની હાંસી ઉડાવવાનો પ્રયાસ છે. ‘રૉમ્યુલસ ધ ગ્રેટ’નો નાયક રૉમ્યુલસ રોમ ઉપર થયેલાં હિંસક આક્રમણો પહેલાંના જમાનાનો છેલ્લો બાદશાહ. નાટકમાં તેને વિદૂષક જેવો ચીતર્યો છે. નાટકને અંતે રૉમ્યુલસ ગંભીરતાથી પોતાની જાતને શહીદ તરીકે ન ખપાવવાની ઇચ્છા પ્રગટ કરે છે અને તે રીતે માનવ-ગૌરવ હાંસલ કરે છે. તેનો માનવજાતને આખરી સંદેશ છે, સ્વપ્રશંસાનો ત્યાગ કરો.
1953માં પ્રસિદ્ધ થયેલ નાટક ‘ઍન એન્જલ કમ્સ ટુ બૅબિલોન’માં લેખકની વૈચારિક મૂંઝવણોનું પ્રતિબિંબ પડે છે. દુરેમાતને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા તેમના 1962માં પ્રસિદ્ધ થયેલા નાટક ‘ધ ફિઝિસિસ્ટ્સ’ દ્વારા જ મળી. આ નાટકથી લેખકને નામ અને દામ બંનેની પ્રાપ્તિ થઈ. ‘ધ ફિઝિસિસ્ટ્સ’ની પાર્શ્વ-ભૂ એક પાગલખાનું છે. ત્યાં ત્રણ પાગલો અનુક્રમે ન્યૂટન, આઇન્સ્ટાઇન અને રાજા સૉલોમનના પ્રવક્તા હોવાનો વહેમ ધરાવે છે. આમાંનો ત્રીજો, મોબિયસ, એક અત્યંત તેજસ્વી વૈજ્ઞાનિક છે. પોતાની શોધખોળોના અંતે તે પાગલ થઈ ગયો છે. બીજા બે પાગલો વિશ્વની બે મહાસત્તાઓના એજન્ટ છે. તેમને મોબિયસની શોધો કોઈ પણ ભોગે મેળવી લેવા નિયુક્ત કરવામાં આવેલા. આ શોધો માનવજાતના અસ્તિત્વને હોડમાં મૂકે તે પ્રકારની મનાતી હતી.
નાટકના પ્રથમ અંકમાં રુગ્ણાલયની ત્રણ પરિચારિકાઓ આ દરદીઓના પ્રેમમાં પડે છે. પછી તેમને તેમના પાગલપણાનો ખ્યાલ આવે છે; પણ પોતે જાનને બચાવી શકે તે પહેલાં તો પાગલો તેમની હત્યા કરી નાખે છે. આ હત્યાની તપાસ પોલીસ આરંભે છે. તે દરમિયાન મોબિયસ બીજા બંનેને પોતાની શોધખોળોની હસ્તપ્રતનો નાશ કરી માનવજાતને બચાવવાના કાર્યમાં મદદ કરવા વીનવે છે. બંને સંમત થાય છે. પણ હસ્તપ્રતોનો નાશ થાય તે પહેલાં ત્યાંની મનશ્ચિકિત્સક બાઈએ તે પોતાને કબજે કરી લીધી છે. આ પાગલોનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનું આયોજન તેના મનમાં ચાલે છે; પણ અંતે મનશ્ચિકિત્સક પોતે પણ પાગલ થઈ જાય છે.
દુરેમાતે ટૂંકી વાર્તા, રેડિયો-નાટકો અને રહસ્યકથાઓ ઉપર પણ હાથ અજમાવ્યો છે. એમની ટૂંકી વાર્તા ‘ટ્રેમ્સ’ પરથી વિજય તેંડુલકરે મરાઠીમાં ‘શાન્તા ! કોર્ટ ચાલુ આહે’ નામનું નાટક રચ્યું ને ભજવ્યું હતું. પછી અનેક ભારતીય ભાષામાં એ મરાઠી પરથી અનૂદિત થયું અને એનું બોલપટ પણ બન્યું. એમનું નાટક ‘વિઝિટ’ પણ ભારતમાં ‘મિસ મીના’ નામે પ્રસિદ્ધ થયું છે. ચિત્ર પ્રત્યે રુચિના કારણે નાટ્યલેખન સાથે દુરેમાતે ચિત્રો પણ દોર્યાં હતાં અને 1976, 1978, 1985માં એમનાં ચિત્રોના શો પણ થયા હતા. તેમનું એક રેડિયો-નાટક ‘અ ડેન્જરસ ગેઇમ’ 1960માં અનૂદિત થયું અને ખૂબ પ્રશંસા પામ્યું. છેલ્લા દાયકામાં સ્ટ્રિન્ડબર્ગ અને શેક્સપિયરનાં નાટકોના ફેરફાર સાથે અનુવાદ કર્યા સિવાય ઝાઝું મૌલિક સર્જન તેઓ કરી શક્યા નહીં. દુરેમાતની રહસ્યકથાઓ વિશિષ્ટ પ્રકારની, અત્યંત કુશળતાપૂર્વક લખાયેલી, મૌલિક વાર્તાઓ છે. આ વાર્તાઓમાં લેખકની બૌદ્ધિક તેજસ્વિતા પ્રગટ થાય છે. તેમની સુંદર રહસ્યકથાઓમાં ‘ધ જજ ઍન્ડ હિઝ હગમૅન’ (1950), ‘સસ્પિશન’ (1954) અને ‘ધ પ્લેજ’ (1958) ગણી શકાય.
મૃત્યુ પૂર્વે એમણે આપેલાં બે વ્યાખ્યાનો – ‘સ્વિટ્ઝર્લૅન્ડ એક જેલ ?’ અને ‘કાન્ટની આશા’ એમના વ્યક્તિત્વની ઓળખ આપી રહે છે. એમણે અમેરિકા, ઇઝરાયલ અને પોલૅન્ડનો પ્રવાસ પણ કર્યો હતો.
પંકજ જ. સોની