દુબઈ (Dubai; Dubayy) : સંયુક્ત આરબ અમીરાતનું સૌથી મોટું શહેર.

ભૌગોલિક સ્થાન : તે 25 18´ ઉ. અ. અને 55 18´ પૂ. રે.ની આજુબાજુનો 3900 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, પરંતુ સમુદ્રના વિસ્તારનું નવીનીકરણ કર્યું હોવાથી તેનો વિસ્તાર 4,110 ચો.કિમી. થવા જાય છે.

ભૂપૃષ્ઠ–આબોહવા : આ શહેર આશરે 16 મીટરની સમુદ્ર સપાટી ધરાવે છે. દુબઈ અરબ રણપ્રદેશમાં આવેલું છે. યુનાઇટેડ અરબ અમીરાતના દક્ષિણ ભાગ કરતાં દુબઈનું ભૂપૃષ્ઠ પ્રમાણમાં અલગ તરી આવે છે. દુબઈની દક્ષિણે રેતીના ઢૂવા આવેલા છે. દક્ષિણ ભાગમાં કાંકરીનું પ્રમાણ અધિક છે. મોટે ભાગે અહીં શંખ-છીપલાં અને કોરલ દ્વારા બનેલી રેતી સફેદ અને બારીક છે. શહેરની પૂર્વે આવેલો સમતળ કિનારો ક્ષારીય છે, જે સબાખા (Sabakha) તરીકે ઓળખાય છે. ઉત્તરથી દક્ષિણ દિશાએ રેતીના ઢૂવાની હરોળ જુદી તરી આવે છે. સુદૂર પૂર્વે ઊંચા રેતીના ઢૂવા પણ આવેલા છે. પશ્ચિમે દુબઈ અને ઓમાનની વચ્ચે અલ-હજાર (Al Hajar) પર્વતીય હારમાળા આવેલી છે. આ હારમાળા પ્રમાણમાં શુષ્ક અને આડી-અવળી છે, જે અવશેષ રૂપે આવેલી છે. કેટલીક જગ્યાએ આ હારમાળાની ઊંચાઈ 1300 મીટર જોવા મળે છે. દુબઈ ખાતે કોઈ નદી કે રણદ્વીપ આવેલાં નથી. દુબઈના કિનારે અનેક ખાડીઓ આવેલી છે, જેમાંથી દુબઈની ખાડીને ઊંડી કરીને તેમાં મોટા વહાણો પસાર થાય તે માટેનું આયોજન થઈ રહ્યું છે. દુબઈની દક્ષિણે આવેલ રણ જે ‘દુબઈની ચોથા ભાગની રણભૂમિ’ (The Empty Quarter) તરીકે ઓળખાય છે. દુબઈ પાસે ઝાગ્રોસ (Zagros) તિરાડ (Fault) આવેલી છે, જે આશરે 200 કિમી. જેટલી લંબાઈ ધરાવે છે તેમ છતાં દુબઈનો ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં સમાવેશ થતો નથી. તેથી ત્સુનામીનો ભય નહીંવત્ છે.

આબોહવા, કુદરતી વનસ્પતિ અને પ્રાણીસંપત્તિ : દુબઈ આરબ દ્વીપકલ્પના વિષમ આબોહવાવાળા પ્રદેશમાં આવેલું છે. તેનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 23.4 સે. અને 42.3 સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ ફક્ત 60 મિમી. જેટલું હોય છે. વર્ષ 2024ના પ્રારંભમાં દુબઈમાં કૃત્રિમ વરસાદના પ્રયોગથી દુબઈ શહેર લગભગ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. શહેરની ફરતે રેતાળ ભૂમિમાં જંગલી ઘાસ જોવા મળે છે. પશ્ચિમે આવેલી હારમાળા અને સમતળ પ્રદેશમાં ખજૂરી, બાવળ, લીમડાનાં વૃક્ષો જોવા મળે છે. આ વિસ્તારમાં જરખ, શિયાળ જેવાં પ્રાણીઓ તેમજ જંગલી ગીધ, ગરુડ જેવાં પક્ષીઓ જોવા મળે છે. આ સિવાય કાચીંડા, ગરોળી, સાપ, વીંછી જેવા જીવો પણ હોય છે. આશરે 300 જેટલાં યાયાવર પક્ષીઓનું આ આશ્રયસ્થાન છે.

પરિવહન : દુબઈમાં 13 જેટલા ધોરી માર્ગો આવેલા છે, જે પૂર્વ અને પશ્ચિમ વિભાગને સાંકળે છે. આ બંને વિભાગને સાંકળતા પુલ અને બોગદાં (Tunnel) માકટોઉમ (Maktoum), અલ ગરહાઉડ (Al Garhold), અલ શીનંદાઘા (Al Shindagha) વગેરે આવેલાં છે. બસોના વહન માટે નાના-મોટા થઈને 140 માર્ગો છે. અહીં પરિવહન સત્તામંડળ પાસે 50 કરતાં પણ વધુ ઍરકન્ડિશન્ડ બસો છે. ખાનગી ટૅક્સીઓનો ઉપયોગ વધુ થાય છે. અહીં મેટ્રો ટૅક્સી (નારંગી રંગની), નેટવર્ક ટૅક્સી (પીળા રંગની), કાર ટૅક્સી (વાદળી રંગની), અરબિયા ટૅક્સી (લીલા રંગની), શહેરની ટૅક્સી (જાંબુડી રંગની) જોવા મળે છે. આ ટૅક્સીઓની સંખ્યા આશરે 3000 છે. અરબ દ્વીપકલ્પમાં મેટ્રો ટ્રેનનો સૌપ્રથમ પ્રારંભ દુબઈ ખાતે થયો હતો. દુબઈમાં Red line અને Green line પ્રકારની મેટ્રો દોડે છે. ભવિષ્યમાં Blue line અને Purple line મેટ્રો દોડાવવાનું આયોજન થયું છે. મોનોરેલ અને ટ્રામની પણ વ્યવસ્થા છે. દુબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વિશ્વમાં પ્રવાસીઓની દૃષ્ટિએ સૌથી વ્યસ્ત હવાઈ મથકોમાં ત્રીજા ક્રમે, જ્યારે માલસામાનની હેરફેરની દૃષ્ટિએ છઠ્ઠા ક્રમે આવે છે. દુબઈની ‘Emirate Air Line’ 70 દેશોનાં 150 હવાઈ મથકો સાથે સંકળાયેલી છે. ‘અલ માકટોઉમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’ (Al Maktoum International Air Port) પણ નિર્માણ થઈ રહ્યું છે. જે દર વર્ષે આશરે 50 લાખ પ્રવાસીઓને સુવિધાઓ પૂરી પાડશે. આ હવાઈ મથક પાંચ હવાઈ પટ્ટીઓ (Five runways) ધરાવતું વિશ્વનું સૌથી મોટું હવાઈ મથક બનશે.

દુબઈ ખાતે બે મોટાં વ્યાપારિક બંદરો આવેલાં છે. જે પૉર્ટ રશીદ (Port Rashid) અને પૉર્ટ જેબેલ (Port Jebel) છે. પૉર્ટ જેબેલ વિશ્વમાં સૌથી મોટું કૃત્રિમ બંદર છે. જે વિશ્વમાં સૌથી વ્યસ્ત બંદરોમાં સાતમા ક્રમે આવે છે. The Main Transport Agency દ્વારા દુબઈની ખાડીમાં Water Bus અને Water Taxiનું પણ સંચાલન થાય છે. દુબઈ ખાડીના (Dubai Creek) જળમાર્ગે ભારત, આફ્રિકા અને યુરોપના દેશો સાથે વહાણવટું થાય છે.

પ્રવાસન : દુબઈ મધ્યપૂર્વનું ખરીદારીનું પાટનગર (Shopping Capital of the Middle East) ગણાય છે. અહીં 70 કરતાં વધુ ખરીદારીનાં કેન્દ્રો અને 250 કરતાં પણ વધુ સોનાનાં આભૂષણોની દુકાનો આવેલી છે. આથી તે ‘City of Gold’ તરીકે ઓળખાય છે. દુબઈ વિશ્વમાં દ્વિતીય ક્રમે આવતું ખરીદારીનું કેન્દ્ર ગણાય છે. આ શહેર ખરીદારીની સાથે પ્રાચીન અને અર્વાચીન સ્થાપત્યો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. Dubai Creek જેને 2013માં યુનેસ્કોએ ‘World Heritage Site’ તરીકે જાહેર કરવાની રજૂઆત કરી હતી. દુબઈમાં બહુમાળી સ્થાપત્યો આવેલાં છે જેમાં બુર્જ ખલીફા (Burj Khalifa) અને જેદ્દાર ટાવર વધુ જાણીતાં છે. સ્થાપત્યોની દૃષ્ટિએ બુર્જ અલ અરબ (Burj Al Arab) 7 તારક હોટલ, પામ જુમેરાહ (Palm Jumeirah), વિશ્વની પ્રતિકૃતિ ધરાવતો કૃત્રિમ ટાપુ (The world carchipleago) જ્યાં વસાહતો ઊભી કરાઈ છે. Dubai  Miracle Garden આવેલો છે. જે વિશ્વનો સૌથી મોટો ફૂલોનો ગાર્ડન છે. 70 પ્રજાતિઓ ધરાવતા આ ગાર્ડનમાં આશરે 500 લાખ ફૂલો ઉગાડવામાં આવ્યાં છે. મલેશિયાની જેમ બે ઊંચા ટાવરો આવેલા છે. તેની વચ્ચે એક પુલનું નિર્માણ કરવામાં આવેલું છે. જે વિશ્વનો સૌથી ઊંચો ‘Sky Bridge’ ગણાય છે. અનેક પંચતારક હોટલો આવેલી છે. અહીં સ્થાપત્યોની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતી મસ્જિદો આવેલી છે. બુર્દ દુબઈ ખાતે એક હિન્દુ મંદિર, શીરડી સાંઈબાબા મંદિર, શ્રીકૃષ્ણ હવેલી, ઈસ્કોન મંદિર, સિંધી ગુરુદરબાર, જૈન ગૃહ દેરાસર, શિવમંદિર આવેલાં છે.

બુર્જ ખલીફા

આ સિવાય રેતીપટ ખાતે આવેલી હોટેલો, વિવિધ પાર્ક જેમાં સફારી પાર્ક, મુશરીફ પાર્ક, હમરિયા પાર્ક વધુ જાણીતાં છે. આ સિવાય ડોલ્ફીનરિયમ (Dolphinarium), કેબલકાર, વિદેશોમાંથી આયાત કરાયેલ પક્ષીઘર, બૉટેનિક ગાર્ડન પણ જોવાલાયક છે. ઉપરોક્ત આકર્ષણોને કારણે 2020ના વર્ષમાં આશરે 20 મિલિયન પ્રવાસીઓએ દુબઈની મુલાકાત લીધી હતી.

વસ્તી : આ શહેરમાં આરબો, ઈરાનીઓ અને કેન્દ્રીય ઉપખંડમાંથી આવેલા લોકો વસે છે. અહીં વસતા મોટા ભાગના લોકો ઇસ્લામધર્મીઓ છે. અહીં અરબી અને અંગ્રેજી ભાષાઓ બોલાય છે. વિશ્વમાં આર્થિક અને વાણિજ્યનું દુબઈ મોટું કેન્દ્ર હોવાથી અનેક કંપનીઓનાં કાર્યાલયો અહીં જોવા મળે છે. આ શહેરના અર્થતંત્રનો આધાર વ્યાપાર દ્વારા મળતા મહેસૂલ, પ્રવાસન, હવાઈ સેવાઓ, વાણિજ્ય સેવાઓ, સ્થાવર મિલકતો પર રહેલો છે. અહીં મુક્ત વ્યાપાર થતો હોવાથી તેનો આર્થિક વિકાસ વધુ જોવા મળે છે.

દુબઈની સ્થાપના 1500ની સાલમાં થઈ હતી. તે વખતે આ સ્થળ મોતી મેળવવા માટેના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. 1820માં દુબઈ બ્રિટન સાથે જોડાયું. અહીં ગુલામોનો વેપાર ચાલતો હતો. 1892માં દુબઈના વિદેશ વિભાગનો હવાલો એક સંધિ દ્વારા બ્રિટને મેળવ્યો અને તે એક રક્ષિત રાજ્ય તરીકે રહ્યું. 1971થી બ્રિટને દુબઈનો હવાલો સંયુક્ત આરબ અમીરાતને સોંપ્યો છે.

દુબઈ શહેરની વસ્તી (2022 મુજબ) આશરે 34 લાખ છે.

નીતિન કોઠારી