દુઆર્તે, જોઝ નેપોલિયાં (જ. 23 નવેમ્બર 1925, અલ સાલ્વાડૉર; અ. 23 ફેબ્રુઆરી 1990, અલ સાલ્વાડૉર) : [Duarte (Fuentes) Jose’ Napole’on]. અલ સાલ્વાડૉરના પ્રમુખ 1946માં નોત્રદામ યુનિવર્સિટી(ઇન્ડિયાના)ના સ્નાતક. 1960 સુધી બિનસરકારી હોદ્દાઓ પર કામ કર્યું. અલ સાલ્વાડૉરમાં ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પક્ષની સ્થાપનામાં મદદ કરી. 1964–70 સુધી સાન સાલ્વાડૉરના મેયર તરીકે સેવાઓ આપી. મેયર તરીકે તેમણે શાળાઓનું સમારકામ કરવા કે આરોગ્યની સેવા-સવલતો સુધારવા માટે પાડોશીજૂથો રચ્યાં. 1972માં અલ સાલ્વાડૉરના પ્રમુખપદ માટે સ્પર્ધા કરી. ચૂંટણીનાં પ્રારંભિક પરિણામો તેમની તરફેણમાં હતાં, પરંતુ પોતાનો ઉમેદવાર જીતે છે તેમ દર્શાવવા માટે સરકારે તેમને હારેલ જાહેર કર્યા. 1979 સુધી વેનિઝુએલા ખાતે અજ્ઞાતવાસમાં રહ્યા. લશ્કરી સત્તા હસ્તગત કર્યા પછી તે પાછા ફર્યા. 1 જૂન, 1984ના રોજ તેમણે ચૂંટાયેલા પ્રમુખ તરીકે હોદ્દો ધારણ કર્યો. 1980–82 સુધી તેમણે લશ્કરે નીમેલા પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. પોતાના હોદ્દાકાળ દરમિયાન તે અલ સાલ્વાડૉરમાંના આંતરવિગ્રહનો અંત લાવી શક્યા નહીં. જમીનની પુન:વહેંચણી અને કરસુધારણાના કાર્યક્રમનો અમલ પણ તેઓ કરી શક્યા નહોતા.
નવનીત દવે