દીમાપુર : ભારતની પૂર્વે પહાડી રાજ્ય નાગાલૅન્ડનો જિલ્લો તથા મુખ્ય શહેર. તે અગાઉના કાચાર રાજ્યનું પાટનગર હતું. તે એક મહત્વનું વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્ર તથા પર્યટક સ્થળ છે. તે ધનસિરિ નદીના જમણા કાંઠા પર વસેલું છે. 25° 54’ ઉ. અ. અને 93° 44’ પૂ. રે. પર રાજ્યના પાટનગર કોહિમાથી વાયવ્યમાં આશરે 45 કિમી. દૂર તે આવેલું છે. તેનો વિસ્તાર 924 ચોકિમી. છે.

તે નૈર્ઋત્યથી ઈશાન ખૂણા તરફ લંબાયેલી ‘કોહિમાની ટેકરીઓ’થી પશ્ચિમમાં અને આસામ રાજ્યની સીમા પરનાં મેદાનોમાં આવેલું છે. આમ છતાં તેની પાર્શ્વભૂમાં લીલોતરી અને કુદરતી સૌન્દર્યથી ભરપૂર એવી લાંબી ઊંચી પહાડી ટેકરીઓ અને તેમની વચ્ચે વચ્ચે નદીની ખીણો આવેલી છે.

દીમાપુરની આબોહવા ઉપોષ્ણકટિબંધીય (sub-tropical) છે. અહીં એપ્રિલથી ઑક્ટોબર એમ લગભગ સાત માસ સુધી વરસાદ પડે છે. વરસાદનું પ્રમાણ આશરે 1800 મિમી. જેટલું છે. અહીં ડાંગર, મકાઈ, બાજરી, બટાટા, કઠોળ, શાકભાજી અને ફળોની ખેતી થાય છે.

તેનાં જંગલોમાં વાઘ, હાથી, સૂવર અને બીજાં અનેક પ્રકારનાં પ્રાણીઓ વસે છે.

અહીં અન્ગામી અને ચાખેસાન્ગા જેવી નાગા જાતિના લોકો વસે છે.

દીમાપુરને રેલ, રાષ્ટ્રીય ધોરી માર્ગો અને હવાઈ માર્ગોની ઉત્તમ સેવાઓ મળેલી છે, જેનાથી તે પડોશી રાજ્યો અને દેશનાં અગત્યનાં નગરોથી સંકળાયેલું છે. ગોલાઘાટ–ઇમ્ફાલ રાષ્ટ્રીય ધોરી માર્ગ ત્યાંથી પસાર થાય છે. તેની આસપાસના પ્રદેશોમાંથી અહીંના બજારમાં ચોખા, નારંગી, બટાટા, કપાસ અને બીજી ખેતપેદાશો આવે છે, તેથી તે કૃષિપેદાશોનું વ્યાપારકેન્દ્ર બન્યું છે. અહીં મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના પ્રોસેસિંગ તથા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનને લગતા ઉદ્યોગો,  છૂટક ભાગો જોડીને ટી.વી. બનાવવાના એકમો, ઈંટો બનાવવાનો યાંત્રિક પ્લાન્ટ અને કુટિર-ઉદ્યોગો વિકસ્યા છે. ખાંડની વિશાળ મિલ અને તેને સંલગ્ન આલ્કોહૉલનું ઉત્પાદન કરતો ઔદ્યોગિક એકમ પણ આ નગરમાં છે.

જૂના વખતના આવાસો અને મહાલયોનાં સુંદર, કળામય બેનમૂન બાંધકામો માટે તે જાણીતું છે. ત્યાં દુર્ગ, નગરની આજુબાજુ ફરતો કોટ, પથ્થરનાં દ્વાર તથા સ્તંભ વગેરેના અવશેષો છે. આ જિલ્લાની અને શહેરની વસ્તી અનુક્રમે 4.14 લાખ અને 1.22 લાખ જેટલી (2022) છે.

બીજલ પરમાર