દીપ્તિ-પરિમાણ : કોઈ પણ ખગોલીય પદાર્થની તેજસ્વિતાનું માપ. ગ્રીક ખગોળશાસ્ત્રી હિપાર્કસે નરી આંખે દેખાતા તારાઓને તેજસ્વિતાનાં છ પરિમાણના માપક્રમમાં મૂક્યા હતા, જેમાં સૌથી વધારે તેજસ્વી તારાને પહેલું પરિમાણ અને (તેને દેખાતા) સૌથી ઝાંખા તારાને છઠ્ઠું પરિમાણ આપ્યું હતું. પહેલી વાર જ્યારે દીપ્તિમાપક(photometer)ની મદદથી તારાની તેજસ્વિતા માપવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે પહેલા પરિમાણના તારા છઠ્ઠા પરિમાણના તારા કરતાં લગભગ સોગણા વધારે તેજસ્વી હોય છે. 1856માં ઇંગ્લૅન્ડના ખગોળશાસ્ત્રી નૉર્મન રૉબર્ટ પોગ્સને (1829–1891) અત્યારે ઉપયોગમાં લેવાતી વર્ગીકરણની પદ્ધતિ સૂચવી હતી. આ પદ્ધતિમાં પાંચ પરિમાણના તફાવતને સોગણી તેજસ્વિતા બરાબર ગણવામાં આવે છે. આનો અર્થ એ છે કે એક પરિમાણનો તફાવત બરાબર (2.512)ગણી તેજસ્વિતા; કારણ કે = 2.512. સોગણી તેજસ્વિતા કરતાં વધારે તેજસ્વી છઠ્ઠા પરિમાણના તારાને ઋણ (–) પરિમાણ આપવામાં આવે છે; જ્યારે સૌથી ઝાંખા તારાને વધતું જતું મોટું ધન (+) પરિમાણ આપવામાં આવે છે. જ્યારે કોઈ વિશેષણ વગર પરિમાણ (magnitude) શબ્દ વાપરવામાં આવે ત્યારે એનો અર્થ ‘દેખીતું પરિમાણ’ (apparent magnitude) એટલે કે આકાશમાં દેખાતા તારાની તેજસ્વિતા – એ પ્રમાણે કરવામાં આવે છે. આ ઉપરાંત, ખગોળશાસ્ત્રીઓ ‘નિરપેક્ષ પરિમાણ’નો પણ ઉપયોગ કરે છે, જે તારાના ઉત્સર્જિત પ્રકાશનું અંકન (calibration) છે.
પરંતપ પાઠક