દીક્ષિત, રામભદ્ર (આશરે 1635–1720) : સંસ્કૃત કવિ અને નાટ્યકાર. રામભદ્ર દીક્ષિત દક્ષિણ ભારતના તમિળનાડુના કુંભકોણમ્ શહેર પાસે આવેલા કંડરમાણિક્ય ગામના વતની હતા. તેમના પિતાનું નામ યજ્ઞરામ હતું. તેમના સાહિત્યવિદ્યાના ગુરુ નીલકંઠ દીક્ષિત, વ્યાકરણશાસ્ત્રના ગુરુ ચોક્કનાથ મખી અને અધ્યાત્મવિદ્યાના ગુરુ બાલકૃષ્ણ સંન્યાસી હતા. ચોક્કનાથ મખીએ ખુશ થઈને તેમને પોતાના જમાઈ બનાવેલા. તંજાવરના મરાઠા રાજા શહજીએ શહજીપુર (હાલનું તિરુવીશનલ્લૂર) નામનું નવું નગર વસાવ્યું ત્યારે રામભદ્ર દીક્ષિતને વિદ્વાન તરીકે જમીન વગેરેનાં દાનો આપીને ત્યાં વસાવેલા. તેઓ કુળદેવતા રામના અનન્ય ભક્ત અને વૈરાગી હતા. મોટી ઉંમરે તેમણે રઘુનાથ નામના શિષ્યની વિનંતીથી ‘શૃંગારતિલક’ નામનું ભાણ પ્રકારનું રૂપક લખેલું. પ્રાય: ભગવાન રામને કેન્દ્રમાં રાખી તેમણે પોતાની રચનાઓ કરી છે. તેમાં ‘શૃંગારતિલકભાણ’, ‘જાનકીપરિણયનાટક’, ‘પતંજલિચરિતમહાકાવ્ય’, ‘વર્ણમાલાસ્તોત્ર’, ‘રામકર્ણામૃત’, ‘આચાર્યસ્તવરાજભૂષણ’, ‘રામાષ્ટપ્રાસસ્તવ’, ‘રામચાપસ્તવ’, ‘રામબાણસ્તવ’, ‘રામતૂણીરસ્તવ’, ‘રામપ્રસાદ-સ્તવ’, ‘રામભદ્રશતક’, ‘વિશ્વગર્ભસ્તવ’ વગેરેનો સમાવેશ થાય છે. તેમના નાના ભાઈ રામચંદ્ર દીક્ષિત હાસ્યકવિ તરીકે જાણીતા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી