દીક્ષિત, માધુરી (જ. 15 મે 1968, રત્નાગિરિ, મહારાષ્ટ્ર) : જાણીતી ભારતીય અભિનેત્રી. પિતા : શંકર, માતા : સ્નેહલતા. હિંદી ચિત્રોની નાયિકાઓમાં મધુબાલા પછી સૌથી વધુ સૌંદર્યવાન ગણાયેલાં અભિનેત્રી માધુરી દીક્ષિતના નખશિખ સૌંદર્યથી અભિભૂત થયેલા ખ્યાતનામ ચિત્રકાર એમ.એફ. હુસેને ખાસ તેમને કેન્દ્રમાં રાખીને એક ચિત્ર ‘ગજગામિની’નું નિર્માણ કર્યું હતું. મહારાષ્ટ્રના મધ્યમવર્ગમાં જન્મેલાં માધુરી દીક્ષિત વિજ્ઞાનના વિષય સાથે અનુસ્નાતક થયાં છે. તેમનાં માતા સ્નેહલતાએ લગ્ન પછી એમ.એ. પૂરું કર્યું હતું એટલે ઘરમાં ભણતરનું ખૂબ મહત્ત્વ હતું. માધુરી પણ ભણતર પૂરું કરે એટલે તે સારી વ્યાવસાયિક કારકિર્દી અપનાવશે એવું સૌ માનતાં હતાં અને એ વખતે કોઈને કલ્પના પણ નહોતી કે તેઓ ચલચિત્ર અભિનેત્રી બનશે. ચલચિત્રોમાં તેમનું આગમન પણ સાવ આકસ્મિક હતું. સ્વચ્છ ચિત્રોના નિર્માણ માટે જાણીતી સંસ્થા રાજશ્રીએ તેના એક ચિત્ર ‘અબોધ’માં માધુરીને પ્રથમ વાર તક આપી હતી. આ પ્રથમ ચિત્ર અને એ પછીનું ‘ઉત્તર-દક્ષિણ’ પણ વ્યાવસાયિક રીતે સફળ થયાં નહોતાં, પણ સુભાષ ઘાઈ-દિગ્દર્શિત ‘રામ-લખન’ અને એન. ચંદ્રા-દિગ્દર્શિત ‘તેજાબ’ની સફળતા પછી માધુરી વ્યાવસાયિક રીતે સફળતાનાં એક પછી એક સોપાન સર કરતાં ગયાં. પોતાના સમયના તમામ જાણીતા અભિનેતાઓ તથા દિગ્દર્શકો સાથે કામ કરનાર માધુરી દીક્ષિત નૃત્યમાં પણ પ્રવીણ હોવાને કારણે પડદા પર વિવિધ ભૂમિકાઓ સહજતાથી ભજવી શકતાં હતાં. તેમણે માત્ર વ્યાવસાયિક ચિત્રોમાં જ નહિ, જ્યારે પણ તક મળી ત્યારે ‘ધારાવી’ અને ‘મૃત્યુદંડ’ જેવાં સમાંતર ચિત્રોમાં પણ ભૂમિકાઓ ભજવી હતી. ‘હમ આપ કે હૈં કૌન’ ચિત્રે આવકની દૃષ્ટિએ ભારતીય ચિત્રોમાં નવો વિક્રમ સ્થાપ્યો હતો. આ કૌટુંબિક ચિત્રમાં પણ મુખ્ય ભૂમિકા માધુરી દીક્ષિતની હતી.

અમેરિકાસ્થિત ડૉ. શ્રીરામ નેને સાથે માધુરીએ 2000માં લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી પણ તેમણે પસંદગીનાં ચિત્રોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. જોકે તેમનાં ચિત્રોની સંખ્યા ઓછી થઈ ગઈ હતી, પણ ખાસ કરીને સંજય લીલા ભણશાલી-દિગ્દર્શિત ‘દેવદાસ’માં પારોની ભૂમિકા ભજવીને તેમણે ફરી એક વાર અભિનયનું પારિતોષિક મેળવ્યું હતું. માધુરીનાં નૃત્ય અને અદાઓને કારણે પડદા પર તેમણે ગાયેલાં કેટલાંક ગીતો યાદગાર બની ગયાં છે, જેમાં ‘એક દો તીન…’ (તેજાબ), ‘ધક ધક કરને લગા…’ (બેટા), ‘દીદી તેરા દેવર દીવાના…’ (હમ આપ કે હૈં કૌન), ‘ચોલી કે પીછે ક્યા હૈ…’ (ખલનાયક) વગેરેનો સમાવેશ થાય છે. માધુરીને ‘દિલ’, ‘બેટા’, ‘હમ આપ કે હૈં કૌન’, ‘દિલ તો પાગલ હૈ’ ચિત્રો માટે શ્રેષ્ઠ અભિનેત્રીનાં, અને ‘દેવદાસ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું, ‘ફિલ્મફેર’ પારિતોષિક મળ્યાં હતાં. વર્ષ 2008માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’થી નવાજ્યાં હતાં.

માધુરી દીક્ષિત

‘આ જા નચ લે’ ચલચિત્ર દ્વારા તેમને 13મો ‘ફિલ્મફેર’ બેસ્ટ ઍક્ટ્રેસ ઍવૉર્ડ મળ્યો હતો.

વર્ષ 2007માં તેમને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સંદર્ભમાં ‘બેસ્ટ બોલિવૂડ ઍક્ટ્રૅસીસ એવર’ની રેડીફની યાદીમાં મૂકવામાં આવ્યાં હતાં. મે, 2008માં લૉસ ઍન્જલિસ ખાતે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના પ્રસંગે તેમનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

માર્ચ, 2010માં ‘ધ ઇકૉનૉમિક ટાઇમ્સે’ તેમને વિશ્વની 33 એવી ભારતીય મહિલાઓમાંનાં એક ગણાવ્યાં હતાં જેણે ભારતને ગૌરવ અપાવ્યું હોય. તે જ વર્ષે તેમને બોલિવૂડમાં 25 વર્ષ પૂર્ણ કર્યાં તે નિમિત્તે ‘ફિલ્મફેર’ સ્પેશિયલ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

2011માં રેડીફ ડૉટ કોમ રીડર્સ ચૉઇસની યાદીમાં વિશ્વની સર્વોચ્ચ 10 સિનેતારિકામાંના એક તેમને ગણાવ્યાં હતાં.

નોંધપાત્ર ચિત્રો : અબોધ (1984), સ્વાતિ (1986), હિફાઝત, ઉત્તરદક્ષિણ (1987), દયાવાન, તેજાબ (1988), પરિંદા, ત્રિદેવ, રામલખન (1989), દિલ, કિશન કન્હૈયા, સૈલાબ (1990), પ્રહાર, ધારાવી, સાજન (1991), બેટા, સંગીત, ખેલ (1992), ખલનાયક (1993), હમ આપ કે હૈં કૌન ? (1994), રાજા, મૃત્યુદંડ (1995), દિલ તો પાગલ હૈ (1997), પુકાર (2000), ગજગામિની (2001), હમ તુમ્હારે હૈં સનમ, દેવદાસ (2002). ‘આ જા નચ લે’ (2007), ‘ગુલાબ ગેંગ’ (2013), ‘ડેઢ ઇશ્કિયા’ (2014).

હરસુખ થાનકી