દીક્ષિત, ભીમસેન (1670–1750) : આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘સુધાસાગર’ કે ‘સુધોદધિ’ નામની ટીકા લખનારા સંસ્કૃત લેખક. ભીમસેન કાન્યકુબ્જ બ્રાહ્મણ હતા. પિતાનું નામ શિવાનંદ હતું. શાંડિલ્ય ગોત્રના હતા. ‘કાવ્યપ્રકાશ’ પરની સુધાસાગર ટીકા તેમણે વિ. સં. 1723ના માઘ માસની તેરસને દિવસે સમાપ્ત કરી એમ તેમણે નોંધ્યું છે. આચાર્ય મમ્મટને માટે તેમને અત્યંત પક્ષપાત હોવાથી મમ્મટના અભિપ્રાયની વિરોધી ટીકા લખનારાઓનું ખંડન કરવા માટે તેમણે આ ટીકા લખી છે. વળી આચાર્ય મમ્મટને તેઓ સરસ્વતીદેવીના અવતાર  ગણાવે છે. આથી મમ્મટનો બચાવ પોતાની ટીકામાં અવારનવાર તેમણે કર્યો છે.

‘કાવ્યપ્રકાશ’ પરની ટીકા ઉપરાંત ‘રત્નાવલી’ પર ટીકા લખવાનો પ્રયત્ન તેમણે કર્યો છે. ‘અલંકારસારોદ્ધાર’ અને ‘કુવલયાનંદ-ખંડન’ નામના ગ્રંથો પણ તેમણે લખ્યા છે. આ બંને ગ્રંથો કાવ્યશાસ્ત્ર વિશે તેમણે લખ્યા છે. અપ્પય્ય દીક્ષિતના જાણીતા ગ્રંથ ‘કુવલયાનંદ’નું તેમણે ખંડન કર્યું છે. આ ‘કુવલયાનંદખંડન’ નામનો ગ્રંથ અજિતસિંહ નામના રાજાના શાસન દરમિયાન રચ્યો હોવાનો ઉલ્લેખ 1670થી 1750ના ગાળામાં તેમનો જીવનકાળ નક્કી કરે છે. તેમની કાવ્યપ્રકાશ પરની ટીકામાં કાવ્યપ્રકાશની ખૂબ જ વિસ્તૃત સમજ અપાઈ છે.

પ્ર. ઉ. શાસ્ત્રી