દીક્ષિતાર, મુત્તુસ્વામી

March, 2016

દીક્ષિતાર, મુત્તુસ્વામી (જ. 1775, તિરુવારૂર, જિલ્લો તંજાવૂર, કર્ણાટક; અ. 1835, ઈટ્ટાયાપુરમ્ રિયાસત, કર્ણાટક) : કર્ણાટકી સંગીતના મહાન ગાયક, કલાકાર તથા બંદિશોના રચનાકાર. તેમના પિતા રામસ્વામી દીક્ષિતાર પોતે કર્ણાટક સંગીતના અગ્રણી ગાયક અને રચનાકાર હતા. મુત્તુસ્વામીએ પોતાના શૈશવકાળમાં જ સંસ્કૃત અને તેની સાથે સંલગ્ન વિષયોનું ઊંડું અધ્યયન કર્યું હતું તથા કર્ણાટકી સંગીતની પોતાની સાધનામાં વૈવિધ્ય, વ્યાપકતા અને પરિપક્વતા દાખલ કરવા માટે તેલુગુ ભાષાનું પણ જરૂરી અધ્યયન કર્યું હતું. પંદર વર્ષની વયે તેઓ દક્ષિણ ભારતના અગ્રણી સંત ચિદમ્બરનાથની જોડે વારાણસીની યાત્રા કરવા ગયા, જે દરમિયાન તેઓ ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પરિચયમાં આવ્યા. તેને લીધે તેમના જ્ઞાનમાં તો વધારો થયો જ; પરંતુ તે ઉપરાંત સંગીતકલા અંગેનું તેમનું વૈચારિક ફલક વ્યાપક બન્યું. તેને લીધે જ મુત્તુસ્વામીની કર્ણાટકી સંગીતની ગાયકીની રજૂઆતમાં કેટલાક ઉત્તર હિંદુસ્તાની રાગોની છાપ પડેલી સ્પષ્ટ રીતે જોવા મળે છે.

મુત્તુસ્વામી દીક્ષિતાર

વારાણસી અને ઉત્તર ભારતના અન્ય કેટલાંક સ્થળોની મુલાકાત બાદ જ્યારે તેઓ દક્ષિણ ભારતમાં પાછા આવ્યા ત્યારે તેઓ પોતાના વતનના સ્થળે જવાને બદલે ઉપાસના કરવાના હેતુથી તિરુત્તણી નામક સ્થળે ગયા. કિંવદંતી મુજબ તિરુત્તણીના એક મંદિરમાં એક દિવસ જ્યારે તેઓ ધ્યાનસ્થ બેઠા હતા ત્યારે કોઈ વૃદ્ધ માણસે તેમના મોઢામાં પ્રસાદી રૂપે સાકર મૂકી, જેને પરિણામે તેમના ગળામાંથી સંગીતની ઈશ્વરદત્ત સ્વરલહેરો ફૂટવા મંડી. ‘શ્રીનાથાદિ ગુરુગુહ’ આ તેમની પ્રથમ સંગીતરચના (બંદિશ) ગણાય છે. તેમની ત્યાર પછીની મોટા ભાગની સંગીતરચનાઓનું વિશ્લેષણ કરવાથી જાણવા મળે છે કે તેમાંની ઘણી રચનાઓનું સ્વરનિયોજન દેવીદેવતાઓની સ્તુતિ રૂપે કરવામાં આવ્યું છે. તે ઉપરાંત તેમની ઘણીખરી સ્વરરચનાઓમાં દક્ષિણ ભારતની પરંપરાઓ તથા સામાજિક અને ધાર્મિક પ્રથાઓનું વર્ણન છે. મુત્તુસ્વામી કર્ણાટકી કંઠ્ય સંગીત ઉપરાંત વીણાવાદનના પણ માહેર હતા.

થોડોક સમય તિરુત્તણી ખાતે નિવાસ અને અધ્યયન કર્યા પછી તેઓ કાંચીપુરમ્ ગયા, જ્યાં તેમણે ચાર વર્ષ સુધી તત્વચિંતનનો અભ્યાસ કર્યો. તે જ અરસામાં તેમણે સંત બ્રહ્મેન્દ્રરચિત ‘રામાષ્ટપદિ’ કૃતિને સંગીતબદ્ધ કરવાનું ઐતિહાસિક કાર્ય કર્યું.

પોતાના જન્મસ્થાન તિરુવારૂર ખાતે તેમણે ગુરુકુલની સ્થાપના કરી. ત્યાં તેમણે તેમના શિષ્યોને સંગીતનું શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો. આવા શિષ્યોમાં તેમના બે નાના ભાઈઓ પણ હતા, જે ઉચ્ચકોટિના ગાયકો તરીકે ખ્યાતિ પામ્યા. આ જ સ્થળે દીક્ષિતારે તેમની જાણીતી બનેલી રચનાઓનું સ્વરનિયોજન કર્યું હતું. આમાંની મોટા ભાગની કૃતિઓમાં ભગવાન ત્યાગરાજ, દેવી કમલામ્બા તથા અન્ય દેવીદેવતાઓની સ્તુતિ છે, જેમની તિરુવારૂરની આજુબાજુનાં ગામનાં મંદિરોમાં પ્રતિસ્થાપના કરવામાં આવી છે. તેમણે રચેલી કુલ કૃતિઓમાં આઠ કૃતિઓ ભગવાન ત્યાગરાજ પ્રત્યેની ભક્તિભાવના વ્યક્ત કરે છે. દેવી કમલામ્બા પર(‘કમલામ્બાનવાવરણ’)ની અગિયાર કૃતિઓમાં પણ ભક્તિભાવનાનું વર્ણન છે.

વર્ષ 1817માં પિતાના અવસાન બાદ મુત્તુસ્વામી તંજાવૂર જતા રહ્યા જ્યાં તેમણે સંગીતનું અધ્યાપન ચાલુ રાખ્યું હતું. એટ્ટયાપુરમના રાજાએ એક વાર તેમનું જાહેર સન્માન કર્યું હતું.

કર્ણાટકી સંગીતમાં રસ ધરાવતી ભાવી પેઢી માટે તેઓ તે પ્રકારના સંગીતનો સમૃદ્ધ વારસો તેમની પાછળ મૂકતા ગયા છે. આ બધી સ્વરરચનાઓમાં તેમણે જે રાગરાગણીઓનો આવિષ્કાર કર્યો છે તે વિશિષ્ટ કર્ણાટકી રાગરાગણીઓ તેમની દરેક કૃતિ કે સ્વરરચનામાં પૂર્ણ કલાએ વિકાસ પામી છે અને તેથી તે અલૌકિક અને પરિશુદ્ધ આલાપ-પદ્ધતિઓની અનુભૂતિ કરાવે છે. તદુપરાંત તેમણે તેમની કૃતિઓમાં વીણાવાદનનો જે રીતે ઉપયોગ કર્યો છે તે પણ અદભુત છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે