દિવાકર, નામપલ્લી (જ. 28 નવેમ્બર 1943) : રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન(ડી.આર.ડી.ઓ.)ના એક ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક.

નામપલ્લી દિવાકરનું શૈક્ષણિક જીવન ઉત્કૃષ્ટ રહ્યું છે. તેઓએ ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બૅંગાલુરુથી ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયરિંગમાં વિશેષ યોગ્યતા સાથે સ્નાતકોત્તર પદવી પ્રાપ્ત કર્યા પછી 1967માં રક્ષા ઇલેક્ટ્રૉનિક્સ અનુસંધાન પ્રયોગશાળા માટે અત્યાધુનિક એકીકૃત તેમજ સંશ્લિષ્ટ ઇલેક્ટ્રૉનિક વૉરફેર પ્રણાલીઓ વિકસિત કરી. તેઓએ વૈશ્વિક સ્તરના ઇલેક્ટ્રૉનિક વૉરફેર સિસ્ટમ્સના નિર્માણ તેમજ દેશીકરણના ઉદ્દેશ્યથી સંઘટકો તેમજ ઉપ-પ્રણાલીઓનો પ્રૌદ્યોગિકીય વિકાસ કરવામાં અત્યધિક યોગદાન કર્યું છે. ડી.આર.ડી.ઓ., સશસ્ત્ર સેનાઓ, ઉદ્યોગ તથા શિક્ષણજગતમાં તેઓને એક એવી પ્રમુખ હસ્તીના રૂપમાં ઓળખવામાં આવે છે જેમણે ઇલેક્ટૉનિક વૉરફેરના ક્ષેત્રમાં સ્વાવલંબન સુનિશ્ચિત કર્યું છે. તેઓએ અનેક લેખ, સંશોધનપત્રો તેમજ ક્લાસિફાઇડ રિપોર્ટ લખ્યાં છે. તેઓ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ટેલિકૉમ્યુનિકેશન એન્જિનિયર્સ, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ (ઇન્ડિયા) તથા આંધ્રપ્રદેશ વિજ્ઞાન  અકાદમીના ફેલો છે. તેઓ ઈ.સી.આઈ.એલ. તથા વી.ઈ.એલ.ના નિર્દેશક મંડળમાં રહ્યા છે.

તેઓ સાડાત્રણ દાયકાની અનુકરણીય સેવા પછી 30 નવેમ્બર, 2003માં ડી.આર.ડી.ઓ.માંથી નિવૃત્ત થયા. હાલમાં તેઓ ડી.આર.ડી.ઓ.માં અવૈતનિક વૈજ્ઞાનિકના રૂપમાં કાર્યરત છે. તથા પોતાનાં સંશોધનો અને વિકાસ સંબંધી ક્રિયાઓ ચાલુ રાખી છે.

તેઓને રડાર વિજ્ઞાન અને સૂક્ષ્મતરંગ પ્રણાલીઓના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે વર્ષ 1998–99નો આઈ.ઈ.ટી.ઈ.— આઈ.આર.એસ.આઈ. પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તેઓને અન્ય અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં ઇલેક્ટ્રૉનિક વૉરફેર સિસ્ટમ ઇન્ટિગ્રેશનમાં તેમના કાર્ય માટે તેમને પ્રદત્ત વર્ષ 2000નો ડી.આર.ડી.ઓ.નો પ્રતિષ્ઠિત ‘સાયન્ટિસ્ટ ઑવ્ ધ યર ઍવૉર્ડ’ સામેલ છે. તેમને ઇલેક્ટ્રૉનિક વૉરફેર કાર્યક્રમ સંગ્રહ માટે વર્ષ 2002ના ડી.આર.ડી.ઓ. પર્ફૉર્મન્સ એક્સેલન્સ ઍવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 2004માં ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.

પૂરવી ઝવેરી