દિગંબર કવિતા : આધુનિક ક્રાંતિકારી તેલુગુ કવિતા. પૂર્વનિશ્ચિત જીવનમૂલ્યોનો અસ્વીકાર કરીને સમગ્ર પ્રાચીનતાને ફગાવીને, નવા જીવનબોધનું મૂલ્યાંકન, દિગંબરપણે કશાય મુખવટા સિવાય કરવાના આશયથી આંધ્રના કેટલાક કવિઓએ દિગંબર પંથની સ્થાપના કરી. એ કવિઓમાં મુખ્ય હતા નગ્નમુનિ નિખિલેશ્વર, જ્વાલામુખી, ચેરખંડ રાજુ, ભૈરવપ્પા તથા મહાસ્વપ્ન. એમણે એમના નામથી નવો સંવત્સર ચલાવ્યો. ઋતુઓ અને છ વારોનાં નામ અનુક્રમે આ પ્રમાણે રાખ્યાં છે. આશા, તપવું, અશ્રુ, મદિરા, વિરહ તથા વિષાદ. સ્નેહ, વિશૃંખલ, ક્રાન્તિ, સૃજન, વિકાસ તથા અનંત. એમણે એમની કવિતાને દિક્ નામ આપ્યું છે. એ દિગંબર સંઘના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા હતા અનુક્રમે 1965, 1966 તથા 1968માં.1970માં દિગંબર પેઢીનું પ્રાય: વિઘટન થયું. 1970 પછી દિગંબર કવિઓએ, વિરસન (વિપ્લવી) કવિઓનો સંઘ સ્થાપ્યો.
દિગંબર કવિઓમાં શ્રી શ્રીને એમના કાવ્યસંગ્રહ ‘શ્રી શ્રી સાહિત્ય’ માટે 1972નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.
આ કવિઓ વર્તમાનની કટુ આલોચના કરે છે. એમણે ઘોષણા કરી છે કે કશા પણ મુખવટા વિના દિગંબર થઈને પોતાની જાતને જોવી જોઈએ અને પરિસ્થિતિ પલટાવવી જોઈએ. એમણે એમના એક કાવ્યસંગ્રહનું ઉદઘાટન 1969માં જાહેર ઉદ્યાનમાં એક વેશ્યાને હાથે કરાવ્યું હતું. આ કવિઓમાં શ્રી શ્રીએ એમની કવિતા દ્વારા સાંપ્રત કવિઓમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. દિગંબર કવિતા એ તેલુગુ નવકવિઓનું ક્રાન્તિકારી આંદોલન હતું.
ચન્દ્રકાન્ત મહેતા