દાસ, (પંડિત) ગોપબંધુ (જ. 9 ઓક્ટોબર 1877, કટક; અ. 16 જૂન 1928, કટક) : ઊડિયા લેખક. પ્રાથમિકથી માંડીને ઉચ્ચશિક્ષણ કટકમાં લીધું. એમણે બકુલ વનવિદ્યાલય નામની શિક્ષણ-સંસ્થા સ્થાપી. તેમાં રાષ્ટ્રીય શિક્ષણનો અભિનવ પ્રયોગ થયો હતો. ચંપારણમાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો ત્યારથી એ ગાંધીજી જોડે જોડાયા અને બકુલ વનવિદ્યાલયને રાષ્ટ્રીય વિદ્યાલય બનાવ્યું. એમણે ઉત્કલમાં રાષ્ટ્રોત્થાનના કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું અને પોતાનો બધો સમય રચનાત્મક કાર્યક્રમ અને રાજકીય આંદોલનોમાં સમર્પ્યો. સત્યાગ્રહ વખતે બંદીવાસમાં એમણે 1923–24 દરમિયાન હજારીબાગ જેલમાં ‘કારા કવિતા’ (1923), તથા ‘બંદીર આત્મકથા’ (1924) લખ્યાં. ‘અવકાશ ચિંતા’ (1899) ઊર્મિકાવ્યોનો સંગ્રહ છે. તેમાં આદર્શવાદી રાષ્ટ્રપ્રેમ છે.
મનુષ્ય અને પ્રકૃતિના પ્રગાઢ અનુબંધનું નિરૂપણ ‘કથયોદિ તીરે ચંદલોડ નિશિતા’ કાવ્યમાં થયેલું છે. એમની કવિતામાં જ્વલંત રાષ્ટ્રપ્રેમ તથા રાષ્ટ્રને માટે બલિદાન આપવા પ્રેરે તેવાં વીરરસનાં કાવ્યો છે. એમના બે અન્ય કાવ્યસંગ્રહો ‘ધર્મપદ’ (1925) તથા ‘ગોમાહાત્મ્ય’ (1925) પણ ભારતભક્તિ, તથા ઈશ્વરભક્તિના કાવ્યસંગ્રહો છે. એમણે કઠોપનિષદનું ઓરિસામાં ‘નચિકેતા ઉપાખ્યાન’ શીર્ષક આપી ભાષાંતર કરેલું છે. એમણે ‘સમાજપત્રિકા’ નામની સાપ્તાહિક પત્રિકાનું તંત્રીપદ સંભાળેલું. તેમાં વિવિધ વિષયો પર એ લખતા.
ચન્દ્રકાન્ત મહેતા