દાસ, ગોકુલચંદ્ર

August, 2025

દાસ, ગોકુલચંદ્ર (જ. 3 ફેબ્રુઆરી 1967, મસલંદપુર, પ. બંગાળ) : પશ્ચિમ બંગાળના પર્ક્યુશનિસ્ટ કલાકાર જે પરંપરાગત બંગાળી ઢોલ, ઢાક વગાડવામાં તેમની કુશળતા માટે જાણીતા છે.

પરંપરાગત ઢોલવાદકોના પરિવારમાંથી આવતા દાસે માત્ર ચાર વર્ષની નાની ઉંમરે ઢાક વગાડતાં શીખવાનું શરૂ કર્યું હતું. શાસ્ત્રીય લયને અને લોકપરંપરાને મિશ્રિત કરીને તેમણે એક વિશિષ્ટ શૈલી વિકસાવી હતી. 1985માં તેમણે માધ્યમિક પરીક્ષા પાસ કરી હતી. કૌટુંબિક જવાબદારીઓના કારણે તેમણે અભ્યાસના બદલે ઢાક વગાડવા પર ધ્યાન કેન્દ્રિત કરેલ. આ સફરમાં તેમને ઘણા અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. આરંભમાં દાસે વિવિધ તાલ જે સામાન્ય રીતે તબલાં, પખાવજ, ઢોલમાં વગાડવામાં આવે છે તેને વગાડવાનું શરૂ કર્યું. તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત અને પશ્ચિમી સંગીત બંને સાથે વગાડી શકે છે. તેઓ ભારત સહિત સમગ્ર વિશ્વમાં મહિલાઓને ઢાકનો પરિચય કરાવનારા ભારતના પ્રથમ વ્યક્તિ છે. દાસના પ્રયત્નોથી ઘણી પરિણીત, અપરિણીત અને વિધવા મહિલાઓ ઢાક વગાડીને આજીવિકા કમાઈને સ્વનિર્ભર બની છે.

ગોકુલચંદ્ર દાસ

દાસે ઉસ્તાદ ઝાકિર હુસેન, ઉસ્તાદ અમજદ અલી ખાન, પંડિત રવિશંકર, પંડિત તન્મય બોઝ, પંડિત ઘોષ, શાંતનુ મૈત્રા, અનુષ્કા શંકર, સુશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ, ડૉ. એલ. સુબ્રમણ્યમ, ઉસ્તાદ તૌફિક કુરેશી, નવીન શામ અને અન્ય ઘણા દિગ્ગજો સાથે ભારત તથા યુ.કે., યુ.એસ.એ., નૉર્વે, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને અન્ય ઘણા દેશોમાં તેમના સંગીતની પ્રસ્તુતિ કરી છે. તેમણે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય(સી.એસ.ટી.)માંથી સિનિયર ફેલોશિપ પૂર્ણ કરી છે. તેઓ રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીમાં પાર્ટટાઇમ પરીક્ષક છે. 3 માર્ચ, 2013ના રોજ તેમણે પ્રખ્યાત સંસ્થા ‘મસલંદપુર મોતીલાલ ઢાકી.કોમ’ની સ્થાપના કરી છે.

દાસને ઘણાં સન્માન અને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને 1987માં તબલામાં ‘સિનિયર ડિપ્લોમા’, 1991માં શાસ્ત્રીય ગાયનમાં ‘સિનિયર ડિપ્લોમા’ અને 1992માં ‘સંગીત વિશારદ’નો ઍવૉર્ડ મળ્યો હતો. 2004માં તેમને વિશ્વના ‘ઢાકી સમ્રાટ’નું માનવંતું સન્માન મળેલ છે. વૈશ્વિક સ્તરે આ કલા સ્વરૂપને લોકપ્રિય બનાવવા માટે 2025માં તેમને મળેલ પદ્મશ્રી પુરસ્કાર ભારતના સાંસ્કૃતિક પરિદૃશ્યમાં પાયાના કલાકારોની ભૂમિકાને બિરદાવે છે.

હિના શુક્લ