દાસ કૅપિટલ : સમાજવાદ તથા સામ્યવાદની વૈજ્ઞાનિક ભૂમિકા રૂપે મૂડીવાદી પ્રથાનું વિશ્લેષણ કરતો વિશ્વવિખ્યાત ગ્રંથ. સામ્યવાદના પ્રણેતા અને સમાજશાસ્ત્રી કાર્લ માર્ક્સ(1818–83)ના ગ્રંથોમાં તે સર્વશ્રેષ્ઠ ગણાય છે. ત્રણ ખંડોમાં જર્મન ભાષામાં પ્રકાશિત થયેલી આ મહાન કૃતિના પ્રથમ ખંડની પ્રથમ આવૃત્તિ બર્લિનમાં 1867માં પ્રકાશિત થઈ હતી. તેનો બીજો અને ત્રીજો ખંડ અનુક્રમે 1885 અને 1894માં પ્રકાશિત થયા હતા. આ બંને ખંડોનું સંપાદન વિખ્યાત સમાજશાસ્ત્રી અને ક્રાંતિકારી વિચારક ફ્રેડરિક એન્જલ્સે (1820–1895) કર્યું હતું. ગ્રંથના ત્રણે ખંડોનું અંગ્રેજી ભાષાંતર અનુક્રમે 1886, 1907 અને 1909માં પ્રકાશિત થયું હતું.
સતત ત્રીસ વર્ષના અભ્યાસ અને ચિંતનના પરિપાક રૂપે તૈયાર થયેલા આ ગ્રંથ દ્વારા કાર્લ માર્કસે મુક્ત અર્થતંત્રના વિચાર પર આધારિત મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં રહેલાં આંતરવિરોધી લક્ષણો પર પ્રકાશ પાડ્યો હતો અને આગાહી કરી હતી કે તેનાં આંતરવિરોધી લક્ષણોને પરિણામે મૂડીવાદનો વિનાશ થશે અને તેની જગ્યાએ શરૂઆતમાં સમાજવાદી સમાજરચના પર આધારિત અર્થવ્યવસ્થાનો ઉદય થશે અને અંતે સામ્યવાદની સ્થાપના થશે. વિખ્યાત જર્મન તત્વચિંતક હેગલ(1770–1831)ના દ્વંદ્વાત્મક ભૌતિકવાદના સિદ્ધાંતનો આધાર લઈ માર્કસે પુરવાર કર્યું હતું કે મૂડીવાદ એ સામાજિક-આર્થિક ઉત્ક્રાંતિનો માત્ર એક તબક્કો છે, જે તે પહેલાંની સામંતશાહી પર આધારિત અર્થવ્યવસ્થા કરતાં ચઢિયાતો અને પ્રગતિશીલ સાબિત થયો છે.
માર્કસના મંતવ્ય મુજબ જેમ સામંતશાહીનો નાશ થયો છે તેમ જ ખાનગી મિલકત અને નફા પર આધારિત મૂડીવાદનો પણ નાશ થશે અને તે માટે તીવ્ર શોષણ તથા અસમાનતાને કારણે પીડાયેલા અને કંગાલિયતભર્યું જીવન ગુજારતા શ્રમજીવી વર્ગની સશસ્ત્ર ક્રાંતિ જવાબદાર ઠરશે.
આંતરરાષ્ટ્રીય શ્રમજીવી વર્ગના સંગઠન ‘ઇન્ટરનેશનલ વર્કિંગ મૅન્સ ઍસોસિયેશન’ તરફથી આ ગ્રંથને વિશ્વના શ્રમજીવી વર્ગનો પવિત્ર ગ્રંથ ગણાવાયો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે