દાસગુપ્તા, કમલ

January, 2026

દાસગુપ્તા, કમલ (જ. 28 જુલાઈ 1912, બાંગ્લાદેશ; અ. 20 જુલાઈ 1974, ઢાકા) : બંગાળી અને હિન્દી સિનેમાના લોકલાડીલા સંગીતસર્જક.

કમલ દાસગુપ્તા

મૂળ નામ કમલપ્રસન્ન દાસગુપ્તા. જન્મ વૈદ્ય બ્રાહ્મણ કુટુંબમાં. પિતાનું નામ તારાપ્રસન્ન દાસગુપ્તા અને માતાનું નામ કામિનીરંજન દાસગુપ્તા. માતા-પિતા શાસ્ત્રીય સંગીતમાં કુશળ હતા. કમલદાસ તેમના નાના ભાઈ શુબલ સાથે રેડિયોમાં ચાંદ-સૂરજ નામે કવ્વાલી ગાતા. ઘરના સંગીતમય વાતાવરણમાં ઊછરેલા કમલ દાસગુપ્તાએ 1928માં કૉલકાતા અકાદમીમાંથી મૅટ્રિક કર્યું અને પછીથી કોમિલા વિક્ટોરિયા કૉલેજમાંથી બી.કૉમ.ની પરીક્ષા પાસ કરી. મીરાંબાઈ ઉપર સંશોધન કરીને તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1943માં સંગીતમાં  ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. કમલદાસનો પ્રથમ પ્રેરણાસ્રોત તેમના પિતા રહ્યા અને પહેલા ગુરુ ભાઈ બિમલ દાસગુપ્તા રહ્યા. પછીથી દિલીપકુમાર રૉય, કાના કેસ્ટો અને ઠૂમરીના ઉસ્તાદ ઝમીરુદ્દીન ખાન પાસેથી સંગીતની તાલીમ લીધી. દાસગુપ્તાએ બંગાળી, ઉર્દૂ, તમિળ અને હિન્દીમાં આધુનિક ગીતો ગાયાં. તેમણે લગભગ 8000 જેટલાં ગીતોમાં સંગીત આપ્યું. દાસગુપ્તાના સંગીતમાં શાસ્ત્રીય સંગીતની સાથે ઉપશાસ્ત્રીય સંગીતના ઠૂમરી પ્રકારના સંગીત તરફ ઝોક વધુ જોઈ શકાય છે. તેમણે લગભગ 80 બંગાળી ફિલ્મો માટે સંગીતસર્જન કર્યું – જેમાં પંડિત મોશાય (1936), ભગવાન શ્રીકૃષ્ણ ચૈતન્ય, માલનચા (1953), બોધુબરન (1967) વગેરે. બંગાળી ભાષાનાં ઉલ્લેખનીય ગીતોમાં ‘સાંજેર તારાક અમી’, ‘પૃથ્વી અમારે ચાય’ ગણી શકાય, જે ખૂબ લોકપ્રિય થયાં. તેમણે ‘વૉર પ્રોપેગેન્ડા’ નામની અમેરિકન ફિલ્મમાં પાર્શ્વસંગીત આપ્યું. સંગીતસર્જક તરીકે તેઓ ચૌદ વર્ષ સુધી ખૂબ સક્રિય રહ્યા. તેમણે સ્વરલિપિ (Notation) માટે શૉર્ટહૅન્ડ પદ્ધતિની શોધ કરી, જે તેમનું અભૂતપૂર્વ યોગદાન ગણી શકાય. ભૈરવી તેમનો પ્રિય રાગ હતો. શાસ્ત્રીય રાગો આધારિત તેમણે સુંદર ગીતો વિવિધ શૈલીમાં તૈયાર કર્યાં. 1935માં તેઓ ગ્રામોફોન કંપની ઑફ ઇન્ડિયામાં સંગીતકાર તરીકે જોડાયા. આ દરમિયાન કાઝી નઝરુલ ઇસ્લામના ગાઢ સંપર્કમાં આવ્યા અને તેમની 400 રચનાઓનું સંગીત તૈયાર કર્યું. તેમનાં જાણીતાં હિંદી ગીતોમાં ‘તસવીર તેરી દિલ મેરા’, ‘તુમ ભૂલાયે ન ગયે’ વગેરે હતાં. તેમણે ઘણા નવા ગાયકોને તૈયાર કર્યા, જેમાં ખાસ તો તલત મહેમૂદ, હેમંતકુમાર, કાનનદેવી, જુથિકા રૉય પ્રસિદ્ધિ પામ્યાં. કાનનદેવીએ ગાયેલું ગીત ‘દુનિયા યે દુનિયા તુફાન મેલ’ લોકપ્રિય થયું હતું. તે સમયનાં કૉંગ્રેસ નેતા સરોજિની નાયડુએ દાસગુપ્તાએ તૈયાર કરેલી કર્ણપ્રિય રચના ‘કદમ કદમ બઢાયે જા’ ખૂબ વખાણેલી. આ જ ગીત સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજનું માર્ચ ગીત બન્યું. દાસગુપ્તાની જાણીતી હિંદી ફિલ્મોમાં ‘જવાબ’ (1942), ‘હૉસ્પિટલ’ (1943), ‘અરેબિયન નાઇટ્સ’ (1946), ‘બિંદીયા’ (1946) વગેરે હતી. સ્વતંત્ર બાંગ્લાદેશની સરકારે તેમને બાંગ્લાદેશનું નાગરિકત્વ આપ્યું હતું.

બીજલ બુટાલા