દારૂબંધી : ભારતમાં કાયદા દ્વારા દારૂના સેવન પર મુકાતો પ્રતિબંધ. નશાખોરી કોઈ પણ સમાજમાં સદગુણ ગણાતો નથી. દારૂનું વધારે પડતું સેવન અનેક અનિષ્ટોને જન્મ આપે છે. તેનાથી મનુષ્યની શારીરિક અને માનસિક શક્તિઓ ક્ષીણ થાય છે. તે રોગોમાં સપડાય છે. દારૂની ટેવ પડી જવાથી તે સંતોષવા આર્થિક રીતે નુકસાન વેઠીને પણ માણસ દારૂનું સેવન ચાલુ રાખે છે જેને લીધે તેનું કુટુંબ પણ બરબાદ થાય છે.
દારૂના અનિષ્ટને અટકાવવા દારૂબંધીનો કાયદો ઘડવામાં આવ્યો છે. ભારતના સંવિધાનમાં રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલમ 47 હેઠળ દારૂબંધીનું સમર્થન કરતી જોગવાઈ છે.
‘જાહેર તંદુરસ્તી’ અંગે બંધારણે રાજ્યોને આપેલી સત્તાને આધારે રાજ્યની ધારાસભા દારૂબંધીને લગતો કાયદો કરવા સક્ષમ છે એમ સર્વોચ્ચ ન્યાયાલયે તેના એક ચુકાદામાં જણાવ્યું છે. આવો કાયદો કરવાથી વિદેશી દારૂની આયાતને અસર પહોંચતી હોય, તોપણ એવો કાયદો કરવાનો રાજ્યને અધિકાર છે.
આ કલમ હેઠળની જોગવાઈને લક્ષમાં રાખીને કરવામાં આવેલો કોઈ કાયદો કલમ 19 (1) (6) હેઠળના મિલકત ધરાવવાના અધિકાર પર અંકુશ મૂકતો હોય તોપણ તે અંકુશ વાજબી ગણાય એવો સ્પષ્ટ અભિપ્રાય સર્વોચ્ચ ન્યાયાલયે વ્યક્ત કર્યો છે.
26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતીય સંવિધાનનો અમલ શરૂ થયો, તેની અગાઉ મુંબઈ રાજ્યમાં બૉમ્બે પ્રોહિબિશન ઍક્ટ, 1949 ઘડવામાં આવ્યો હતો. અન્ય રાજ્યોમાં પણ દારૂબંધી અંગેના કાયદા હતા અને ઘણાં રાજ્યોમાં તે પછી દારૂબંધીને લગતા કાયદા કરવામાં આવ્યા છે.
યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ દારૂબંધી દાખલ કરવામાં આવી હતી, પણ તેના અમલમાં ઘણી વ્યવહારુ મુશ્કેલીઓનો અનુભવ થયો, તેથી ત્યાં દારૂબંધીના કાયદા પડતા મૂકવામાં આવ્યા હતા.
ભારતમાં બધા ધર્મો અને બધા સંપ્રદાયો દારૂના સેવનનો નિષેધ કરે છે અને મનુષ્યને નીતિમય માર્ગે નિર્વ્યસની જીવન જીવવાનો અનુરોધ કરે છે. નશાખોર વ્યક્તિઓની સમાજમાં પણ પ્રતિષ્ઠા હોતી નથી. નશાખોરીથી મનુષ્યના સ્વાસ્થ્યને વિપરીત અસર થાય છે અને લાંબે ગાળે તેને શારીરિક નુકસાન થાય છે. શ્રમજીવી વર્ગ માટે દારૂની બદીથી શારીરિક ઉપરાંત આર્થિક નુકસાન થતું હોઈ, તેમના કૌટુંબિક જીવનને પણ તે વિપરીત અસર કરે છે. દારૂની બદીથી અનેક પરિવારો પાયમાલ થયા છે અને પછી આવનાર પેઢી પણ દુ:ખી થાય છે.
નશાખોરીને ડામવા માટે રાજ્ય દારૂબંધીના કાયદા કરે છે, જે સમાજકલ્યાણ માટે જરૂરી હોય છે; છતાં અમુક ત્રુટિઓને કારણે આ કાયદાનો બરાબર અમલ થઈ શકતો નથી. પરિણામે ગેરકાયદે દારૂ ગાળવાનો અને તે વેચવાનો ધંધો દારૂબંધીવાળાં રાજ્યોમાં છાનોછપનો પણ મોટે પાયે ચાલે છે. આને કારણે દારૂબંધીના અમલ અંગેના તંત્રમાં વ્યાપક રીતે ભ્રષ્ટાચાર થાય છે.
આ ગેરકાયદે દારૂ ગાળવાનું કામ છાનુંછપનું હોવાથી તેના પર આરોગ્ય અંગેનાં કોઈ ધારાધોરણો કે નીતિનિયમો લાગુ પાડી શકાતાં નથી. પરિણામે ગમે તેવા પદાર્થોનો ઉપયોગ કરી દારૂ ગાળવામાં આવતો હોવાથી, તે સ્વાસ્થ્યને હાનિકારક બને છે. આવો દારૂ ઘણી વાર ઝેરી બની જાય છે; તેને લઠ્ઠો કહેવામાં આવે છે. જેને લીધે મોટે પાયે હોનારત સર્જાય છે, ઘણા હંમેશ માટે આંખોની રોશની ખોઈ બેસે છે. આવો ભોગ બનનારાઓમાં ઘણુંખરું ગરીબ, શ્રમજીવી વર્ગના માણસો જ હોય છે. આવી હોનારત અંગે સરકારી રાહે તપાસ થાય છે, થોડો સમય વર્તમાનપત્રોમાં ઊહાપોહ પણ થાય છે અને તેનો ભોગ બનનારને સરકાર તરફથી વળતર પણ આપવામાં આવે છે. સરકારી કાયદાનો ભંગ કરનારને સરકાર તરફથી જ વળતર અપાય એ એક વિચિત્રતા છે.
આથી દારૂબંધીના પ્રશ્ને મહત્વનો મુદ્દો તે કાયદાના ચુસ્ત પાલન અંગેનો છે જેથી સમાજનું સ્વાસ્થ્ય સુધરે, દારૂડિયાઓના પરિવારોની આર્થિક સ્થિતિ સુધરે, ભ્રષ્ટાચાર દૂર થાય, ગુનેગારી ઘટે, ગરીબ શ્રમજીવી વર્ગ લઠ્ઠાકાંડનો ભોગ બનતો અટકે, સમાજને થતું નુકસાન દૂર થાય અને એકંદરે સમાજની આર્થિક અને સામાજિક સુખાકારીમાં વધારો થાય.
દારૂબંધીના કાયદાને કારણે, દારૂના વેપારમાંથી સરકારને થતી આવક ગુમાવવી પડે છે અને તેના અમલ માટે વધારે ખર્ચ કરવો પડે છે.
ઘણી રાજ્ય સરકારોએ દારૂબંધીના અમલમાં રહેલી વ્યવહારુ મુશ્કેલીઓને કારણે, તેમની દારૂબંધીની નીતિ હળવી બનાવી છે, કેટલેક ઠેકાણે માત્ર પરમિટ ધરાવતાં સ્થળોએ જ દારૂ વેચી શકાય છે. કેટલાંક રાજ્યોએ દારૂબંધીની નીતિ પડતી મૂકી છે.
કોઈ પણ સામાજિક સુધારો માત્ર કાયદા કરવાથી થઈ શકતો નથી. તેને માટે લોકમત જાગ્રત કરવા માટે, લોકશિક્ષણની ઝુંબેશ ચલાવી તેને માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું પડે છે અને ત્યારે જ તે કાયદાનો અમલ સરળ બને છે.
1996માં ભારતમાં થયેલ સામાન્ય ચૂંટણી પછી આંધ્ર અને હરિયાણામાં સત્તા પર આવેલી સરકારોએ સંપૂર્ણ દારૂબંધી દાખલ કરવાની જાહેરાત કરી હતી. જોકે, આર્થિક કારણ આગળ ધરી આંધ્ર પ્રદેશ સરકારે મે, 1997થી દારૂબંધી હળવી કરી છે.
ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમમાં દારૂબંધીને મહત્વનું સ્થાન આપેલું. તેમનાં આંદોલન દરમિયાન દારૂની બદી અંગે સમાજમાં વ્યાપક પ્રચાર કરવામાં આવતો. મહિલાઓ મોટી સંખ્યામાં દારૂનાં પીઠાં પર પિકેટિંગ કરવા જતી. ગાંધીજીની વિચારસરણીની અસરને કારણે ગુજરાત રાજ્યમાં દારૂબંધી દાખલ કરાઈ છે અને તે નાબૂદ કરવાની કે હળવી બનાવવાની પ્રસંગોપાત્ત, વાત થતી હોવા છતાં ગુજરાત રાજ્યમાં દારૂબંધીની નીતિ ચાલુ રહી છે.
હ. છ. ધોળકિયા