દાબવિકૃતિ

March, 2016

દાબવિકૃતિ : ખડકવિકૃતિનો એક પ્રકાર. તેમાં દાબ એક મુખ્ય પરિબળ તરીકે કાર્ય કરે છે. દાબવિકૃતિમાં તાપમાનનો વધારો બિનગણનાપાત્ર હોય છે. આ પ્રકારની ખડકવિકૃતિમાં મુખ્ય પરિબળ તરીકે કામ કરતું દાબનું પરિબળ ભૂસંચલનક્રિયાઓ સાથે સંકળાયેલું હોય છે, પરિણામે દાબવિકૃતિ ધસારા સપાટીઓ તેમજ વિરૂપક વિભાગો પર ઉદભવે છે. આ વિકૃતિપ્રકાર સંસર્ગ-વિકૃતિ-વલયના વિક્ષેપિત વિસ્તારોમાં તેમજ પ્રાદેશિક વિકૃતિની અસર હેઠળ આવેલા વિસ્તારોમાં પણ ઉદભવી શકે છે. દાબવિકૃતિ માટે સ્તરભંગવિકૃતિ કે ચૂર્ણક્રિયાવિકૃતિ (cataclastic metamorphism) જેવા શબ્દ પણ ઉપયોગમાં લેવાય છે.

દાબવિકૃતિ દરમિયાન નીચા પ્રાદેશિક તાપમાન અને દાબની અસરને કારણે ખડકજથ્થાની ભૌતિક ચૂર્ણક્રિયા બને છે. આ પ્રકારની સામાન્ય વિભંજન(ચૂર્ણ)ક્રિયાથી બ્રેક્સિયા પ્રકારનો ખડક અસ્તિત્વમાં આવે છે, પરંતુ કેટલીક વખતે દાબની ઉગ્ર અસરને કારણે સૂક્ષ્મ બ્રેક્સિયા (micro breccia) ખડક પણ બને છે.

દાબવિકૃતિ દરમિયાન પ્રતિકાર કરી શકતાં ખનિજો પર ચૂર્ણક્રિયાની અસર થતી નથી. આથી દાબવિકૃતિની ચૂર્ણક્રિયા દરમિયાન ઉદભવેલા ખડકોમાં જોવા મળતાં ર્દઢ ખનિજો ‘પોર્ફિરોક્લાસ્ટ’ તરીકે ઓળખાય છે. આવાં પોર્ફિરોક્લાસ્ટ ખનિજો જ્યારે ચૂર્ણદ્રવ્યમાં જડાયેલાં હોય ત્યારે તૈયાર થતી સંરચના ‘પોર્ફિરોકલાસ્ટિક સંરચના’ કહેવાય છે. આ ઉપરાંત, દાબવિકૃતિ દરમિયાન અલ્ટ્રામાયલોનાઇટ, સ્યૂડો ટેકીલાઇટ અથવા ફિલન્ટયુક્ત ચૂર્ણક્રિયા પામેલા ખડકપ્રકારો પણ ઉદભવે છે. દાબવિકૃતિ દરમિયાન પુન:સ્ફટિકીકરણ ખૂબ જ પ્રમાણમાં મર્યાદિત હોય છે, પરિણામે ક્વૉર્ટ્ઝ અને કૅલ્શાઇટ જેવાં ખનિજોની સ્ફટિકીકરણક્રિયા બની શકે છે. વળી આ પ્રકારની વિકૃતિને કારણે ઉત્પન્ન થતા ખડકોમાં  ક્લોરાઇટ અને સેરિસાઇટ ખનિજોના તાંતણા જોવા મળે છે.

ગ્રૅનાઇટ અથવા નાઇસ પ્રકારના ખડકો જ્યારે દાબવિકૃતિની અસર હેઠળ આવે છે ત્યારે તે ખડકો ‘ફ્લેસર નાઇસ’માં પરિવર્તન પામે છે. ફ્લેસર નાઇસમાં સરળતાથી વિરૂપતા પામતાં ક્વૉટર્ઝ અને અબરખ જેવાં ખનિજો નાના કદનાં બની રહે છે અને તે ફેલ્સ્પાર તેમજ અન્ય ર્દઢ ખનિજોના મહાસ્ફટિકોની આજુબાજુ ગોઠવાઈ જાય છે. દાબવિકૃતિને કારણે કેટાક્લાસ્ટિક ઑગેન નાઇસ અને માયલોનાઇટ નાઇસ જેવા ખડકો અસ્તિત્વમાં આવે છે.

ક્લોરાઇટ, સેરિસાઇટ અને મસ્કોવાઇટ ખનિજો એ ફેલ્સ્પાર, બાયૉટાઇટ, ગાર્નેટ, એમ્ફિબોલ વગેરે ખનિજોમાંથી દાબવિકૃતિ દરમિયાન નીચા તાપમાને ઉદભવતી પેદાશો છે. આ પ્રકારનાં ખનિજોવાળા ખડકોનો ગ્રીન શિસ્ટ કક્ષાના પ્રકારમાં સમાવેશ થાય છે. આ પ્રકારની વિકૃતિ દરમિયાન ભાગ્યે જ બીજા વિકૃતિપ્રકારો ઉદભવે છે.

દાબવિકૃતિથી ઉદભવેલા ખડકોમાં રહેલાં ખનિજોમાં કેટલીક વખતે વાદળવત્ વિલોપ (undulose extinction), કૅલ્શાઇટ અને ફેલ્સ્પારમાં પરિણમતી યુગ્મતા, ગાર્નેટ જેવા ખનિજમાં અસાવર્તિકતા અને એકાક્ષી ખનિજોમાં દ્વિઅક્ષી ખનિજનાં લક્ષણો જેવી પ્રકાશીય અસ્વાભાવિકતાઓ જોવા મળે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે