દાણાના ફૂગજન્ય રોગો : ફૂગને લીધે ધાન્ય પાકોમાં થતા રોગો. આ ફૂગો ડાંગર, બાજરી, ઘઉં જેવા પાકના દાણા પર પરોપજીવી જીવન ગુજારતી હોય છે.
1. દાણાની ફૂગ : આ ફૂગ દાણા ઉપર પરિપક્વ થતી અવસ્થા દરમિયાન તેમજ કાપણી બાદ દાણા ઉપર વધે છે. પરિણામે દાણાની ગુણવત્તા ઘટે છે. કેટલીક તો બીજમાં ઝેરનો ફેલાવો કરે છે. તે ધાન્યને ખોરાક તરીકે લેતાં માણસ કે અન્ય પ્રાણીઓ પર ખરાબ અસર કરે છે.
જુવારમાં પુષ્પ અવસ્થાથી તે દાણાની પરિપક્વ અવસ્થા સુધીમાં ગમે ત્યારે ફૂગનો ઉપદ્રવ રહે છે. ભેજમય વાતાવરણમાં તે તીવ્ર સ્વરૂપ ધારણ કરે છે. દાણા કાળા કે રાખોડી કે રાતા થઈ જાય છે. દૂરથી ડૂંડું ભૂખરા અથવા કાળા કણોથી આચ્છાદિત થયેલું દેખાય છે. આવા દાણા હલકા અને તેમની ઉપર તેમજ અંદરનો ભાગ કાળો ભૂખરો કે રતાશ પડતા રંગનો થાય છે.
નિયંત્રણ : (1) રોગમુક્ત તંદુરસ્ત બીજની પસંદગી કરી અને તેને ગંધક કે થાયરમનો પટ આપી વાવણી કરાય છે.
(2) ડૂંડાં આવ્યા બાદ વરસાદ પડે તો 0.2 % ઝીનેબ અથવા મેન્કોઝેબ અથવા કેપ્ટાફોલનો છંટકાવ કરવાથી નુકસાન અટકાવી શકાય છે.
2. દાણાનો અંગારિયો : આ ફૂગ દાણા પરિપક્વ થતાં પહેલાં અંડાશયમાં પ્રવેશી ત્યાં વૃદ્ધિ પામે છે અને દાણાને તૈયાર થતા અટકાવે છે.
3. જુવારનો લંબ અંગારિયો : આ રોગને લીધે દાણા વધુ લાંબા બને છે. અન્ય અંગારિયાની સરખામણીમાં આ રોગ પાકને ખાસ ઉપદ્રવકારક નીવડતો નથી. કારણ કે આ ફૂગથી માત્ર 2 % દાણા રોગિષ્ઠ બને છે. આ રોગનો ઉપદ્રવ અટકાવવા રોગપ્રતિકારક જાતોની વાવણી કરાય છે.
જુવારના પાકમાં (1) દાણાનો અંગારિયો, (2) ડૂંડાનો અંગારિયો, (3) અનાવૃત અંગારિયો (4) લંબ અંગારિયો એવા ચાર જાતના રોગ થાય છે. અને તેના કારણે ડૂંડામાં દાણા ભરાતા નથી. તે જ પ્રમાણે બાજરીમાં બાજરીના દાણાનો અંગારિયો, ઘઉંમાં કંટીનો ઢીલો અંગારિયો અને ડાંગરમાં દાણાનો અંગારિયો અને ગલત અંગારિયો થાય છે.
આ ફૂગોનો પ્રાથમિક ચેપ દાણાની સપાટી ઉપર કે દાણાની પેશીમાં લાગે છે. પરોપજીવી ફૂગોના બીજાણુ કે કવક સુષુપ્ત અવસ્થામાં રહે છે, અને દાણાનું સ્ફુરણ થતાં તેને ચેપ લાગે છે. છોડ ઉપર ફૂલ આવતાં તેના અંડાશયમાં આ દાણાને બદલે પરોપજીવી ફૂગોના બીજાણુઓ તૈયાર કરે છે, જે પરિપક્વ થતાં પવન મારફતે અને/અથવા કેટલીક માખીઓ મારફતે ફેલાય છે. દ્વિતીય ચેપ ફૂલોમાં લગાડે છે.
સામાન્ય રીતે પ્રાથમિક ચેપ લાગેલ છોડ બટકો રહે છે અને ફૂલો (કંટી, ઉંબી કે ડૂંડું) વહેલાં આવે છે, જેમાં તૈયાર થયેલા બીજાણુઓ દ્વિતીયક ચેપ માટે જવાબદાર હોય છે.
આ રોગોને અટકાવવા માટે રોગપ્રતિકારક જાતોની વાવણી કરાય છે. રોગમુક્ત વિસ્તારમાંથી બીજ મેળવી શોષક પ્રકારની ફૂગનાશકની માવજત આપી વાવણી કરવામાં આવે છે. જુવારના દાણાના અંગારિયાના બીજાણુઓ દાણાની સપાટી ઉપર રહેતા હોવાથી સલ્ફર એક કિલો/4 ગ્રામ બીજને માવજત આપવાથી પ્રાથમિક ચેપ અટકાવી શકાય છે.
દાણાનો લંબ અંગારિયો (જુઓ જુવારનો લંબ અંગારિયો) : જુવારના પાકમાં પરોપજીવી ફૂગ Tolyposporium ehrenberghiiથી થાય છે. આ પણ એક પ્રકારનો દાણાનો અંગારિયો જ છે, જેમાં પરોપજીવી ફૂગનું અંડાશયમાં આક્રમણ થતાં અંડાશયની લંબાઈ 4 સેમી. જેટલી વધી જાય છે અને તેમાં ફૂગના બીજાણુઓ તૈયાર થાય છે. આમ સામાન્ય દાણા અને અન્ય અંગારિયાવાળા દાણા કરતાં લંબાઈ વધુ હોવાથી દાણાના લંબ અંગારિયાના નામે ઓળખવામાં આવેલ છે. અન્ય દાણાના અંગારિયાની સરખામણીમાં આર્થિક નુકસાન ઓછું થાય છે, કારણ કે ફક્ત 2 % જેટલા જ દાણા રોગિષ્ઠ બને છે.
રોગપ્રતિકારક જાતોની વાવણી કરવી સૌથી વિશેષ અસરકારક ઉપાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ