દાડમ : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ પ્યુનિકેસીની ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ. વૈજ્ઞાનિક નામ Punica granatum Linn. (સં. દાડિમ; હિં. અનાર; બં. ડાલિમ; મ.ક. ડાલિંબ; ફા. અનારસીરી, અનારતુરશ; અં. pomegranate) છે.

તેની મુખ્ય બે જાતો છે – એક પુષ્પવાળી, બગીચામાં રોપાતી અને બીજી ફળવાળી, વાડી કે કંપાઉન્ડમાં રોપાતી.

ફૂલવાળી જાતોના મુખ્ય બે પ્રકાર છે : (1) P. granatum var. florepleno : આ જાતને બાલ્સમ જેવાં મોટાં લગભગ 5 થી 6 સેમી. કદનાં ડબલ પાંખડીનાં લાલ રંગનાં પુષ્પ આવે છે. ફળ બેસતાં નથી. (2) P. granatum var. albopleno : આ જાતને ઉપર પ્રમાણે જ સફેદ રંગનાં પુષ્પ આવે છે. આ જાત ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે લાલ જાત જ મળે છે.

ચોમાસામાં વનસ્પતિ પુષ્પથી ઠીક ઠીક ભરાઈ જાય છે.

ફળવાળી જાતનાં પુષ્પ નાનાં અને એકલ પાંખડીનાં હોય છે. ફળની વાડીઓમાં આ જાત રોપાય છે. તેની ઘણી જાતો આવે છે. બધી જાતોને ગોરાડુ જમીન અને સાધારણ ઓછો વરસાદ વધારે માફક આવે છે.

આ સિવાય કૂંડામાં ઉછેરી શકાય તેવી એક બટકી જાત પણ આવે છે. તે P. granatum var. nana તરીકે જાણીતી છે. તે 0.5 મીટર જેટલી ઊંચી થાય છે. પુષ્પ બેવડી પાંખડીનાં પણ નાનાં આવે છે અને એને નાનાં નાનાં ફળ પણ આવે છે. પુષ્પ-ફળથી ભરેલો બટકો છોડ ખૂબ સોહામણો લાગે છે.

દાડમ : 1. પર્ણ અને પુષ્પ સાથેની ડાળખી, 2. પુષ્પનો ઊભો છેદ, 3. ફળ, 4. ફળ(દાડમ)નો આડો છેદ.

ફળવાળી જાતો બી તેમજ ગુટીથી અને પુષ્પવાળી જાતો ગુટી કલમથી વધારી શકાય છે.

તે 5–10 મી. ઊંચાઈ ધરાવે છે. ઈરાન, અફઘાનિસ્તાન તથા બલૂચિસ્તાનનું મૂલનિવાસી છે. હિમાલયમાં 900થી 1,800 મી.ની ઊંચાઈએ કુદરતી રીતે થાય છે, તેમજ સમગ્ર ભારતમાં ઉગાડાય છે. તેની છાલ લીસી, ઘેરી ભૂખરી, ઉપશાખાઓ કેટલીક વાર કાંટાવાળી; પર્ણો 2.8 સેમી. લાંબાં, પ્રતિઅંડાકાર (obovate) કે લંબચોરસ (oblong); ઉપરની સપાટીએ ચળકતાં, પુષ્પો ઘેરા લાલ રંગનાં, કેટલીક વાર પીળાં, 3.7–5.0 સેમી. લાંબાં, મોટે ભાગે એકાકી; ફળ દાડમિક (balausta), ગોળાકાર અને દીર્ઘસ્થાયી (persistent) વજ્રયુક્ત; બીજ માંસલ અને રસાળ, લાલ કે સફેદ રંગનું બીજાવરણ ધરાવે છે.

દાડમના રોગો : દાડમમાં જીવાણુથી થતા પાનનાં ટપકાં, ફળનો સડો અને ફૂગથી થતા પાનનાં ટપકાંના રોગો.

1. જીવાણુથી થતો પાનનાં ટપકાંનો રોગ : આ રોગ Xanthomonas punicae નામના જીવાણુથી થાય છે.

આ રોગના જીવાણુઓ પવન મારફતે ફેલાય છે. જીવાણુ પાન ઉપર નાનાં અનિયમિત આકારનાં પાણીપોચાં 2થી 5 મિમી.નાં ભૂખરાં ટપકાં પેદા કરે છે. આ ટપકાંને લીધે પાનમાં વિકૃતિ આવે છે. જો રોગની માત્રા વધારે હોય તો આ રોગિષ્ઠ પાનો અપરિપક્વ સ્થિતિમાં ખરી પડે છે. છોડ ઠીંગણો અને નબળો રહે છે.

જીવાણુઓ ફળ ઉપર આક્રમણ કરી, અનિયમિત આકારના ઊપસેલા ઘેરા ભૂખરા રંગનાં તૈલી ચળકતાં ટપકાં પેદા કરે છે. આ જીવાણુઓ ફળ ઉપરનાં કુદરતી છિદ્રો અથવા જીવાતના જખમો દ્વારા પ્રવેશ કરે છે.

નિયંત્રણ : રોગિષ્ઠ પાનવાળી ડાળ કાપી બાળી તેનો નાશ કરવામાં આવે છે અને ત્યારબાદ છોડ પર ઍન્ટિબાયોટિક દવાના બે છંટકાવ 15 દિવસના અંતરે કરવામાં આવે છે.

2. ફૂગથી થતાં પાનનાં ટપકાં : 2.1 Colletotricham gloeosporioides, Cercospora punicae; Cercospora lythracerum; Sphaceloma punicae; Phyllosticta પ્રજાતિ અને phomopsis પ્રજાતિની ફૂગોને લીધે પાનનાં ટપકાંનો રોગ થાય છે. આ ફૂગો પાન ઉપર ટપકાં અને ઝાળનો રોગ કરે છે. તેનાથી પાન અપરિપક્વ સ્થિતિમાં ખરી પડે છે.

2.2 ગુજરાતમાં Colletotricham gloeosporioides નામની ફૂગથી દાડમના દરેક બગીચામાં નુકસાન જોવા મળે છે. ફૂગનું આક્રમણ થતાં પાન પર એકદમ નાનાં કાળાં ટપકાં પેદા થાય છે. આવાં કાળાં ટપકાંની ફરતે પીળી કિનારીનો આભાસ હોય છે. આ ટપકાં વિકાસ પામી લીલાશ પડતાં  કાળાં બને છે. રોગના તીવ્ર સ્વરૂપમાં ટપકાં વિકસિત થતાં પહોળાં બનવાથી એકબીજામાં મળી જાય છે અને કાળા ડાઘાથી પાન કાળું અને વિકૃત થઈ ખરી પડે છે.

2.3 Phyllosticta પ્રજાતિ અને Phomopsis પ્રજાતિની ફૂગો દાડમની કુમળી ટોચની ડાળીઓ પર આક્રમણ કરે છે. આ સુકારો ટોચની ડાળી ઉપરથી નીચેની તરફ આગળ વધે છે, જેથી નીચેની ડાળીઓની છાલમાં તિરાડ પડે છે. ડાળીઓ સુકાય છે. આવી સુકાયેલી ડાળીઓનું લાકડું કાળું દેખાય છે. થોડા સમયમાં આખું ઝાડ સુકાયેલું જોવા મળે છે. આમ ઝાડની ટોચ ઉપરથી સુકારો થતો હોવાથી તેને અવરોહ મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે.

નિયંત્રણ : ઝાડ ઉપર ટોચની ડાળીઓ સુકાવા લાગે કે તરત જ સુકાયેલી ડાળીઓને થોડા તંદુરસ્ત ભાગ સાથે કાપી, બાળી તેનો નાશ કરવામાં આવે છે અને ઝાડ ઉપર 0.2 %ના કૉપર ઑક્સિક્લોરાઇડના દ્રાવણનો દર 15 દિવસના અંતરે બેથી ત્રણ છંટકાવ કરવામાં આવે છે.

3. દાડમના ફળનો સડો : મુખ્યત્વે Aspergillus પ્રજાતિ; Gloeosporium પ્રજાતિ; penicillium પ્રજાતિની ફૂગને લીધે થાય છે. આ ફૂગો ફળમાં જુદી-જુદી અવસ્થાએ રોગો કરે છે. આ ફૂગોના આક્રમણને લીધે ફળની અંદરના દાણા ઘેરા ભૂખરા કે કાળા થઈ સડી જાય છે.

4. દાડમનાં ફળ ફાટી જવાનો રોગ : જમીનમાં બોરોનની ખામી અથવા જમીનમાં અપૂરતા ભેજને કારણે ફળ ફાટી જાય છે. વિકાસ પામતું ફળ ઝાડ ઉપર જ અપરિપક્વ અથવા પરિપક્વ થવાના સમયે ફાટી જાય છે જેથી ફળની કિંમત મળતી નથી. આ રોગના નિયંત્રણ માટે પાકની ઋતુમાં ઝાડ ઉપર ફળ વિકસતાં હોય તે સમયે ઝાડને પાણીની અછત ન પડે તેની કાળજી લેવાય અથવા સતત ભેજ મળી રહે તે માટે ટપકપદ્ધતિથી થડમાં પિયત આપવામાં આવે છે.

દાડમના ખાદ્ય ભાગ(68 %)ના એક રાસાયણિક વિશ્ર્લેષણ મુજબ તે ભેજ 78 %; પ્રોટીન 1.6 %; ચરબી 0.1 %; રેસાઓ 5.1 %; અન્ય કાર્બોદિતો 14.5 % અને ખનિજદ્રવ્ય 0.7 % ધરાવે છે. તેમાં કૅલ્શિયમ 10; મૅગ્નેશિયમ 12, ઑક્સેલિક ઍસિડ 14; ફૉસ્ફરસ 70.0; લોહ 0.3; સોડિયમ 0.9; પોટૅશિયમ 133.0; તાંબું 0.2; સલ્ફર 12.0; ક્લોરિન 2.0; કૅરોટિન 0; થાયેમિન 0.06; રીબોફ્લેવિન 0.10; નિકોટિનિક ઍસિડ 0.30; અને વિટામિન ‘સી’, 14 મિ.ગ્રામ./100 ગ્રા. હોય છે.

ફળમાંથી સુગંધિત, મીઠો અને ઘેરા રંગનો રસ મેળવવામાં આવે છે. રસની ગુણવત્તા તેમાં રહેલા ઍસિડ અને શર્કરાના પ્રમાણ પરથી નક્કી થાય છે. ફળની છાલમાંથી ટૅનિન મળી આવે છે. તેનો ઉપયોગ ચર્મશોધનમાં થાય છે. પુષ્પમાંથી આછો લાલ રંગ મળી આવે છે. ભારતમાં તેનો કાપડ રંગવામાં ઉપયોગ કરવામાં આવે છે.

સમગ્ર ફળનો નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus, Escherichia coli અને Pseudomonas aeruginosa જેવા બૅક્ટેરિયા સામે અત્યંત સક્રિય માલૂમ પડ્યો છે. તે આંતરડાંમાં  થતા Salmonella typhosa જેવા રોગજનક બૅક્ટેરિયા અને તેની બીજી જાતિઓ સામે પણ ખૂબ અસરકારક છે. મૂળનો જલીય નિષ્કર્ષ Mycobacterium tuberculosisની ક્રિયાશીલતાને સંપૂર્ણ અવરોધે છે.

વૈદ્યકમાં ફળ તૂરું, મધુર, ખાટું, તૃપ્તિકારક, સ્નિગ્ધ, દીપન, રુચિકર, ગ્રાહી, ભૂખવર્ધક, ઉષ્ણ, લઘુ, અગ્નિદીપક, ઝાડાને બાંધનાર, હૃદયને હિતકર, પચવામાં હળવું, પાચક, ત્રિદોષહર તથા કફ, ઉધરસ, શ્રમ, મુખરોગ, કંઠરોગ, તાવ, દાહ, હૃદયરોગ, સંગ્રહણી, નસકોરી ફૂટવી જેવા રોગો મટાડનારું છે. મીઠું દાડમ તૃપ્તિકારક, ધાતુવર્ધક, મેધાકર, બલપ્રદ અને સદા પથ્ય છે. વધુ ખાટાં દાડમ પિત્તકારક અને રક્તપિત્તકર્તા છે. તે વાયુનો નાશ કરે છે. કાચાં દાડમ તૂરાં ને વાયુકર્તા છે.

ફળની છાલનો કે દાડમના રસનો ઉપયોગ બાળકની ઉધરસ પર, અતિસાર અને સંગ્રહણી ઉપર થાય છે. તેના પ્રકાંડ અને મૂળની છાલનો કાઢો કૃમિમાં ઉપયોગી છે. ઉષ્ણ પિત્ત પર દાડમનું શરબત આપવામાં આવે છે. તેના દાણાનો રસ આંખોની ગરમી પર અપાય છે. રક્તાતિસાર પર દાડમની છાલ અને ઇંદ્રજવની છાલનો કાઢો મધ નાખી પિવડાવાય છે. દાડમપાકનો ઉપયોગ અતિસાર, સંગ્રહણી, મંદાગ્નિ, અરુચિ અને શૂળના નાશ માટે થાય છે.

મ. ઝ. શાહ

બળદેવપ્રસાદ પનારા

પરબતભાઈ ખી. બોરડ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ