દાંતવાલા, મોહનલાલ લલ્લુભાઈ (જ. 18 સપ્ટેમ્બર 1909, સૂરત; અ. 8 ઑક્ટોબર 1998, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, ગાંધીવાદી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા તથા સ્વાતંત્ર્યસૈનિક. કુટુંબનો પરંપરાગત વ્યવસાય હાથીદાંતની વસ્તુઓ વેચવાનો હોવાથી કુટુંબની અટક દાંતવાલા પડી. પિતા મહારાષ્ટ્રના ધુળે ખાતે એક જિનિંગ અને પ્રેસિંગ ફૅક્ટરીના મૅનેજર. તેથી મૅટ્રિક સુધીનું તેમનું શિક્ષણ તે જ ગામમાં થયું. 1928માં તેઓ મુંબઈની વિલ્સન કૉલેજમાં દાખલ થયા, જ્યાંથી 1930માં તેમણે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમાંક સાથે પાસ કરી. તેમને અર્થશાસ્ત્ર માટેનું જેમ્સ ટેલર પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. દક્ષિણા ફેલોશિપ સાથે તેઓ વિલ્સન કૉલેજમાં ફેલો નિમાયા. સાથોસાથ અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની પદવી મેળવવા માટે તેઓ મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ સોશિયોલૉજીમાં દાખલ થયા. દરમિયાન સવિનય કાનૂનભંગની ચળવળમાં ગુપ્ત રીતે ભાગ લેવા બદલ 1933માં તેમની ધરપકડ કરવામાં આવી તથા ‘બૉયકૉટ’ શીર્ષક હેઠળની પત્રિકાનું પ્રસારણ કરવાના આરોપસર તેમને અઢી વર્ષની સખત મજૂરીની સજા ફટકારવામાં આવી. કારાવાસ દરમિયાન મુંબઈની આર્થર રોડ જેલમાં તેમણે ‘માર્કેટિંગ ઍન્ડ ટ્રેડ ઇન રૉ કૉટન’ વિષય પરનો મહાનિબંધ પૂરો કરી એમ.એ.ની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી.
અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં તેમણે અધ્યાપક તરીકે સેવાઓ આપી (1936–41). 1941માં વ્યક્તિગત સત્યાગ્રહમાં જોડાવા માટે તેમણે આ પદનું રાજીનામું આપ્યું અને દસ માસ સુધી અટકાયતમાં રહ્યા. 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવા બદલ ફરી તેમની ધરપકડ કરવામાં આવી અને આ વખતે તેમણે વીસ મહિનાની સજા ભોગવી. 1945માં તેઓ ફરીથી એચ.એલ.કૉલેજ ઑવ્ કૉમર્સમાં અધ્યાપક તરીકે જોડાયા, પરંતુ થોડાક જ સમય બાદ આ પદ પરથી રાજીનામું આપી તેઓ મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં કૃષિઅર્થશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે દાખલ થયા. 1973માં કૃષિઅર્થશાસ્ત્રના પ્રોફેસરના પદ પરથી તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. દરમિયાન ભારત સરકારે પણ તેમની સેવાઓનો અવારનવાર લાભ લીધો.
તેઓ એક ઉત્તમ કોટીના અધ્યાપક હોવા ઉપરાંત કૃષિઅર્થશાસ્ત્રના ક્ષેત્રે તેમનું પ્રદાન મહત્વનું ગણાય છે. ભારતમાં કૃષિવિષયક સુધારા (agrarian reforms) સૂચવવા માટે નિમાયેલી જે. સી. કુમારપ્પા સમિતિના તેઓ સભ્ય હતા. ભારત સરકાર, રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયા, આયોજનપંચ તથા કેટલીક રાજ્યસરકારોએ નીમેલી અન્ય ઘણી સમિતિઓમાં પણ તેમણે મહત્વની કામગીરી બજાવી હતી (1947–87). ભારતમાં કૃષિવિષયક ભાવપંચ(Agricultural Prices Commission)ની નિમણૂક થાય તે માટે પણ તેમણે પહેલ કરી હતી જે સફળ નીવડી. મહાત્મા ગાંધીના આદેશથી ટ્રસ્ટીશિપ અંગેની તેમની પરિકલ્પનાને શબ્દોમાં અંકિત કરવાનું કામ પ્રો. દાંતવાલાએે કર્યું હતું (1945).
તેમણે કૃષિઅર્થશાસ્ત્રને લગતી અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં હાજરી આપી છે તથા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતાં સામયિકોમાં લેખો લખ્યા છે. ઉપરાંત, ભારતની કેટલીક બૅંકો તથા નિગમોના સંચાલક મંડળમાં તેમણે કામ કર્યું છે.
ભારતની ઘણી અગ્રગણ્ય સંસ્થાઓની સ્થાપના તથા વિકાસમાં તેમનું મહત્વનું પ્રદાન રહ્યું છે. આવી 13 સંસ્થાઓમાં ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ સાયન્સીસ રિસર્ચ’ (ICSSR), ‘નૅશનલ સૅમ્પલ સર્વે’ (NSS), ‘ઍગ્રો ઇકૉનૉમિક રિસર્ચ સેન્ટર’, વલ્લભવિદ્યાનગર, ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ’ (IIM), અમદાવાદ, ‘જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી’ (JNU), નવી દિલ્હી તથા ‘સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ’ (SPI), અમદાવાદ જેવી પ્રથમ કક્ષાની સંસ્થાઓનો સમાવેશ થાય છે.
ઘણી વ્યાવસાયિક સંસ્થાઓના મહત્વના હોદ્દાઓ પર તેમણે કામ કર્યું છે; જેમાં ‘ઇન્ડિયન જર્નલ ઑવ્ ઍગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સ’ના સંપાદક મંડળના અધ્યક્ષ (1954–85), ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઍગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સના પ્રમુખ (સળંગ 20 વર્ષ સુધી), ઇન્ડિયન સોસાયટી ઑવ્ લેબર ઇકૉનૉમિક્સના પ્રમુખ (1978) તથા ‘વર્લ્ડ ઍગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સ ઍન્ડ રુરલ સોશિયૉલૉજી ઍબ્સ્ટ્રૅક્સ જર્નલ’ના તંત્રીમંડળના સભ્ય (1980–85) વગેરે વિશેષ ઉલ્લેખનીય છે.
તેમને અનેક સન્માન પ્રાપ્ત થયાં છે; જેમાં મુંબઈ યુનિવર્સિટીનું ‘જેમ્સ ટેલર પ્રાઇઝ’ (1930), ‘દાદાભાઈ નવરોજી મેમોરિયલ ફેલોશિપ પ્રાઇઝ’(1969) તથા 1991–92 વર્ષ માટેનો ‘ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ઍવૉર્ડ’(1994)નો સમાવેશ થાય છે. નેધરલૅન્ડ્ઝની ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીએ 1968માં તેમને ડૉક્ટરેટની માનાર્હ ઉપાધિ એનાયત કરી હતી. મુંબઈ યુનિવર્સિટીએ તેમને ‘સંમાન્ય પ્રાધ્યાપક’ (Professor Emeritus) નિયુક્ત કરીને સન્માન્યા છે. 1995થી તેઓ ‘નૅશનલ પ્રોફેસર’નું પદ ધરાવતા હતા.
એમ.એ.ની પદવી માટેનો તેમનો મહાનિબંધ 1937માં લાગમૅન, ગ્રીન ઍન્ડ કંપનીએ ગ્રંથ રૂપે પ્રકાશિત કર્યો છે. તેમના ‘એ હન્ડ્રેડ ઇયર્સ ઑવ્ ઇન્ડિયન કૉટન’ (1947) ગ્રંથની પ્રસ્તાવના પંડિત જવાહરલાલ નહેરુએ લખી હતી. આ ઉપરાંત તેમના અન્ય 11 ગ્રંથો તથા પ્રબંધો (monographs) અને આશરે 300 જેટલા સંશોધનલેખો પ્રકાશિત થયા છે.
ભારત સરકારે 1969માં તેમની વૈવિધ્યપૂર્ણ કારકિર્દી બિરદાવવા માટે તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ આપ્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે