દસ્તાવેજી રૂપક : રેડિયો-કાર્યક્રમ અથવા ચલચિત્ર, જેમાં મનોરંજન તથા શિક્ષણના હેતુથી સત્ય ઘટનાના અંશોને આવરી લેવામાં આવે છે. દસ્તાવેજી રૂપકો લગભગ દરેક દેશમાં બને છે અને સમૂહ માધ્યમોને પ્રભાવિત કરે છે. વીસમી સદીનાં પ્રથમ 25 વર્ષના અંત આસપાસ જૉન ગ્રિયર્સન નામના સ્કૉટિશ કેળવણીકારે મૂળ ફ્રેન્ચ ઉપરથી અંગ્રેજીમાં ‘ડૉક્યુમેન્ટરી’ શબ્દ પ્રયોજ્યો. જોકે પ્રારંભિક રૂપકો કે ચલચિત્રો મોટે ભાગે દસ્તાવેજી સ્વરૂપનાં હતાં. રશિયામાં બૉલ્શેવિક સત્તાના આરોહણનાં ચલચિત્રો પ્રચારનું મહત્વનું સાધન બનેલાં. 1922માં અમેરિકાના રૉબર્ટ ફ્લેહર્ટીએ ‘નાનૂક ઑવ્ ધ નૉર્થ’માં એસ્કિમોના જીવનનું દર્શન કરાવ્યું, જે તેનો જાતઅનુભવ હતો. આ ચિત્રે પછીનાં દસ્તાવેજી રૂપકો માટે નમૂનો પૂરો પાડ્યો. આ જ સમયમાં બ્રિટનના બ્રુસ વુલ્ફે પ્રથમ વિશ્વયુદ્ધનાં ચિત્રણો એકત્ર કરી દસ્તાવેજી ચિત્રનું નિર્માણ કર્યું. જર્મનીનું આરોગ્ય અને સૌંદર્યને લગતું ચિત્ર ‘સીમાપાર’ (1925) પણ લોકપ્રિય થયેલું. અમેરિકામાં લૉરેન્ત્ઝના ‘ધ પ્લાઉ ધૅટ બ્રોક ધ પ્લેઇન્સ’ (1936) અને ‘ધ રિવરે’(1937) પર્યાવરણ વિશે લોકોમાં જાગૃતિ આણવામાં સફળતા મેળવી. બીજા વિશ્વયુદ્ધે દસ્તાવેજી રૂપકોના નિર્માણને વેગ આપ્યો. જર્મનીમાં સમગ્ર ચલચિત્ર-ઉદ્યોગ શાસનના પ્રચારમાં લાગી ગયો. અમેરિકામાં ફ્રૅન્ક કાપ્રા જેવાએ યુદ્ધ-શ્રેણીનું નિર્માણ કર્યું. કૅનેડાએ શૈક્ષણિક ચિત્રો પર લક્ષ કેન્દ્રિત કર્યું.
રેડિયો ઉપર સમાચારનો કાર્યક્રમ મોટે ભાગે છાપું વાંચી જવાનો કાર્યક્રમ હતો. તેમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પ્રત્યક્ષ મુલાકાતો, લોકોના પ્રત્યાઘાતો આદિથી સમાચાર આકર્ષક બન્યા. બીજા વિશ્વયુદ્ધમાં માઇક યુદ્ધભૂમિ ઉપર પહોંચ્યું. ટેપ રેકૉર્ડરની શોધે ધ્વનિઅંકનની પ્રક્રિયા ઘણી સરળ બનાવી દીધી હતી. સમય જતાં વિશેષ દસ્તાવેજી રૂપકોનું પ્રસારણ થયું.
ભારતમાં ચલચિત્રના પ્રારંભિક નમૂના દસ્તાવેજી સ્વરૂપના હતા. જોકે લોકપ્રિય ચિત્રો મુખ્યત્વે પૌરાણિક કથાનકો પરથી નિર્માણ પામતાં. બીજા વિશ્વયુદ્ધ સમયે પ્રચારના સાધન તરીકે માહિતી-વિભાગના આશ્રયે ફિલ્મ ઍડ્વાઇઝરી બોર્ડ રચી હિન્દ સરકારે ટૂંકાં દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ શરૂ કર્યું. તેના અધ્યક્ષ જૉન ગ્રિયર્સનના સાથી રહી ચૂકેલા ઍલેક્ઝાંડર શૉ હતા. 1942માં જમશેદજી વાડિયા, શાંતારામ વણકુંદ્રે તથા એઝરા મીરે નિર્માણમાં સહાય કરી. બોર્ડ સ્થાનિક નિર્માતાઓ સાથે સહકાર સાધતું. આયાતી ચિત્રોના વિતરણની વ્યવસ્થા પણ સંભાળતું. આ પહેલાં ભારતીય ચલચિત્ર-નિર્માતાઓએ અવારનવાર જેમ રાષ્ટ્રભાવનાથી રંગાયેલાં કથાચિત્રો આપ્યાં તેમ દસ્તાવેજી ચલચિત્રો પણ આપ્યાં. છેક મૂક ચિત્રોના સમયમાં દ્વારકાદાસ સંપતે (1884–1958) તેમની કોહિનૂર ફિલ્મ કંપનીના નેજા હેઠળ કેટલાંક દસ્તાવેજી ચિત્રો ઉતાર્યાં અને પ્રદર્શિત કર્યાં. તેમાં મુખ્ય છે : વિદેશી કાપડની હોળી; લોકમાન્ય ટિળકની સંવત્સરી; અલીબન્ધુઓની યાત્રા; ગાંધીજી દ્વારા લોકમાન્યની પ્રતિમાનું અનાવરણ (ગાંધીજી પહેલી વાર આ ચિત્રમાં જોવા મળે છે); 1936ની રાષ્ટ્રીય મહાસભા.
1934માં પીતમંડલમ વેંકટચેલાપતિ (1906–61) નામના મદ્રાસી નિર્માતાએ પૅરિસમાં કેટલાંક ટૂંકાં ચિત્રોનું નિર્માણ કર્યું. 1935માં તેણે અમેરિકી પેઢી માટે ક્વેટાના ધરતીકંપનું દસ્તાવેજી ચલચિત્ર તૈયાર કર્યું. 1938થી વાડિયા મૂવીટોનના સાથમાં સરકાર માટે ઇંડિયન સ્ક્રીન ગેઝેટ નામે સમાચારચિત્રોનું નિર્માણ આરંભ્યું. ગુજરાતમાં હરિપુરા કૉંગ્રેસ અધિવેશનનું 3 ભાગનું દસ્તાવેજી ઉતાર્યું. ઇન્ફર્મેશન ફિલ્મ્સ ઑવ્ ઇંડિયા માટે યુદ્ધપ્રચારચિત્રો ઉતાર્યાં. તા. 15–8–1947ની મધરાતે સત્તાપરિવર્તનની ઘટના તેમણે પટી પર ઝડપી લીધી. 1943માં બોર્ડના સ્થાને ઇન્ફર્મેશન ફિલ્મ્સ ઓવ્ ઇંડિયાની રચના કરાઈ. તેણે ‘ન્યૂઝ પરેડ’ નામે સમાચારચિત્રોનું નિર્માણ કર્યું, જે સરકારે દરેક સિનેમામાં પ્રદર્શિત કરવાનું ફરજિયાત બનાવ્યું. 1946માં તે બંધ પડ્યું ત્યાં સુધીમાં તેણે સમાચારચિત્રો ઉપરાંત આશરે 170 ટૂંકાં દસ્તાવેજી ચિત્રો તૈયાર કર્યાં. 1949માં ચલચિત્ર પ્રભાગની રચના થઈ. તેણે દર સપ્તાહે એક પ્રમાણે ‘ભારતી સમાચારચિત્ર’નું નિર્માણ 18 ભાષાઓમાં કરવા માડ્યું. તેણે ઉતારેલાં સેંકડો દસ્તાવેજીમાં કેટલાંક માહિતીની ર્દષ્ટિએ જ નહિ, કલાની ર્દષ્ટિએ પણ સુંદર છે; જેમ કે, શ્યામ બેનેગલનાં ‘નહેરુ અને સત્યજિત રાય’ (1984) તથા મણિ કૌલનું ‘સિદ્ધેશ્વરી’ (1989). જોકે મોટા ભાગનાં ચિત્રો કર્મચારીઓનાં નિર્માણ છે.
અમેરિકી વિવેચક બ્રુસ બર્મનના મતે દસ્તાવેજી એટલે સત્યઘટનાનું ચિત્રણ એવો અર્થ ભ્રામક છે. દસ્તાવેજીના નિર્માણની પ્રક્રિયામાં પ્રથમથી જ તેનું આયોજન કરાય છે. તેમાં મોટે ભાગે વિશિષ્ટ હેતુ કે ર્દષ્ટિબિંદુનું આરોપણ કરાય છે, તથા સમગ્ર રૂપક ઇષ્ટ અર્થઘટનના સમર્થન રૂપે નિર્માણ કરાય છે.
દસ્તાવેજી રૂપકનું નિર્માણ એ સર્જનપ્રક્રિયા છે. તેથી તેમાં સાહિત્ય-સ્વરૂપની છાયા આવે એ સ્વાભાવિક છે. તેમાં પ્રસ્તુત કરાયેલું કથાનક દર્શક કે શ્રોતાને આકર્ષે, જકડી રાખે અને યથાર્થ સંદેશો આપે એ વાત નિર્માતાએ ધ્યાનમાં રાખવી પડે છે. એટલે, સત્યઘટનાત્મક હોવા છતાં તેને નાટ્યાત્મક પરિવેશ આપવો પડે છે. સંવાદોમાં કેવળ સ્થળ પર ધ્વનિ-અંકિત કરેલા સંવાદો અપૂરતા છે. તેમાં સ્ટુડિયોમાં અંકિત કરાયેલા સંવાદો તથા વિશેષ ધ્વનિ ઉમેરવામાં આવે છે. અંતભાગમાં સૂચિત સંદેશો ફરી એક વાર ઉપસાવવામાં આવે છે. નાનજી કાલિદાસ તથા કાઠી, મેર, રબારી આદિ વિશેનાં દસ્તાવેજી રૂપકો આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલાં એ આ પ્રકારનાં નોંધપાત્ર ર્દષ્ટાંતો છે.
વસુબહેન ભટ્ટ