દવે, હંસા (જ. 18 જાન્યુઆરી 1946, અમદાવાદ) : ગુજરાતી સુગમ સંગીતનાં જાણીતાં ગાયિકા. પિતાનું નામ જિતેન્દ્રલાલ અને માતાનું નામ યમુનાબહેન. શૈશવમાં બાળમંદિરની પ્રાર્થનાથી એમની સંગીતયાત્રાનો આરંભ થયો. નાગર-પરિવારમાં ઉછેર હોવાને કારણે સંગીત પ્રત્યે બાળપણથી જ લગાવ ધરાવતાં આ ગાયિકાએ પદ્ધતિસરનો સંગીત-અભ્યાસ મોડો મોડો કર્યો. અમદાવાદની સુગમ સંગીતની જાણીતી સંસ્થા ‘શ્રુતિ’ના ઉપક્રમે ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં એક સમારંભમાં સુગમ સંગીતના કાર્યક્રમમાં ભાગ લઈને તેઓ રાતોરાત જાણીતાં બની ગયાં. સુગમ સંગીતના ખ્યાતનામ કલાકારો રાસબિહારી દેસાઈ, ક્ષેમુ દિવેટિયા, સુરેશ જાની, ગૌરાંગ વ્યાસ વગેરેએ તેમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં. જાણીતા શાસ્ત્રીય સંગીતનાં તજ્જ્ઞ મધુરીબહેન ખરે અને પૂ. લાલાજી પાસે શાસ્ત્રીય સંગીતની રીતસરની તાલીમ લીધી. કલાપારખુ મુંબઈ નગરીમાં નિવાસ કર્યા પછી તેઓ સુગમ સંગીતના ખ્યાતનામ કલાકાર પુરુષોતમ ઉપાધ્યાય સાથે જોડાયાં. શાસ્ત્રીય સંગીતની ઉચ્ચ કક્ષાની તાલીમ તાજઅહમદખાંસાહેબ, સારંગીવાદક પંડિત પ્રતાપનારાયણજી અને વિમલાબહેન ગવ્હાણકર પાસે પ્રાપ્ત કરી. લતા મંગેશકર અને લક્ષ્મીશંકર તેમના આદર્શો રહ્યા છે. એચ.એમ.વી. રેકર્ડ્ઝ સંસ્થા દ્વારા તેમની જે પહેલી રેકર્ડ બહાર પાડવામાં આવી તેના શબ્દો હતા ‘રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં…..’ અને ‘તારે રે દરબાર મેઘારાણા…..’ આ ગીતોની લોકપ્રિયતાને કારણે તેમનું નામ રોશન થયું. સંગીતકાર દિલીપ ધોળકિયાએ 1969ની ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ માટે તેમની પાસે બે ગીતો ગવડાવ્યાં હતાં : ‘મને અંધારાં બોલાવે…..’ અને ‘પગલું પગલાંમાં અટવાણું…..’ આ ફિલ્મનાં ગીતોએ તેમને ગુજરાત સરકારનો શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો પુરસ્કાર અપાવ્યો. 1970ની હિન્દી ફિલ્મ ‘ગીત’ માટે કલ્યાણજી-આણંદજીએ ‘તેરે નૈના ક્યોં ભર આયે…..’ ગવડાવ્યું, પાછળથી આ ગીત લતા મંગેશકર પાસે ગવડાવવામાં આવ્યું છતાં લતાએ હંસા દવેના કંઠની પ્રશંસા કરી હતી. 1971માં ગુજરાતી ફિલ્મ ‘ઉપર ગગન વિશાળ’માં ત્રણ ગીતોને તેમણે સ્વર આપ્યો અને એ રીતે ગુજરાતી ફિલ્મોમાં તેમના પાર્શ્વગાયનની યાત્રા સતત ચાલતી રહી. ‘ખોળાનો ખૂંદનાર’, ‘મા અંબા ગબ્બરવાળી’, ‘રખવાળાં મારે ઘનશ્યામનાં’, ‘અમે પરદેશી પાન’, ‘શ્રાવણી સાતમ’, ‘કુળદીપક’, ‘લવકુશ’, ‘મા ઉમિયા અન્નપૂર્ણા’, ‘ભક્તશ્રી રાણીમા રૂડીમા’, ‘વીરાંગના નાથીબાઈ’, ‘રાણોકુંવર’, ‘પ્રીતઘેલાં માનવી’, ‘રામા પીર’, ‘મા વૈભવલક્ષ્મી’ અને ‘ધરતીથી છેટું આભ’ તેમનાં ગીતોવાળી ફિલ્મો છે. લગભગ ત્રણ દાયકાથી તેઓ સંગીતની મહેફિલો ગજાવતાં રહ્યાં છે. 1972માં તેમણે પુરુષોત્તમ ઉપાધ્યાય જોડે આફ્રિકા તથા 1978માં અમેરિકાની યાત્રા કરી અને ત્યાર બાદ તેમણે અવારનવાર વિદેશયાત્રાઓ કરી હતી. હજુ (2006) તેમનાં ગીતોના કાર્યક્રમો યોજાતા રહ્યા છે.
હરીશ રઘુવંશી