દવે, મોહનલાલ ગોપાળજી (જ. 1883, લીલિયા મોટા,જિ. અમરેલી; અ. 20 ડિસેમ્બર 1969) : હિંદી અને ગુજરાતી ચલચિત્રોના નોંધપાત્ર પટકથાલેખક. અભ્યાસ ગુજરાતી સાત ચોપડી સુધીનો. શરૂઆતમાં વતનમાં શિક્ષકની નોકરી કરી અને બીજી નાની મોટી નોકરી પણ કરી. શિક્ષકની નોકરીમાં સાત રૂપિયાનો પગાર હતો. પછીથી આખું જીવન મૂંગી ફિલ્મોની વાર્તા અને પટકથા લેખન કરવામાં વિતાવ્યું. નસીબ અજમાવવા માટે મુંબઇ ગયા. જાહેરખબર લખવાનું કામ, ઇલેક્ટ્રિકનો ધંધો કર્યો, લોજમાં કામ કર્યું આમ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો.
ફિલ્મોના ટાઇટલ બનાવવાથી ફિલ્મઉદ્યોગમાં પ્રવેશ થયો. ઘણી બધી ફિલ્મ કંપનીમાં કાર્ય કર્યું. તેઓએ ફિલ્મની પટકથા લેખનમાંથી એટલી કમાણી કરી કે પોતાના વતનમાં હાઇસ્કૂલ, મંદિર, પાઠશાળા વગેરેનું નિર્માણ કરાવ્યું.
પડદા પર જેમનું નામ દર્શાવાયું હોય તેવા તે પહેલા પટકથાલેખક થયા. અન્ય કલાકારો કે ટૅકનિશિયનોમાંથી કોઈનું નામ પ્રદર્શિત નહિ કરનાર કોહિનૂર ફિલ્મ કંપની(1918)એ તેના પ્રથમ નિર્માણ ‘ભક્ત વિદુર’(1921)ની પ્રચાર-પત્રિકામાં પણ ‘‘કથાનક : મોહનલાલ ગો. દવે’’ એવું છાપ્યું. મોહનભાઈએ હિસાબનીસ તરીકે વ્યવસાયનો આરંભ કર્યો. તે પછી મુંબઈના ઇમ્પીરિયલ થિયેટરમાં પ્રચારક તરીકે જોડાયા. પ્રચારપત્રિકાઓ માટે કથાસાર લખતાં તેમની જીવંત વર્ણન કરવાની શક્તિ પ્રકટ થઈ. શ્રીનાથ પાટણકર (અ. 1941) સાથે 1918થી ’20માં મૂકચિત્રોનું નિર્માણ કર્યું. પાટણકરે 1922માં નૅશનલ સ્ટુડિયો શરૂ કર્યો ત્યારે મોહનલાલને વર્ષે 15 કથાઓ લખવા માટે રૂ. 10,000 પુરસ્કાર અપાતો. કોહિનૂરમાં જોડાયા પછી તેમની પ્રતિષ્ઠા વધી. તે દર સપ્તાહે એક પ્રમાણે કથાનક લખવા માંડ્યા. ત્યારના ગુજરાતી વાર્તાલેખકો નારાયણ વિસનજી ઠક્કુર, ગોપાળજી દેલવાડેકર અને શયદા જેવાની વાર્તાઓનું પ્રભાવક વર્ણનવાળી પટકથામાં રૂપાંતર કરવામાં તેમને સફળતા મળી. પટકથામાં કૅમેરાની સૂક્ષ્મ હિલચાલ તથા દૃશ્યના વિલય આદિની સ્પષ્ટ સૂચનાઓ પણ અપાતી; દા. ત., કાન્તિલાલ રાઠોડના ‘ગુલેબંકાવલી’ (1924) માટે તેમણે 92 દૃશ્યોની વિગતવાર પટકથા તૈયાર કરી આપી હતી.
પ્રમુખ રચનાઓ : ‘ભક્ત વિદુર’ (1921), ‘કાલા નાગ’ (1924), ચંદુલાલ શાહનું પ્રથમ નિર્માણ ‘પંચદંડ’, હોમી માસ્તરનું ગુજરાતી ‘ફાંકડો ફિતૂરી’ આદિ. ધ્વનિના આગમન પછી તેમણે પુનર્નિર્માણ માટે ઘણીખરી જૂની મૂક-કથાઓમાં સંવાદો ઉમેરી નવેસરથી લખી. દા. ત., નૅશનલ કંપની માટે લખેલી ‘રાણકદેવી’ની કથા 1946માં વિષ્ણુકુમાર મગનલાલ વ્યાસના ગુજરાતી ચિત્ર ‘રાણકદેવી’ માટે ફરી લખાઈ અને તેને ભારે લોકાદર મળ્યો.
બંસીધર શુક્લ