દવે, જનક (જ. 14 જૂન 1930, ભાવનગર) : ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અને લોકનાટ્ય ક્ષેત્રના નિષ્ણાત. પિતા હરિલાલ વતન ભાવનગરમાં શિક્ષક હતા. માતાનું નામ ચતુરાબહેન. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી 1950માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ ઉચ્ચશિક્ષણ માટે ત્યાંથી વિનયન કૉલેજમાં દાખલ થયા, પરંતુ અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. 1957–’63 દરમિયાન ભાવનગરમાં સામાજિક કાર્ય કર્યું. ત્યારબાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑવ્ મ્યુઝિક (M. mus.) (ડ્રામા)ની પરીક્ષામાં સર્વોચ્ચ ક્રમે પાસ થયા. 1962–’63માં તેમણે યુનિવર્સિટી મ્યુઝિક કૉલેજમાં ટ્યૂટર તરીકે સેવા આપી. 1963–’67 દરમિયાન રાજકોટ ખાતેની સંગીત નાટ્યભારતી સંસ્થામાં નાટ્યવિભાગના વડા તરીકે કામ કર્યું. ત્યાં કેટલાંક નાટકોનાં નિર્માણ અને પ્રસ્તુતીકરણની કામગીરી પણ બજાવી. 1967માં પતિયાલા ખાતેની પંજાબ યુનિવર્સિટીના નાટ્યવિભાગમાં ઇન્સ્ટ્રક્ટરના પદ માટે પસંદગી પામ્યા, ત્યાં 4 વર્ષ(1967–’71)ની કારકિર્દી દરમિયાન પોતે પંજાબી ભાષા તો શીખ્યા જ પરંતુ તે ભાષાનાં નાટકોની વિદ્યાર્થીઓને તાલીમ આપી અને કેટલાંક પંજાબી નાટકો રંગમંચ પર પ્રસ્તુત પણ કર્યાં. ત્યાંની અન્ય નાટ્યપ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા રહ્યા. પંજાબ યુનિવર્સિટીના નાટ્યવિભાગમાં તેમણે કરેલ કાર્ય માટે યુનિવર્સિટીના કુલપતિશ્રીના હસ્તે તેમને સન્માનવામાં આવ્યા હતા. 1971માં અમદાવાદની ગુજરાત કૉલેજના નાટ્યવિભાગમાં વ્યાખ્યાતા તરીકે દાખલ થયા. 1974માં ત્યાં વિભાગીય વડા બન્યા. 1974–75 દરમિયાન તેમણે તે વિભાગની નિશ્રા હેઠળ ‘આ માસનું એકાંકી’ યોજના હેઠળ જુદી જુદી શૈલીનાં 13 ગુજરાતી એકાંકી અને એક પૂર્ણ નાટક તખ્તા પર રજૂ કર્યાં. 1973માં તેમને તે કૉલેજમાં નાટ્યકલાના પ્રોફેસર અને વિભાગના વડા તરીકે બઢતી આપવામાં આવી. 1988માં આ પદ પરથી તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધીની તેમની કારકિર્દી દરમિયાન તેમણે નાટ્યશાખાને નવો ઓપ આપ્યો, અભ્યાસક્રમમાં સુધારા કર્યા તથા અન્ય ભાષાઓનાં નાટકોની ભજવણી કરી. 1980થી તેમણે ‘ભવાઈ’ લોકનાટ્યપ્રકાર ક્ષેત્રે સંશોધન શરૂ કર્યું તથા વિદ્યાર્થીઓને તેની તાલીમ પણ આપી. 1984–’85 દરમિયાન પોતાના વિભાગના વિદ્યાર્થીઓ મારફત ગ્રામવિસ્તારમાં પ્રૌઢશિક્ષણ અભિયાનમાં ફાળો આપ્યો. 1986માં તેમની પહેલને કારણે આ વિભાગમાં દૂરદર્શનને લગતા તથા તેને સંલગ્ન ગણાતા અભ્યાસક્રમો દાખલ કરવામાં આવ્યા. તેમના માર્ગદર્શન હેઠળ 3 વિદ્યાર્થીજૂથોએ આ અભ્યાસક્રમો સફળતાથી પૂરા કર્યા હતા.
સોનિયા મૂર દ્વારા લિખિત અભિનયશૈલી વિશેનું એક અંગ્રેજી પુસ્તક ‘ઍન ઍક્ટર્સ ટ્રેનિંગ – સ્ટાનિસ્લાવસ્કીઝ મેથડ’ તેમણે ગુજરાતીમાં અનૂદિત કરેલ છે. આ જ પુસ્તકનું હિંદીમાં પણ ભાષાંતર થયેલું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ આ ગુજરાતીમાં અનૂદિત પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે માન્ય રાખ્યું છે. મૂરના એક અન્ય પુસ્તક ‘સ્ટાનિસ્લાવસ્કી રિવીલ્ડ’નું પણ 1995માં તેમણે ભાષાંતર કર્યું છે.
‘ભવાઈ’ લોકનાટ્યની શૈલી અને સ્વરૂપ વિશેનાં તેમણે લખેલાં પુસ્તકો આધારભૂત ગણાય છે. તેમણે 10 જેટલાં અંગ્રેજી અને હિંદી એકાંકીઓનો ગુજરાતીમાં અનુવાદ કરેલ છે.
‘પ્રયોગલક્ષી નાટ્યદર્શન’, ‘હેતુલક્ષી એકાંકીઓ’, ‘આધુનિક ભવાઈ પેશો અને તેનું શાસ્ત્ર’, ‘રંગભૂમિના અંતરંગ’, ‘વાચા ફૂટી વૃક્ષોને’, ‘વેશ સજે પરિવેશ નવો’, ‘ભવાઈ અને તેનું લાક્ષણિક આહાર્ય – નેપથ્ય વિધાન’, ‘નટનું પ્રશિક્ષણ’, ‘અભિનય પ્રશિક્ષણ’, ‘લોકરંજન ભવાઈ’, ‘વેશવંશ’, ‘રંગભવાઈ’ ઇત્યાદિ એમનાં નાટ્યવિષયક પુસ્તકો છે.
તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓએ અત્યાર સુધી લગભગ 125 જેટલી નાટ્યશિબિરોનું આયોજન કર્યું છે, જેનો લાભ લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓએ લીધેલ છે.
તેમણે કેટલાંક બાળગીતો અને બાળનાટ્યોની રચના પણ કરી છે. 1994–95 દરમિયાન તેમણે જુદાં જુદાં સ્થળોએ બાળનાટ્યશિબિરોનું આયોજન કર્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે