દલાલ, ચિમનલાલ ડાહ્યાભાઈ (જ. 1881, ખેડા; અ. 1918) : પ્રાચીન ગુજરાતી સાહિત્યના સંશોધક. જ્ઞાતિએ જૈન વણિક. ખેડાથી અમદાવાદ આવી વસેલા. 1908માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. પછી સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં એમ.એ. પણ થયા. તેમણે ઉપાશ્રય પાઠશાળામાં ‘સિદ્ધાંતકૌમુદી’નું અધ્યયન કર્યું. તેઓ લાઇબ્રેરી-પદ્ધતિના સારા જ્ઞાતા હતા અને ‘લાઇબ્રેરી’ ત્રૈમાસિકનું સંપાદન કરતા હતા. વડોદરા રાજ્યના ગ્રંથાલય-વિભાગ સાથે તેઓ સંલગ્ન હતા. પ્રાચીન સાહિત્યનું સંશોધન કરવામાં તેમને ઊંડો રસ હોવાથી વડોદરા રાજ્યે પાટણ તથા જેસલમેરના પ્રાચીન જૈન ગ્રંથભંડારોના સર્વેક્ષણનું કાર્ય સોંપ્યું. તેમણે અનેક ગ્રંથોની દુષ્પ્રાપ્ય માહિતી મેળવી આપી. તેમને વડોદરા રાજ્યના પ્રાચ્ય વિદ્યામંદિરના નિયામકપદે નીમવામાં આવ્યા. તેમણે ‘ગાયકવાડ પ્રાચ્ય ગ્રંથમાળા’નું પ્રકાશન શરૂ કર્યું. યુવાનવયે તેમનું અવસાન થયું હતું.
ચિમનલાલ દલાલે 13,000 કાગળનાં પુસ્તકો અને 658 તાડપત્રો બારીકાઈથી જોઈને તેમની વ્યવસ્થિત સૂચિ તૈયાર કરેલી.
એમના સંશોધિત ગ્રંથ પ્રથમ વાર પ્રસિદ્ધ થયેલા તે રાજશેખરની ‘કાવ્યમીમાંસા’, ‘નરનારાયણાનંદ કાવ્ય’ (સં.), ‘પાર્થપરાક્રમવ્યાયોગ’ (સં.), ‘રાષ્ટ્રોઢવંશ’ (સં). તેમના અવસાન પછી પ્રસિદ્ધ થયેલા ગ્રંથ તે ‘લિંગાનુશાસન’ (સં., વામનકૃત). ‘વસંતવિલાસ’ (સં., બાલચંદ્રસૂરિકૃત), ‘રૂપકષટ્ક (વત્સરાજકૃત), ‘મોહરાજપરાજય નાટક’ (યશપાલકૃત સં., 1918), ‘હમ્મીરમદમર્દન’ (જયસિંહકૃત સં., 1920), ‘ઉદય-સુંદરીકથા’ (સોઢ્ઢલકૃત, સં.), ‘પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ’ (અપભ્રંશ), ‘ગણકારિકા’ (ભા. સર્વજ્ઞની, સં., 1921), ‘ભવિસ્સત્ત કહા’ (ધનપાલકૃત, પ્રા. અપ., 1923), ‘જેસલમેરના ભંડારની સૂચિ’ (1924), ‘લેખન પદ્ધતિ’ (સં. 1927) અને ‘પાટણના ગ્રંથભંડારની સૂચિ’.
કે. કા. શાસ્ત્રી