દલવાઈ, હમીદ (જ. ૨9 સપ્ટેમ્બર 1932, મિરજોળી, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 3 મે 1977, મુંબઈ) : મહારાષ્ટ્રના બુદ્ધિનિષ્ઠ અને કર્મઠ સમાજસુધારક. તેમણે શાળાનું શિક્ષણ ચિપલૂણમાં અને કૉલેજશિક્ષણ મુંબઈમાં લીધું હતું. મુસ્લિમ સમાજમાં સુધારાપ્રવૃત્તિને વેગ આપવા 1966માં ‘ઇન્ડિયન સેક્યુલર સોસાયટી’ની સ્થાપનામાં તે સહભાગી થયા. ત્યારપછી માર્ચ, 1970માં સ્થપાયેલ ‘મુસ્લિમ સત્યશોધક મંડળ’ની સ્થાપનામાં પણ પહેલ અને નેતાગીરી તેમની હતી.પ્રત્યક્ષ પ્રવૃત્તિની રીતે વિશેષત: મહારાષ્ટ્રમાં અને વિચારપ્રસારની રીતે ભારતભરમાં પ્રસ્તુત મંડળ તથા સમાનધર્મી સંગઠનો મારફતે તેમણે બિનસાંપ્રદાયિકતા, રાષ્ટ્રીય એકતા અને સમાજસુધારાનાં મૂલ્યો પ્રસારવા પર ભાર મૂક્યો.
તેને માટે તેમણે લડત પણ આપી. મહારાષ્ટ્રમાં મહાત્મા ફૂલે, ગોપાળ ગણેશ આગરકર, ધોંડો કેશવ કર્વે આદિની પ્રબોધનપરંપરાને કારણે ખાસ કરીને હિંદુ સમાજમાં કુરૂઢિઓમાંથી મુક્તિ, સામાજિક સમતા, કન્યાકેળવણી વગેરેનું જે વાતાવરણ બન્યું તે મુસ્લિમ સમાજમાં પણ પ્રસરે એ મુસ્લિમ સત્યશોધક મંડળને ઇષ્ટ હતું. ‘મુસ્લિમ જાતીયતેચે સ્વરૂપ–કારણે વ ઉપાય’ (1968) જેવા મરાઠી તો ‘મુસ્લિમ પૉલિટિક્સ ઇન સેક્યુલર ઇન્ડિયા’ (1970) જેવાં અંગ્રેજી પુસ્તકોમાં દલવાઈએ પોતાનો અભિગમ સુપેરે સ્પષ્ટ કરેલો છે. એમના માર્ગદર્શનમાં તેમજ સૈયદભાઈ, હુસેન જમાદાર, વઝીર પટેલ અને રઝિયા પટેલ, અખ્તરુન્નિસા સૈયદ, મહેરુન્નિસા દલવાઈ આદિના સહયોગમાં મુસ્લિમ સત્યશોધક મંડળે હાથ ધરેલી બાબતોમાં તલાકપીડિત મહિલાઓ ને એમનાં બાળકોને રાહત, એકસમાન નાગરિક ધારા (uniform civil code) માટેની ઝુંબેશ, મુસ્લિમ બાળકો પ્રાદેશિક ભાષામાં શિક્ષણ મેળવે તે માટેનો આગ્રહ તથા કુટુંબનિયોજનની હિમાયત વગેરેનો સમાવેશ થાય છે. નિવેદન, નિદર્શન, અધિવેશન, ચર્ચાગોષ્ઠી ઉપરાંત કુટુંબનિયોજન કૅમ્પ જેવા પ્રત્યક્ષ કાર્યક્રમો પણ હમીદ દલવાઈ પ્રેરિત ચળવળને નામે જમા પાસે બોલે છે. પિસ્તાલીસ વરસની નાની વયે મૂત્રપિંડના અસાધ્ય વ્યાધિએ હમીદ દલવાઈને હરી લીધા અને એમની અંતિમ ઇચ્છાને અનુસરીને સ્વજનો તથા સાથીઓએ કોઈ પણ ધાર્મિક સંસ્કારો તથા દફન ન કરતાં દહન કર્યું હતું. મુસ્લિમ સત્યશોધક મંડળ આજે પણ પૂર્વવત્ સક્રિય છે.
પ્રકાશ ન. શાહ