દલપત-પિંગળ (1862) : ગુજરાતી કવિ દલપતરામે લખેલું છંદશાસ્ત્રનું પુસ્તક. દલપતરામે દેવાનંદ સ્વામી પાસે ‘છંદશૃંગાર’ પુસ્તક દ્વારા પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરેલો. 1855માં ‘બુદ્ધિપ્રકાશ’માં એમણે કકડે કકડે પિંગળ આપવાની શરૂઆત કરેલી’; 1862માં એ લેખોને ‘ગુજરાતી પિંગળ’ નામે ગ્રંથસ્થ કરેલા. એની 22મી આવૃત્તિથી એનું નામ ‘દલપત-પિંગળ’ રાખવામાં આવેલું. છંદશાસ્ત્રના આ શાસ્ત્રીય પ્રમાણભૂત પુસ્તકની ત્રીસેક આવૃત્તિઓ થઈ છે અને એની નકલસંખ્યા પણ લાખેક સુધી પહોંચી છે.
આ પુસ્તક પાંચ પ્રકરણોમાં વહેંચાયેલું છે અને એમાં સરળ વિશદ પદ્યમાં છંદોનો પરિચય અપાયો છે. પહેલા પ્રકરણમાં લઘુ, ગુરુ, ગણ, અંકસંજ્ઞા (જેમ કે શશી = 1, ભુજ = 2) અને માત્રામેળ તથા વર્ણમેળ છંદોનો ભેદ દર્શાવાયો છે. બીજા પ્રકરણમાં પાંચ માત્રાના ગમક છંદથી આરંભી ચાળીસ માત્રાના મદનગ્રહા છંદ સુધીના ત્રીસ માત્રામેળ છંદોનો, માત્રાસંખ્યા તેમજ તાલ સાથે, એ જ છંદમાં એમનાં લક્ષણો રજૂ કરવામાં આવ્યાં છે. કેટલીક વાર લાંબાં પદ્યનાં ઉદાહરણો પણ પરિચય માટે અપાયાં છે. ઉપરાંત દોહરાથી આરંભી ચંદ્રાવળા સુધીના નવ અર્ધસમપદ તથા વિષમપદ છંદોનો પણ એમાં ર્દષ્ટાંત સાથે પરિચય છે.
ત્રીજા પ્રકરણમાં પોતે વર્ણમેળ (અક્ષરમેળ) છંદોનો પરિચય કેવી રીતે આપવાના છે એ નિર્દેશીને, એક અક્ષરના શ્રી છંદથી શરૂ કરી 31થી 32 અક્ષરના મનહર-ઘનાક્ષરીનો અને ત્યારબાદ 10થી 11 અક્ષરના વૈતાલીય-પુષ્પિતાગ્રા છંદનો પરિચય આપ્યો છે. આ પ્રકરણમાં કુલ 124 અક્ષરમેળ છંદો આવરી લેવાયા છે. ‘સુધારા વિશે’, ‘પ્રભુસ્તુતિ’, ‘ઈશ્વર વિશે’ જેવી કેટલીક કાવ્યરચનાઓ એમાં ઉદાહરણ તરીકે આપવામાં આવી છે. ચોથું પ્રકરણ સંખ્યાપ્રસ્તાર આદિક ગણિતવિષયક છે. એમાં મુખ્યત્વે દોહરા, હરિગીત કે મનહર-ઘનાક્ષરી છંદોમાં માત્રાની સંખ્યા, એનો પ્રસ્તાર, માત્રાસૂચિ, માત્રાનષ્ટ, માત્રાઉદ્દિષ્ટ, માત્રામેરુ, માત્રાપતાકા, માત્રામર્કટી વગેરેની વિધિની ઉદાહરણો આપીને સમજ આપી છે. એવો જ ક્રમ વર્ણસંખ્યા વગેરેની સમજ આપવા માટે એમણે સ્વીકાર્યો છે. છેલ્લા પાંચમા પ્રકરણમાં ‘કવિતા કહિયે કલ્પના, જનમનરંજન જાણ’માં એમનો કાવ્યાદર્શ રજૂ કરી, કાવ્યશાસ્ત્રને સહજ સ્પર્શ કરતા હોય તેમ રસ, ઝડઝમક, વર્ણસગાઈ એ શબ્દાલંકારો, ઉપમા-રૂપક-ઉત્પ્રેક્ષા-અતિશયોક્તિ એ અર્થાલંકારો ઉપરાંત બહિર્લાપિકા, અંતર્લાપિકા જેવી યુક્તિઓ, અલ્પાર્થ-અધિકાર્થવાળી ઉક્તિ, ધ્વનિકાવ્ય, ક્લિષ્ટાર્થ, જતિભંગ, હીનોપમા વગેરેનાં ર્દષ્ટાંતો મળે છે.
જિજ્ઞાસુને છંદ શાસ્ત્રનો સુભગ પરિચય મળી રહે એવી, છંદમાં જ રચાયેલી આ પુસ્તિકા ગુજરાતી ભાષાની પ્રથમ પ્રમાણભૂત છંદ-પ્રવેશ-પોથી છે. ઉપરાંત, તાલને કારણે છંદની ચાલ બદલાઈ જાય છે અને તાલ એ છંદનું નિયામક તત્વ છે એ દર્શાવવામાં અને સ્પષ્ટ કરી આપવામાં દલપતરામનું નોંધપાત્ર પ્રદાન છે.
ચિમનલાલ ત્રિવેદી