દલચક્ર (corolla) : આવૃતબીજધારી વનસ્પતિઓના પુષ્પમાં આવેલું દ્વિતીય ક્રમનું સહાયક ચક્ર. તે ઘણા એકમોનું બનેલું હોય છે. પ્રત્યેક એકમને દલપત્ર (petal) કહે છે. વજ્રની જેમ દલચક્ર પણ પુષ્પમાં આવેલા પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્રનું રક્ષણ કરે છે. દલપત્રોમાં આવેલા રંગકણો(chromoplasts)માં જલદ્રાવ્ય એન્થોસાયનિન (લાલ, નારંગી, જાંબલી, વાદળી વગેરે) અને એન્થોઝેન્થિન (પીળાથી હાથીદાંત જેવાં સફેદ) કે કૅરોટિનૉઇડ્ઝ જેવાં રંજકદ્રવ્યોની હાજરીને કારણે તે ચમકતાં રંગીન હોય છે. દલપત્રોના ચમકતા રંગને લીધે અને કેટલાંક પુષ્પોમાં બાષ્પશીલ તેલની સુવાસ તેમજ વિશિષ્ટ ગ્રંથિઓ દ્વારા સ્રવતા મધુરસ(nectar)ને લીધે કીટકો આકર્ષાય છે. કીટકો પરાગનયન (pollination) માટે વાહકો તરીકે કાર્ય કરે છે.
સીતાફળ, આસોપાલવ, લીલો ચંપો અને લીલા ગુલાબ જેવી વનસ્પતિઓમાં દલપત્રો વજ્રપત્રો જેવાં લીલા કે ઝાંખા રંગનાં હોય છે. તેમને બાહ્ય દલાભ (sepaloid) દલપત્રો કહે છે. સામાન્યત: દલપત્રો લીસાં અને પાતળાં હોય છે, છતાં કેટલીક વાર રોમિલ હોઈ શકે. કેટલીક વનસ્પતિઓમાં દલપત્રો માંસલ અને જાડી રચનાઓ તરીકે પણ જોવા મળે છે. દલપત્રના નીચેના પર્ણદંડ જેવા સાંકડા ભાગને દંડ (claw) કહે છે. દંડ ધરાવતા દલપત્રને સદંડી (clawed or unguisculate) કહે છે. દલપત્રના પહોળા ભાગને દલફલક (limb) કહે છે, આકૃતિ 1.
દલપત્રો અદંડી (sessile) પણ હોઈ શકે. તે આકારે રેખાકાર (linear) કે લંબચોરસ (oblong) હોય છે. તેની કિનારી પર્ણદલની કિનારીની જેમ અખંડિત (entire) કે દંતુર (dentate) હોય છે. ડાયન્થસની જેમ કેટલીક વનસ્પતિઓમાં દલપત્રો ઊંડે સુધી છેદન પામી ઝાલરદાર (fringed) બને છે.
દલચક્ર નિયમિત (regular) કે અનિયમિત (irregular) હોય છે. જો દલપત્રો એકબીજાથી મુક્ત હોય તો તેને મુક્તદલા (polypetalous) દલચક્ર કહે છે; દા. ત., કમળ, રાઈ, ગુલાબ વગેરેમાં મુક્તદલા દલચક્ર હોય છે. જો દલપત્રો એકબીજા સાથે જોડાયેલાં હોય તો તેને સંયુક્તદલા (gamospetalous) દલચક્ર કહે છે; દા. ત., બારમાસી, ધતૂરો, આકડો વગેરેમાં સંયુક્તદલા દલચક્ર હોય છે.
દલચક્રના જોડાયેલા ભાગને દલપુંજનલિકા (corolla-tube) અને તેના ઉપરના મુક્ત ભાગને દલખંડ (corolla-lobe) કહે છે. દલખંડ અને દલપુંજનલિકાને જોડતા ભાગને કંઠ (throat) કહે છે. તેની કાલાવધિને અનુલક્ષીને દલચક્ર શીઘ્રપાતી (caducous) (દા. ત., દ્રાક્ષ) કે ક્વચિત્ દીર્ઘસ્થાયી (persistent), (દા. ત., કેલ્યુના વલ્ગેરિસ, Calluna Vulgaris) હોય છે.
વજ્રની જેમ દલચક્ર પણ ઉપાંગો (appendages) ધરાવે છે. શ્વાનમુખી(એન્ટિર્હીનમ, Antirrhinum)માં દલપુંજનલિકાની એક બાજુએ સહેજ ફૂલેલો કોથળી જેવો ભાગ જોવા મળે છે, તેને સંપુટ (saccate or gibbous) કહે છે, આકૃતિ ૨.
કેટલીક વનસ્પતિઓમાં એક કે તેથી વધારે દલપત્રો કે નલિકા નીચેની બાજુએ લંબાઈને નલિકાકાર ઉપાંગ ઉત્પન્ન કરે છે. તેને દલપુટ (spur) કહે છે. ભીંતઘિલોડીમાં દલપુટની સંખ્યા એક હોય છે; જ્યારે ઍક્વિલેજિયા વલ્ગેરિસમાં પ્રત્યેક દલપત્ર દલપુટ ધરાવે છે, આકૃતિ 3.
કેટલીક વાર કંઠની અંદરની કિનારીએથી વિવિધ પ્રકારનાં ઉપાંગો (જેવાં કે શલ્કો, રોમ વગેરે) ઉદભવે છે. તે છૂટાં રહી સુંદર ઝાલરની રચના અથવા જોડાઈને પ્યાલાકાર રચના બનાવે છે. આ રચનાઓને પુષ્પમુકુટ (corona) કહે છે. કૃષ્ણકમળ, લાલ કરેણ વગેરેમાં સુંદર પુષ્પમુકુટ હોય છે, આકૃતિ 4–5. નાર્સિસસ સ્યૂડો-નાર્સિસસ અને નરગિસ(daffodil)નો પુષ્પમુકુટ સંયુક્ત નલિકાકાર હોય છે, આકૃતિ 6.
દલચક્રનાં સ્વરૂપો : સંસજન(cohesion)ની પ્રકૃતિ અને આકારને આધારે દલચક્રના નીચે મુજબના પ્રકારો પાડવામાં આવ્યા છે :
નિયમિત મુક્તદલા દલચક્રનાં સ્વરૂપો : (1) સ્વસ્તિકાકાર (cruciform) બ્રેસીકેસી કુળમાં સદંડી મુક્ત દલપત્રો એકબીજાને કાટખૂણે ગોઠવાયેલાં હોય છે; દા. ત., રાઈ, આકૃતિ 7.
(૨) કૅરિયોફિલેશિયસ–કૅરિયોફિલેસી કુળનાં પાંચ સદંડી મુક્ત દલપત્રોના દલફલકો દંડ સાથે કાટખૂણો બનાવે છે; દા. ત., ડાયન્થસ, આકૃતિ 8.
(3) ગુલાબવત્ (rosaceous) – રોઝેસી કુળમાં પાંચ અદંડી અથવા ખૂબ ટૂંકા દંડવાળાં દલપત્રોનાં દલફલકો બહારની તરફ પહોળાં વિસ્તરેલાં હોય છે; દા.ત., જંગલી ગુલાબ, આકૃતિ 9.
અનિયમિત મુક્તદલા દલચક્રનાં સ્વરૂપો : (1) પતંગિયાકાર (papilionaceous) : પાંચ મુક્તદલપત્રોનો આકાર ઊડતાં પતંગિયાં સાથે સામ્ય દર્શાવે છે. ઉપરનું પશ્ચદલપત્ર સૌથી મોટું અને બહારની કિનારીએ ગોઠવાયેલું હોય છે; તેને ધ્વજક (vexillum or standard) કહે છે. નીચેનાં બે અગ્ર દલપત્રો અંદરની તરફ વધતેઓછે અંશે જોડાઈને હોડી આકાર ધારણ કરે છે; તેમને નૌતલ (carina or keel) કહે છે. બે પાર્શ્વસ્થ દલપત્રોને પક્ષકો (alae or wings) કહે છે તે ઉપરની તરફ ધ્વજક દ્વારા આચ્છાદિત થાય છે અને નીચેની તરફ નૌતલ પર આચ્છાદન કરે છે. આ વિશિષ્ટતા ઉપકુળ પેપીલિયોનેસીમાં જોવા મળે છે; દા. ત., વટાણા, આકૃતિ 10.
નિયમિત સંયુક્તદલા દલચક્રનાં સ્વરૂપો : (1) નલિકાકાર (tubular) : સૂર્યમુખીનાં બિંબ પુષ્પકો; રસીલી અને હેમેલિયા જેવી વનસ્પતિઓમાં સમગ્ર દલપુંજનલિકા લગભગ નળાકાર હોય છે અને દલફલકો પહોળાં થયેલાં હોતાં નથી, આકૃતિ 11.
(૨) ઘંટાકાર (campanulate or bell shaped) : દલપુંજનલિકા નીચેના ભાગેથી ગોળાકાર હોય છે અને ઘંટની જેમ ઉપરની તરફ જતાં ક્રમશ: પહોળી બને છે. કૅમ્પેન્યુલેસી અને કુકરબીટેસી કુળની ઘણી વનસ્પતિઓમાં આ સ્થિતિ જોવા મળે છે; દા.ત., કોળું, ઘિલોડી, પીળી કરેણ વગેરે, આકૃતિ 12.
(3) નિવાપાકાર (infundibuliform or funnel shaped) : ધતૂરો અને આઇપોમિયા જેવી ઘણી વનસ્પતિઓમાં દલપુંજનો આકાર નીચેની તરફથી ઉપરની તરફ જતાં ક્રમશ: વિસ્તૃત બને છે અને ટોચ પર ગળણીની જેમ વધારે પહોળો બને છે, આકૃતિ 13.
(4) દીપકાકાર (hypocrateriform or salver shaped) : બારમાસી અને ઇકઝોરા જેવી વનસ્પતિઓમાં દલપુંજનલિકા સાંકડી અને લાંબી હોય છે અને દલફલકો નલિકાને કાટખૂણે ગોઠવાયેલાં હોય છે, આકૃતિ 14.
(5) ચક્રાકાર (rotate or wheel shaped) : પારિજાતક, રીંગણી ને આકડા જેવી વનસ્પતિઓમાં દલપુંજનલિકા ખૂબ ટૂંકી હોય છે અને દલફલકો તેને કાટખૂણે પહોળા ચક્રની જેમ ગોઠવાયેલાં હોય છે, આકૃતિ 15.
(6) કુંભાકાર ( urceolate or urn shaped) : મહુડો અને બ્રાયોફાઇલમમાં દલપુંજનલિકા વચ્ચેથી ફૂલેલી અને બંને છેડા તરફ જતાં ક્રમશ: સાંકડી બને છે, આકૃતિ 16.
અનિયમિત સંયુક્તદલા દલચક્રનાં સ્વરૂપો : (1) જિહવાકાર (ligulate or strap shaped) : ઍસ્ટરેસી કુળની વનસ્પતિઓનાં કિરણપુષ્પકોમાં પાંચ દલપત્રો નીચેની બાજુએથી જોડાઈ ટૂંકી નલિકા બનાવે છે અને ત્યારબાદ એક બાજુએથી વિભાજાઈ જીભ કે પટ્ટાની જેમ ચપટી બને છે; દા. ત., હજારીગોટા, સૂર્યમુખી, આકૃતિ 17.
(2) દ્વિઓષ્ઠીય (bilabite or labiate) : લેમિયેસી અને ઍકેન્થેસી જેવા કુળના દલચક્રની આ વિશિષ્ટતા છે. અહીં દલચક્રનો ઉપરનો પશ્ચ ભાગ બે દલફલકોના જોડાવાથી બે ઓષ્ઠ ધરાવતા ખુલ્લા મુખનો આકાર બને છે; દા. ત., તુલસી, અરડૂસી, આકૃતિ 18.
(3) સંવૃત (personate or masked) : તે દ્વિઓષ્ઠીય દલચક્ર જેવું જ હોય છે, પરંતુ બંને ઓષ્ઠ એટલા નજીક ગોઠવાયેલા હોય છે કે જેથી મુખ બંધ રહે છે, મુખને બંધ કરતા નીચેના ઓષ્ઠના પ્રવર્ધને અધરિકા (palate) કહે છે. આ પ્રકારનું દલચક્ર સ્ક્રોફ્યુલારિયેસી કુળની વિશિષ્ટતા છે; દા. ત., શ્વાનમુખી.
જૈમિન વિ. જોશી