દર્શપૂર્ણમાસયાગ : દર્શ એટલે અમાસ અને પૂર્ણમાસ એટલે પૂનમ. એ બંને દિવસોએ કરવામાં આવતા યાગ એટલે ઇષ્ટિને દર્શપૂર્ણમાસયાગ કહે છે. અગ્નિહોત્ર રાખવો એ વેદના અધ્યયનનું ફળ છે. પ્રાચીન ભારતમાં વિદ્યાર્થી બ્રહ્મચર્યાશ્રમમાં વેદનો અભ્યાસ કરે એ પછી લગ્ન કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે. આ લગ્ન જે અગ્નિની સાક્ષીએ થાય તે અગ્નિ પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એકનું મૃત્યુ થાય ત્યાં સુધી એટલે વર્ષો સુધી રાતદિવસ સતત સળગતો રાખવામાં આવે તેનું નામ અગ્નિહોત્ર રાખવો તે. સ્વર્ગ મેળવવા અગ્નિહોત્ર રાખનારા ગૃહસ્થ બ્રાહ્મણે સવાર, બપોર અને સાંજ – એમ ત્રણ વાર અગ્નિહોત્રમાં હોમ કરવો પડે. વધુમાં દર પૂનમ તેમજ અમાસે ઇષ્ટિ કરવી પડે. આ ઇષ્ટિમાં રાત્રીના પાછલા પહોરમાં ગાયને દોહવામાં આવે છે, દોહેલા દૂધને ગરમ કરી તેમાં દહીં નાખે છે. એથી એના આમિક્ષા એટલે ઘનભાગ અને વાજિન એટલે પ્રવાહી ભાગ જુદા પડે છે અને તે બંનેને હોમવામાં આવે છે. ઘન ભાગમાંથી કલાકો બાદ ઘી બનાવીને તે ઘીની આહુતિ અપાય છે. ગાયને દોહીને રાખેલા દૂધમાંથી દહીં બનાવીને દહીંનો ઘન ભાગ અને પાણીવાળો ભાગ અને ઘી વગેરેની અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે. તે અગ્નિમાં આગ્રહાયણી એટલે માગશરની પૂનમથી શરૂ કરી છ મહિના સુધી ડાંગર હોમવામાં આવે છે અને બાકીના છ મહિના જવ હોમવામાં આવે છે. અગ્નિહોત્ર રાખનાર ગૃહસ્થ જીવે ત્યાં સુધી દર પૂનમે અને અમાસે પરોઢથી છેક સાંજ સુધી ઇષ્ટિ કરે તેને દર્શપૂર્ણમાસયાગ કહે છે. અમાસે કરવામાં આવતી ઇષ્ટિને દર્શેષ્ટિ અને પૂનમે કરવામાં આવતી ઇષ્ટિને પૂર્ણમાસેષ્ટિ કહે છે. અગ્નિહોત્રી માટે આ ઇષ્ટિઓ કરવી જરૂરી છે, કારણ કે તેનાથી સ્વર્ગપ્રાપ્તિ થાય છે એવું મીમાંસાશાસ્ત્ર કહે છે. મોટેભાગે મોટી વયનો અગ્નિહોત્રી પતિ જ પત્નીથી પહેલાં મૃત્યુ પામે એટલે તે જીવે ત્યાં સુધી અગ્નિહોત્ર અને તેમાં દર્શપૂર્ણમાસયાગ કરતો રહે. કદાચ પત્ની પહેલાં મૃત્યુ પામે તો લગ્નની ચોરી રાખેલો સતત અગ્નિ બંધ કરવો પડે. અગ્નિહોત્રના અગ્નિથી એના અગ્નિસંસ્કાર થાય. પરંતુ રોજ રોજ અગ્નિ પ્રગટાવીને હોમ અને દર્શપૂર્ણમાસયાગ અમાસ અને પૂનમે કરવો જ પડે.

વેદમાં કહેલા તમામ શ્રૌતયજ્ઞોનો પાયો દર્શપૂર્ણમાસયાગ છે, કારણ કે ચોક્કસ સંખ્યામાં દર્શપૂર્ણમાસયાગો કરવાથી ચોક્કસ શ્રૌતયજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. શતપથબ્રાહ્મણ વગેરે બ્રાહ્મણગ્રંથોમાં દર્શપૂર્ણમાસયાગની સૂક્ષ્મ ચર્ચા વિસ્તારથી આપવામાં આવી છે. તે દર્શપૂર્ણમાસયાગનો મહિમા સૂચવે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી