દર્દી (જ્ઞાની) હીરાસિંહ (જ. 30 સપ્ટેમ્બર 1889, રાવળપિંડી, પાકિસ્તાન; અ. 1962) : પંજાબી લેખક. બાળપણથી જ કવિતાલેખનનો શોખ. પહેલાં ‘દુ:ખિયા’ તખલ્લુસથી કાવ્યો રચતા, પછી ‘દર્દી’ તખલ્લુસથી. એમને ઉર્દૂ, ફારસી, હિંદી તથા અંગ્રેજી ભાષાઓનું સારું જ્ઞાન હતું. 1920માં એમણે ‘અકાલી’ નામનું દૈનિક સમાચારપત્ર શરૂ કર્યું અને સાથે સાથે 1924–1956 સુધી ‘ફૂલવાડી’ માસિકના તંત્રી રહ્યા. એમનાં 16 મૌલિક પુસ્તકો પ્રગટ થયાં છે, જેમાં કાવ્યસંગ્રહો, વાર્તાસંગ્રહો તથા નિબંધસંગ્રહોનો સમાવેશ થાય છે. ‘દરદ સુનેહે’, ‘ચોણળે દરદ સુનેહે’, ‘કિસાન દિયાં આહીં’, ‘સધરૌ’, તથા ‘મલાયા દી યાત્રા’ એમની મુખ્ય રચનાઓ છે. 1957માં એમણે પંજાબી લેખક સભાની સ્થાપના કરી અને પાંચ વર્ષ ‘પંજાબી સાહિત્ય અકાદમી’ની કાર્યકારિણી સમિતિના સભ્ય રહ્યા. એમની રચનાઓનો પ્રધાન સૂર યથાર્થવાદી છે અને પંજાબી સાહિત્યમાં વાસ્તવવાદની શરૂઆત એમણે કરી કહેવાય છે.
ચન્દ્રકાન્ત મહેતા