થૉમ્સન, (સર) જ્યૉર્જ પેગેટ

March, 2016

થૉમ્સન, (સર) જ્યૉર્જ પેગેટ (જ. 8 મે 1892, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 10 સપ્ટેમ્બર 1975, કેમ્બ્રિજ) : સ્ફટિક વડે ઇલેક્ટ્રૉનનું વિવર્તન (diffraction) શક્ય છે, તેવી પ્રાયોગિક શોધ માટે અમેરિકાના ભૌતિકશાસ્ત્રી ક્લિન્ટન જે. ડેવિસન સાથે સંયુક્તપણે, 1937નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી.

તેમણે પ્રસ્થાપિત કર્યું કે ઇલેક્ટ્રૉનનું વિવર્તન એક તરંગ–ગુણધર્મ છે જેનો બહોળો ઉપયોગ ઘન પદાર્થ તેમજ પ્રવાહીનું આણ્વિક બંધારણ નક્કી કરવા માટે કરવામાં આવે છે. નોબેલ પુરસ્કાર વિજેતા સર જે. જે. થૉમ્સન (1906) તથા રોઝ ઇલિઝાબેથ પેગેટના તેઓ એકના એક પુત્ર હતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીની

સર જ્યૉર્જ પેગેટ થૉમ્સન

પ્રયોગશાળામાં કામ કર્યું. 1922માં સ્કૉટલૅન્ડની ઍબર્ડીન યુનિવર્સિટીમાં પ્રાકૃતિક તત્વજ્ઞાન(natural philosophy)ના પ્રોફેસર થયા. અહીં તેમણે સ્ફટિકમાંથી ઇલેક્ટ્રૉન પસાર કરવાના પ્રયોગો ઉપરથી દર્શાવ્યું કે ઇલેક્ટ્રૉન-પુંજનું વિવર્તન થાય છે. આમ, તેમણે ભૌતિકશાસ્ત્રના 1929ના નોબેલ પુરસ્કાર વિજેતા લુઈ દ બ્રોગ્લીએ કરેલી આગાહીનું સમર્થન કર્યું. 1930માં લંડનની કૉલેજ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીના પ્રોફેસર બન્યા. અહીં તેમણે ન્યૂટ્રૉન અને ન્યૂક્લિયર સંલયન (fusion) ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. 1943માં ‘સર’ના ખિતાબથી તેમને નવાજવામાં આવ્યા. નવ વર્ષ પછી, કેમ્બ્રિજની કૉપર્સ ક્રિસ્ટી કૉલેજના ‘માસ્ટર’ બન્યા, જ્યાંથી 1962માં નિવૃત્તિ લીધી. તેમનાં મહત્ત્વનાં પુસ્તક ‘થિયરી ઍન્ડ પ્રૅક્ટિસ ઑવ્ ઇલેક્ટ્રૉન ડિફ્રૅક્શન’ (1932) અને ‘જે. જે. થૉમ્સન ઍન્ડ ધ કૅવેન્ડિશ લૅબોરેટરી ઇન હિઝ ડેઝ’ (1965) છે.

એરચ મા. બલસારા