થેબિત ઇબ્ન કુર્રા (જ. આશરે ઈ. સ. 836, સીરિયા; અ. ઈ. સ. 901, બગદાદ) : આરબ ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, વૈદ્ય-ચિકિત્સક. ગ્રીક, અરબી અને સીરિયાઈ ભાષાઓનો પ્રકાંડ પંડિત અને ઉત્તમ અનુવાદક. નવમી સદીમાં થયેલી આરબ-ઇસ્લામી સંસ્કારિતાનો એક પ્રતિનિધિ.
તુર્કસ્તાનમાં આવેલા હારાન નામના ગામમાં એક કુલીન વંશમાં એનો જન્મ. એના જીવન અંગે બહુ માહિતી મળતી નથી અને એનું જન્મવર્ષ પણ નિશ્ચિત નથી.
થેબિત અને એના પૂર્વજો સાબીય ધર્મસંપ્રદાયના હતા, જેમાં નક્ષત્રો, ગ્રહો વગેરે જેવા ખગોલીય પિંડોની ઉપાસના કરવામાં આવતી. સંભવ છે કે આ ધર્મ ઉપરની ર્દઢ આસ્થાને કારણે થેબિતને ખગોળનો શોખ લાગ્યો હોય. થેબિતનો મૂળ વ્યવસાય ‘મની ચેઇન્જર’નો એટલે કે લોકોને જુદા જુદા ચલણનાં નાણાં બદલી આપવાનો હતો. વારસામાં મળેલી સંપત્તિનો સદુપયોગ કરીને તે બગદાદમાં જઈને ગણિત તથા તત્વજ્ઞાનમાં તાલીમ લઈ આવ્યો હતો. તત્વજ્ઞાનના એના ઉદાર વિચારોએ એના વતનમાં એને માટે મુશ્કેલી ઊભી કરી અને જાગેલા વિરોધને કારણે આખરે એને ત્યાંની ધાર્મિક અદાલતમાં ઘસડી જવામાં આવ્યો, જ્યાં એની પાસે માફી મગાવવામાં આવી; એટલું જ નહિ, એ પછી એવી પજવણી કરવામાં આવી કે વતન છોડવાની એને ફરજ પડી. કેટલીક વ્યક્તિઓએ વચ્ચે પડીને એને બગદાદ પાછો મોકલી આપ્યો. કેટલાક સંદર્ભ અનુસાર, આ ગાળામાં એને ‘મૂસા બંધુત્રિપુટી’ તરીકે ઓળખાતા ત્રણ ભાઈઓ સાથે પરિચય થયો.
સૌથી મોટા ભાઈ અબૂ જફર મુહમ્મદનો પરિચય થેબિત સાથે થયો. થેબિતની વિદ્વત્તા અને પ્રતિભાથી પ્રભાવિત થઈને મુહમ્મદે એને બગદાદ આવવાનું આમંત્રણ આપ્યું. બગદાદ જઈને થેબિતે ખૂબ ઉત્સાહપૂર્વક વૈજ્ઞાનિક સંશોધન અને પ્રાચીન ગ્રીક ગ્રંથોના અનુવાદની કામગીરી ઉપાડી લીધી. મૂસાત્રિપુટીએ થેબિતને મહિને પાંચસો દીનાર મળે તેવી વ્યવસ્થા કરી આપી અને ખલીફા સાથે પરિચય પણ કરાવ્યો. પાછળથી બગદાદના શાહી ખગોળશાસ્ત્રી તરીકે થેબિતની વરણી થઈ. એનું શેષ જીવન બગદાદમાં જ વીત્યું.
ગણિતમાં થેબિતે મિત્ર સંખ્યાઓની જોડની શોધ કરી હોવાનું કહેવાય છે. બે પૂર્ણાંકોમાંનો દરેક અન્યના અવયવોનો સરવાળો થતો હોય તો તે બન્ને મિત્ર સંખ્યાઓની જોડ (Pair of Amicable Numbers) રચે છે તેમ કહેવાય. 220 અને 284 આવી એક જોડ છે. 220ના (220 સિવાયના) બધા અવયવોનો સરવાળો 284 થાય છે અને 284ના (284 સિવાયના) બધા અવયવોનો સરવાળો 220 થાય છે. મિત્ર સંખ્યાઓની સેંકડો જોડ જાણીતી છે. પણ આવી જોડોનું મનોરંજન સિવાય કોઈ મહત્વ નથી.
ખગોળના ક્ષેત્રે થેબિતનું પ્રદાન નાક્ષત્ર-વર્ષ(sidereal year)નું લગભગ સાચું અથવા આજના સંદર્ભે નિકટવર્તી માપ કાઢવા સંબંધી મુખ્ય છે. એણે લીધેલા વેધોના આધારે નાક્ષત્રવર્ષનું માપ એણે 365 દિવસ, 6 કલાક, 9 મિનિટ અને 11 સેકન્ડ જેટલું ગણ્યું છે. સાધનો ટાંચાં અને સૂક્ષ્મ પરિણામ ન લાવી શકાય તેવાં હોય ત્યારે થેબિત આવી સૂક્ષ્મ લંબાઈ કેવી રીતે કાઢી શક્યો હશે એ આશ્ચર્યજનક છે. ધૂપઘડી કે છાયાયંત્ર પરનું એનું સંશોધન પણ ઉલ્લેખપાત્ર છે. આ અંગે એણે એક આખું પુસ્તક પણ લખેલું, જે મધ્યયુગમાં બહુ પ્રચલિત થયું હતું.
થેબિતે બળવિજ્ઞાન તથા યંત્રશાસ્ત્ર અને ખાસ કરીને સંતુલન અને તુલાદંડ (beam of a balance) ઉપર પણ કામ કર્યું હતું. ઉચ્ચ પ્રકારનાં ત્રાજવાં બનાવવાનું એનું ધ્યેય હતું અને એના ઉપર લખેલો એનો ગ્રંથ પણ એ કાળે ઘણો પ્રચલિત થયો હતો. એનો લૅટિનમાં અનુવાદ પણ થયો હતો.
ચિકિત્સાશાસ્ત્રમાં પણ એ કુશળ હતો. એનો એક દીકરો અબૂ સૈયદ ખલીફા અલ્કાહિરનો શાહી ચિકિત્સક હતો. થેબિતના અનેક શિષ્યો હતા, જેમાંથી ઇબ્ન અસદ નામના શિષ્યે સીરિયામાં લખેલા થેબિતના ગ્રંથોનો અરબીમાં અનુવાદ કર્યો.
થેબિતે ગ્રીસ અને સીરિયાની ભાષાઓમાંથી ગણિત અને ખગોળના ઘણાબધા ગ્રંથોનો અરબીમાં અનુવાદ કર્યો હતો. આ કારણથી અરબી વિજ્ઞાનના ઇતિહાસમાં થેબિતને પ્રથમ કક્ષાના અનુવાદકનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ઈસુની બીજી સદીમાં થઈ ગયેલા ક્લૉડિયસ ટૉલેમીના ‘સિન્ટેક્સિસ’ (આલ્માજેસ્ટ) નામના ગ્રંથનો પોતાનાં ટીકા-ટિપ્પણ ઉમેરીને અરબીમાં સંશોધિત અનુવાદ કર્યો, જે સુપાઠ્ય લેખાયો. આ ઉપરાંત ગ્રીક ભૂમિતિવિદ એપોલોનિયસ(આશરે ઈ. સ. પૂ. 260–200)ના મૂળ આઠ ખંડોમાં લખાયેલા શંકુચ્છેદનને લગતા શંકુ-ભૂમિતિ(conic geometry)ના સાતેક ખંડોનો અરબીમાં અનુવાદ કર્યો.
થેબિતે એપોલોનિયસ, આર્કિમીડીઝ અને થિયૉડોસિઅસના ઘણા ગ્રંથોના અનુવાદ કર્યા છે. એણે યંત્રશાસ્ત્ર (mechanics) અને નીતિશાસ્ત્ર (ethics) ઉપર પણ પુસ્તકો લખ્યાં છે. એના તર્કશાસ્ત્ર, ખગોળ અને વૈદ્યકશાસ્ત્રને લગતા અરબી ગ્રંથોની સંખ્યા લગભગ 150 જેટલી, જ્યારે સીરિયાઈ ભાષાનાં પુસ્તકોની સંખ્યા લગભગ 15 જેટલી છે.
સુશ્રુત પટેલ