થૅકરે, વિલિયમ મેકપીસ ( જ. 18 જુલાઈ 1811, કૉલકાતા; અ. 24 ડિસેમ્બર 1863, લંડન) : અંગ્રેજ નવલકથાકાર; ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીના પુત્ર; 1817માં ભારત છોડ્યું; કેમ્બ્રિજમાં અભ્યાસ; આરંભમાં ચિત્રકામમાં રસ, પણ પછી પત્રકારત્વમાં જોડાયા અને જુદાં જુદાં તખલ્લુસો દ્વારા જુદાં જુદાં સામયિકોમાં લેખો પ્રકટ કર્યા, ઠઠ્ઠાચિત્રો આલેખ્યાં. એમણે એમની નવલકથા ‘વૅનિટી ફેર’(1847–48)ના પ્રકાશનથી સારી નામના મેળવી. થૅકરેના સમગ્ર સર્જનને એમનાં પોતાનાં જ બે પુસ્તકોનાં શીર્ષકોથી વર્ણવી શકાય. ‘ધ બુક ઑવ્ સ્નૉબ્ઝ’ (1846–47) અને ‘વૅનિટી ફેર’. થૅકરે જીવનને દંભ અને અહમ્ની પરેડ કરવાનું સ્થાન હોય એ રીતે મૂલવે છે તો સમાજની દાંભિકતાને ઉઘાડી પાડવી એ એમની કૃતિઓમાં વ્યાપ્ત એવી રચનાપદ્ધતિ છે. તેમની અન્ય નવલકથાઓ છે : ‘પેન્ડેનિસ’ (1848–50), ‘ધ હિસ્ટરી ઑવ્ હેન્રી એસ્મન્ડ’ (1852), ‘ધ ન્યૂકમ્સ’ (1853–55), ‘ધ વર્જિનિયન્સ’ (1857–59), ‘ફિલિપ’ (1861–62).
થૅકરેનું સર્જન રોમૅન્ટિક વલણના વિરોધમાં સર્જાય છે. વૉલ્ટર સ્કૉટની ઐતિહાસિક નવલકથા કે ચાર્લ્સ ડિકન્સની કલ્પનાસભર આદર્શવાદી નવલકથાઓ સામે તે યથાર્થને લઈને આવે છે, પણ એમનો યથાર્થવાદ નિર્ભેળ નથી. તે મધ્યમવર્ગીય દાંભિકતા પ્રત્યે કટાક્ષયુક્ત ચાબખા મારે છે. મુખ્યત્વે આ પાત્રો ઉચ્ચ મધ્યમવર્ગીય હોય છે.
વિશાળ વ્યાપ ધરાવતી ‘વૅનિટી ફેર’માં લંડનના ડ્રૉઇંગરૂમનાં ર્દશ્યોથી માંડી વૉટર્લૂના યુદ્ધ સુધીનાં ર્દશ્યો આવે છે. કથા છે બે તરુણીઓની : એમીલિયા સૅડ્લે, જે શાંત, સુંદર પણ ઓછી તેજસ્વી અને રેબેકા (બેકી) શાર્પ, જે બુદ્ધિશાળી અને મુગ્ધ કરી દેનાર નારી છે. એમીલિયાના પતિ જ્યૉર્જ ઑસ્બોર્ન તેમજ અન્ય પુરુષો સાથે સંબંધો રાખતી બેકી શાર્પની ચાતુરીભરી યોજનાઓ કેન્દ્રમાં હોવા છતાં થૅકરે સમગ્ર સમાજના દંભને અને પોકળતાને નિરૂપે છે. બેકીની જેમ સામાજિક પ્રતિષ્ઠા અને પ્રગતિમાં નિમગ્ન લોકોનું યથાર્થ પણ કટાક્ષભર્યું ચિત્ર આપે છે. નિખાલસ એમીલિયા અંતે જ્યૉર્જની બેવફાઈ જાણ્યા પછી નિ:સ્વાર્થભાવે તેને ચાહતા કૅપ્ટન ડૉબિન સાથે જોડાય છે.
‘પેન્ડેનિસ’માં યુવાન પેન્ડેનિસનાં પ્રેમપ્રકરણો, ઉતાવળિયા નિર્ણયો અને નિરાશાનું આલેખન છે. સમાજના વાસ્તવની પશ્ચાદભૂમિકા છે. ‘હેન્રી એસ્મન્ડ’માં અઢારમી સદીના ઇંગ્લૅન્ડની રાજકીય અને ધાર્મિક મથામણોની કથા આલેખાઈ છે. હેન્રી એસ્મન્ડને આરંભમાં કૅસલવૂડ પરિવારનું ગેરકાયદેસર સંતાન ગણવામાં આવે છે, પણ તે લેડી કૅસલવૂડની ચાહના મેળવે છે. બિયાટ્રિક્સ સાથેનો તેનો પ્રેમ નિષ્ફળતામાં પરિણમે છે, પણ અંતે લેડી કૅસલવૂડ સાથે લગ્ન કરી વર્જિનિયામાં રહેવા ચાલી જાય છે, અને ‘ધ વર્જિનિયન્સ’ના કાર્યક્ષેત્રની ભૂમિકા રચાય છે. ‘ધ ન્યૂકમ્સ’માં પણ ‘પેન્ડેનિસ’ની માફક આધુનિક પશ્ચાદભૂમિકા લઈ રઝળતા ઊર્મિશીલ પરિવારની કથા કહેવામાં આવી છે.
‘ડેનિસ ડુવલ’(1864) એમની અપૂર્ણ નવલકથા છે, ઉપરાંત એમના અનેક વિષય પરના નિબંધોની ગદ્યશૈલી સરળ અને પ્રાસાદિક છે.
વિષાદભર્યા ર્દષ્ટિકોણ સાથેના ‘કૉમિક મોડ’ માટે આધુનિક સમયમાં પણ થૅકરેનું આગવું સ્થાન છે.
અનિલા દલાલ