થિંફુ : હિમાલયની તળેટીમાં આવેલા ભુતાન દેશનું પાટનગર તથા તે જ નામ ધરાવતો જિલ્લો. તે થિંબુ નામથી પણ ઓળખાય છે. તે દેશના પશ્ચિમ-મધ્ય વિસ્તારમાં વાગ યુ નદી પર સમુદ્રસપાટીથી 2425 મી. ઊંચાઈ પર વસેલું છે. તેનો કુલ વિસ્તાર 1620 ચોકિમી. તથા વસ્તી 41,000 (2017) છે. જિલ્લાની વસ્તી આશરે 1.15 લાખ (2017) છે.
નગરની આસપાસના વિસ્તારમાં ઘઉં, ચોખા તથા મકાઈની પેદાશ થાય છે. નગરમાં ઇમારતી લાકડાં વહેરવાનું કારખાનું છે. 1966માં પૂર્ણ કરવામાં આવેલ જળવિદ્યુત-યોજના દ્વારા નગરને વીજળીનો પુરવઠો પ્રાપ્ત થાય છે. 1962માં તે દેશનું પાટનગર બન્યું ત્યારથી ભારતની આર્થિક અને તકનીકી સહાયથી આ નગરનો અદ્યતન ઢબે ઝડપી વિકાસ થયો છે. નગરના સીમાડે એક નાનું વિમાનમથક છે.
ભુતાનમાંના મોટામાં મોટા બૌદ્ધ મઠ ટાશિ છો ઝાંગની આસપાસ વસેલા આ નગરમાં રાજાનો મહેલ, રાષ્ટ્રીય સંસદનું સભાભવન તથા સરકારી કચેરીઓ આવેલાં છે.
1975માં પૂરા કરવામાં આવેલા 195 કિમી. લાંબા માર્ગથી આ નગર ભારતના પ્રવેશદ્વાર ફુન્ટશોલિંગ સાથે સંકળાયેલું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે