થાઇલૅન્ડનું સ્થાપત્ય : થાઇલૅન્ડના સ્થાપત્યની શરૂઆત ઈસુની છઠ્ઠી સદીથી થઈ હતી. વિશ્વના બૌદ્ધ સ્થાપત્યથી પ્રભાવિત થયેલા થાઇલૅન્ડના ઐતિહાસિક સ્થાપત્યને ચાર તબક્કામાં વર્ગીકૃત કરાય છે. પ્રથમ તબક્કો જેમાં ર્દશ્યવર્તી સ્થાપત્યશૈલી પ્રચલિત હતી તે ઈ. સ.ની સાતમીથી દસમી સદીમાં પ્રસરેલો છે. આ તબક્કાનું થાઇલૅન્ડનું સ્થાપત્ય તત્કાલીન મ્યાનમારના સ્થાપત્યથી સંપૂર્ણ પ્રભાવિત હતું અને થાઇલૅન્ડની સ્થાનિક ઓળખ તેમાં નહિવત્ હતી. ઈંટ તથા પથ્થરના ચણતર વડે બનાવાયેલ લામ્પનનું વાટકુકુટ દેવળ આ તબક્કાની નોંધપાત્ર ઇમારત છે. ત્યારબાદ ઈસુની દસમીથી તેરમી સદીના ગાળામાં થાઇલૅન્ડમાં સ્થપાયેલ સ્વતંત્ર ખ્મેરલોપબુરી સામ્રાજ્યમાં સ્થાપત્યની સ્થાનિક પ્રાંતીય શૈલીનો પ્રસાર થયો. સ્થાપત્યની મૂળ ભાષા તથા બાંધકામની તકનીક અને સામગ્રીમાં નોંધપાત્ર ફેરફાર ન થવા છતાં આ ગાળામાં સ્થાપત્યમાં સ્વતંત્ર સામ્રાજ્યની છબી ઉપસાવવાનો પ્રયત્ન જરૂર દેખાઈ આવે છે. બારમી સદીમાં લોપબુરીમાં બનાવાયેલ વાટ મહાધાતુનું દેવળ તથા ચૌદમી સદીમાં સુખોથાઈમાં બનાવાયેલ વાટ મહાથાટનું દેવળ આ તબક્કાની ઇમારતોના ઉલ્લેખનીય નમૂના છે. જ્યારે ચિંગેમાલી નજીક આવેલ વાટ જેટ યોટ દેવળ ત્યારબાદના ઈસુની તેરમીથી સત્તરમી સદીમાં વિકસેલ થાઇલૅન્ડની સ્થાપત્યશૈલીની ઉલ્લેખનીય ઇમારત છે.
આ તબક્કામાં થાઇલૅન્ડની અગાઉના તબક્કાની પ્રાંતીય શૈલીનો અન્ય બૌદ્ધ દેશોમાં વિકસેલ સ્થાપત્યશૈલી સાથે સુંદર સમન્વય થયો. ત્યારબાદ થાઇલૅન્ડની પ્રાચીન રાજધાની અયોધ્યાના નાશ પછી નવી રાજધાની બૅંગકૉકની સ્થાપના કરાઈ, જેનાથી પ્રચલિત થયેલ સ્થાપત્યશૈલીને બૅંગકૉક-શૈલી કહેવાય છે. અઢારમી સદીના પૂર્વાર્ધ તથા ઓગણીસમી સદીમાં વિકસેલ આ તબક્કાના સ્થાપત્યમાં ચીનના સ્થાપત્યની અસર સ્પષ્ટ દેખાય છે. આ તબક્કામાં બનાવાયેલ ઇમારતો પરનાં ઢળતાં છાપરાંના છેડા ઉપરની તરફ વળેલા રખાતા, જેનાથી તે હોડી જેવા આકારનાં તથા તરતાં હોય તેવી અનુભૂતિ કરાવતાં. તેના પર વળાંકાકાર નાગાકૃતિ અંકિત કરાતી જે પાછળથી થાઇલૅન્ડના સ્થાપત્યની ઓળખ બની રહી. બૅંગકૉકનો રૉયલ પૅલેસ આ તબક્કાના સ્થાપત્યનો ઉલ્લેખનીય નમૂનો છે. અર્વાચીન સમયમાં બાંધકામની સામગ્રી બદલાઈ હોવા છતાં બૅંગકૉક શૈલીનાં છાપરાં હજુ પણ થાઇલૅન્ડમાં બનાવાય છે. ઈ. સ. 1950 પછી ત્રીજા વિશ્વના અન્ય દેશોની જેમ થાઇલૅન્ડમાં પણ સ્થાપત્યની આંતરરાષ્ટ્રીય શૈલીનો પ્રસાર થયો.
થાઇલૅન્ડના ઐતિહાસિક સ્થાપત્ય વિશે જેટલી માહિતી પ્રાપ્ય છે તેના પ્રમાણમાં આવાસકીય સ્થાપત્ય વિશે બહુ અલ્પ માહિતી મળે છે; કારણ કે ઐતિહાસિક સ્થાપત્ય મુખ્યત્વે પથ્થર તથા ઈંટમાંથી બનાવાયું છે, જ્યારે આવાસરૂપ ઇમારતો પ્રમાણમાં ઓછી આવરદાવાળી લાકડા તથા વાંસ જેવી સામગ્રીમાંથી બનાવાઈ હતી.
હેમંત વાળા